હોટેલ રેસ્ટોરન્ટ માટે વેરાના દરમાં મહત્વના ફેરફાર: જૂના વિવાદનો અંત કે નવા વિવાદની શરૂઆત??

01.04.2025 થી ડિકલેર્ડ ટેરિફના વિવાદનો થશે વિધિવત અંત પણ શું આ એક નવા વિવાદની શરૂઆત નથી ને??
તા. 28.01.2025: જી.એસ.ટી. કાયદા હેઠળ હોટેલ સાથે રેસ્ટોરન્ટ હોય તેવા કરદાતાઓ માટે જી.એસ.ટી. ના દરમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 01.04.2025 થી લાગુ થશે. અત્યાર સુધી 7500/- થી વધુ “ડિકલેર્ડ ટેરિફ” ધરાવતી હોટેલના માટે તે હોટેલ સાથે રહેલ રેસ્ટોરન્ટનો દર 18% રહેતો હતો. આ પ્રકારની હોટેલને “સ્પેસિફાઇડ પ્રિમાઈસિસ” વાળી હોટેલ ગણવામાં આવતી હતી. “ડિકલેર્ડ ટેરિફ” બાબતે અનેક વ્યાવહારિક મુશ્કેલી પડતી હતી. હવે આ બાબતે હવે 01.04.2025 થી મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, કોઈ હોટેલ જેઓએ પાછલા વર્ષમાં કોઈ એક યુનિટનું ભાડું, એટલેકે કોઈ એક રમનું ભાડું 7500/- થી વધુ લીધેલ હશે તો તેઓના માટે પોતાના રેસ્ટોરન્ટ સેવાનો જી.એસ.ટી નો દર 18% (CGST 9% અને SGST 9%) રહેશે. આ ઉપરાંત કોઈ હોટેલ આગામી નાણાકીય વર્ષ માટે ડેક્લેરેશન ફાઇલ કર્યું હશે કે તેઓની હોટેલ “સ્પેસીફાઇડ પ્રિમાઈસિસ” છે તો પણ તેઓ માટે તેઓની રેસ્ટોરન્ટ સેવાનો વેરાનો દર 18% રહેશે. આગામી વર્ષ માટે આ ડિકલેરેશન જે તે હોટેલ દ્વારા ચાલુ વર્ષની 01 જાન્યુઆરી થી 31 માર્ચ સુધીમાં ફાઇલ કરી આપવાનું રહેશે. આ ઉપરાંત નવા નોંધણી નંબર લઈ રહેલ હોટેલ માટે આ ડેક્લેરેશન નોંધણી નંબર ની અરજી કરવાની એકનોલેજમેંટ મળ્યાના 15 દિવસમાં કરવાનું રહેશે. નવા નોંધણી નંબર લેવા સમયે આ પ્રકારે ડેકલેરેશન કરનાર કરદાતા માટે જી.એસ.ટી. નો દર 18% રહેશે. આ “સ્પેસીફાઇડ પ્રિમાઈસિસ” વાળી હોટેલ માટે પોતાની ખરીદી ઉપરની તમામ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર થશે. ઉપરોક્ત ત્રણ કિસ્સામાં લાગુ ના પડતાં હોય તેવી હોટેલ માટે તેઓની રેસ્ટોરન્ટ સેવાનો દર 5% જ રહેશે પરંતુ તેઓ પોતાની ખરીદી ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે નહીં.
આ સુધારો લાગુ થતાં “ડિકલેર્ડ ટેરિફ” ના વિવાદનો તો ચોક્કસ અંત આવી જશે પરંતુ આ સુધારા સાથે એક વધુ વિવાદ પણ ઉભો થઈ શકે છે. આ અંગે વાત કરતાં ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટના પાર્ટનર દીપકભાઈ પોપટ જણાવે છે કે “અત્યાર સુધી જે “ડિકલેર્ડ ટેરિફ” ની મહત્વતા માત્ર ટેરિફ ઉપર ગણવામાં આવતી. આમાં, એક્સ્ટ્રા પર્સન અંગેનો ચાર્જ ગણવામાં આવતો નહીં. જ્યારે હવે આ સુધારા દ્વારા “વેલ્યૂ ઓફ સપ્લાય પર યુનિટ” જોવાની રહેશે. આમ, એક્સ્ટ્રા પર્સનનો ચાર્જ પણ આ સાથે “વેલ્યૂ ઓફ સપ્લાય પર યુનિટ” માં ગણાઈ જશે. આમ, પાછલા વર્ષમાં જે હોટેલ દ્વારા કોઈ એક રૂમનું બિલ 7500 થી વધુ બનાવ્યું હશે તેમના માટે હવે આગામી વર્ષે એટ્લે કે 01.04.2025 થી ફરજિયાત 18% ના વિકલ્પમાં જવાનું રહેશે. ઘણી નાની હોટેલમાં પણ ક્યારે એક રૂમનું સામાન્ય ભાડું 4500 જેવુ હોવા છતાં એક્સ્ટ્રા પર્સનને એ જ યુનિટમાં સેવા પૂરી પાડતા યુનિટનું ભાડું 7500 થી વધુ થઈ શકે છે. આમ, સામાની હોટેલ હોવા છતાં તેઓના રેસ્ટોરન્ટમાં ગ્રાહકો 5% ના સ્થાને 18% જી.એસ.ટી. ચૂકવવા મજબૂર બની શકે છે. આ અંગે ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે”
“ડિકલેર્ડ ટેરિફ” અંગે છેલ્લા 8 વર્ષ જેવા સમયથી ચાલતો વિવાદ આ સાથે શાંત થઈ જશે તે ચોક્કસ છે. પરંતુ શું આ એક નવા વિવાદની શરુઆત નથી ને??? ભવ્ય પોપટ, ટેક્સ ટુડે