જી.એસ.ટી. કાઉન્સીલની 48મી મિટિંગના મહત્વના નિર્ણયો
જી.એસ.ટી. હેઠળ ફોજદારી જોગવાઇઓમાં રાહત જાહેર કરવામાં આવી પરંતુ “ડીક્રિમિનલાઇઝ” કરવાની આશા ફળી નહીં
જી.એસ.ટી. કાઉન્સીલની 48 મી મિટિંગ ઓનલાઈન તારીખ 17 ડિસેમ્બર 2022 ના રોજ મળી હતી. આ મિટિંગમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે.
જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગમાં કરવામાં આવેલ મહત્વની સ્પષ્ટતાઓ
જી.એસ.ટી કાઉન્સીલની 48 મી મિટિંગમાં નીચે મુજબની મહત્વની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
- રાબનો સમાવેશ હેડિંગ 1702 માં થાય અને તેના ઉપર 18 % જી.એસ.ટી. લાગે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
- “ફ્રાયમસ” નો સમાવેશ હેડિંગ 19059030 માં થાય અને તેના ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવી સ્પષ્ટતા કરવમાં આવેલ છે.
- 1500 CC ઉપર ના SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વિહિકલ) ઉપર 22% ના ઊંચા દરે સેસ લાગુ પડે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
- પોતાના અંગત રહેઠાણ માટે કોઈ જી.એસ.ટી હેઠળ નોંધાયેલ કરદાતા દ્વારા રહેણાંકી ઘર ભાડે રાખવામા આવે તો રિવર્સ ચાર્જની જવાબદારી ઉપસ્થિત થાય નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગમાં વેપાર જગતને સગવડ પૂરી પાડતા મહત્વના નિર્ણયો:
48 મી જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં વેપાર જગતને સગવડતા પૂરી પાડવા નીચેના મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે.
- જી.એસ.ટી. હેઠળ ફોજદારી (ક્રિમિનલ) કાર્યવાહી કરવા માટે કરચોરીની હાલની મર્યાદા 1 કરોડ છે તેમાં વધારો કરી 2 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે માલ કે સેવા પૂરી પડ્યા સિવાય માત્ર બિલ આપતા કરદાતાઓ માટે આ વધારાની મર્યાદાનો લાભ મળશે નહીં તેવી સ્પષ્ટતા પણ સાથો સાથ કરવામાં આવેલ છે. વેપાર જગત આશા સેવી રહ્યું હતું કે જી.એસ.ટી. હેઠળ ફોજદારી કાર્યવાહી લાગુ પડતી જોગવાઇઓ દૂર કરવામાં આવશે. પરંતુ વેપાર જગતની આ આશા આ મિટિંગમાં ફળીભૂત થયેલ નથી.
- કોઈ પણ ફોજદારી ગુનાહમાં માંડવાળ કરવા અંગેની જી.એસ.ટી. કાયદા અંગેની જોગવાઈમાં ફેરફાર સૂચવવામાં આવેલ છે અને હાલ જે માંડવાળની રકમ જે ટેક્સના 50% થી 150 % જેવી છે તેમાં ઘટાડો કરી ટેક્સના 25% થી 100% સૂચિત કરવામાં આવેલ છે.
- જી.એસ.ટી. અધિકારીને તેઓની ફરજ પૂરી પાડવામાં અવરોધ ઊભો કરવો, મહત્વના પુરાવાનો નાશ કરવો અને જી.એસ.ટી. અધિકારી દ્વારા માંગવામાં આવેલ વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ જવા અંગેના નિયમોમાં હાલમાં લાગુ ફોજદારી જોગવાઈ દૂર કરવા સૂચન કરવામાં આવ્યું છે.
- જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ હોય તેવા વ્યક્તિને પણ જી.એસ.ટી. હેઠળ રિફંડ મળી રહે તેવી જોગવાઈ સૂચિત કરવામાં આવેલ છે.
- બિન નોંધાયેલ સપ્લાયર્સ અને કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ જેઓ ઇ કોમર્સ ઓપરેટર દ્વારા રાજ્યમાં વેચાણ કરી શકે તેવી છૂટ આપવા સૂચન કરવામાં આવેલ છે. જો કે આ જોગવાઈના અમલ કરવામાં સમય લાગશે અને આ જોગવાઈ 01.10.2023 થી અમલી બનશે તેમ જણાવવામાં આવેલ છે.
- જી.એસ.ટી. હેઠળ TDS અને TCS કરવા જવાબદાર કરદાતાઓને તેઓની જવાબદારી ઉપસ્થિત થતી ના હોય તેવા સંજોગોમાં તેઓનો જી.એસ.ટી. નંબર રદ કરવા અરજી કરવા કરી તેઓનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની સગવડ આપવામાં આવેશે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
- નાણાકીય વર્ષ 2017-18 તથા 2018-19 ના વર્ષ માટે GSTR 3B મે ક્લેઇમ કરેલ ક્રેડિટ અને GSTR 2A માં મળી રહેતી ક્રેડિટમાં તફવાત અંતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ટૂંક સમયમાં સર્ક્યુલર બહાર પાડવામાં આવેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
- ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારી અંગે પણ સર્ક્યુલર બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે.
- બોગસ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રોકવા બાયો મેટ્રિક બેઝ જી.એસ.ટી. રજીસ્ટ્રેશનની ગુજરાત રાજ્યથી લઈ એક પાઇલોટ પ્રોજેકટ શરૂ કરવા જાહેરાત કરવામાં આવેલ છે.
- બોગસ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રોકવા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન PAN લિન્ક મોબાઈલ અને ઇ મેઈલ એડ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવેલ છે. આમ કરવાથી PAN ધારકના જાણ બહાર જી.એસ.ટી. નંબર લેવાના કિસ્સાઓ રોકી શકશે. જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલ ઘણા PAN એવા છે જેમાં મોબાઈલ નંબર કે ઇ મેઈલ લિન્ક થયેલ નથી. આ સંજોગોમાં સિસ્ટમમાં આ ફેરફાર થતાં કરદાતાઓને નોંધણી દાખલો લેવામાં મુશ્કેલી પડી શકે છે.
- જી.એસ.ટી. રિટર્ન ભરવાની મહત્તમ મર્યાદા જે તે રિટર્ન ભરવાની છેલ્લી મુદતથી 3 વર્ષ કરવાનું સૂચન પણ આ મિટિંગમાં કરવામાં આવેલ છે.
- જી.એસ.ટી. નિયમો હેઠળ નવો નિયમ 88C દાખલ કાર અને GST DRC 01B દાખલ કરવામાં આવ્યું છે. કરદાતા દ્વારા ભરવામાં આવેલ GSTR 1 તથા GSTR 3B હેઠળ દર્શાવવામાં આવેલ ટેક્સની રકમમાં નિયત રકમ કે ટકાવારી કરતાં તફાવત હોય તેવા સંજોગોમાં તેઓને DRC 01B માં નોટિસ આપવામાં આવશે. કરદાતા દ્વારા આ તફાવતની રકમ અંગે કારણો રજૂ કરવાના રહેશે અથવા તો આ રકમ ભરી આપવાની રહેશે. જો આ બન્ને માથી કરદાતા દ્વારા કશું કરવામાં નહીં આવ્યું હોય તો ત્યારબાદના GSTR 1 તેઓને ભરવામાંથી બ્લોક કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. આ સિસ્ટમ જનરેટેડ પ્રોસેસ હશે અને આમાં કોઈ અધિકારના દાખલનો અવકાશ રહેશે નહીં તેવી જાહેરાત પણ કરવામાં આવેલ છે.
જી.એસ.ટી. કાઉન્સીલની 48 મી મિટિંગમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વાંચકોને યાદ આપવું જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલની સૂચનો સરકાર માટે ભલામણ સ્વરૂપે હોય છે. જ્યાં સુધી સરકાર દ્વારા આ અંગે જરૂરી પરીપત્રો બહાર પાડવામાં ના આવે આ જોગવાઈ અમલી બની જતી નથી.