“अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” આ હિન્દીની પ્રખ્યાત કહેવત લાગુ ના પડે આપણાં નવી ઇન્કમ ટેક્સ પોર્ટલને??

Spread the love
Reading Time: 2 minutes

હજુ આ પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત પણ થયું નથી ત્યારે 01 ઓગસ્ટે 1000 રૂપિયાની “લેઇટ ફી” માંગી રહ્યું છે પોર્ટલ!!

તા. 01.08.2021: સપ્ટેમ્બર 2004 થી પ્રમાણમાં ખૂબ સારી રીતે ચાલતા ઇન્કમ ટેક્સ પોર્ટલના સ્થાને 07 જૂન 2021 માં ઇન્કમ ટેક્સના નવા પોર્ટલને દબદભરી રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ નવા પોર્ટલને લોન્ચ થયાને બે મહિના જેવો સમય થવા આવ્યો છે છતાં આ પોર્ટલ ઉપર યોગ્ય રીતે કામ કરી શકવામાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા પછી વેરીફાયના થવા અંગે, રિટર્ન ભર્યા તારીખમાં કોઈ ભવિષ્યની તારીખ બતાવતી હોય તે બાબતો જેવી અનેક બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે. આ પોર્ટલ હાલ યોગ્ય રીતે ચાલતું ના હોવા અંગે નાણાં મંત્રાલય દ્વારા જાહેરમાં સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. આમ, છતાં આજે 01 ઓગસ્ટના રોજ આ પોર્ટલ ઉપર રિટર્ન ભરવા જતાં રિટર્ન લેઇટ ભરવાં અંગે લાગતી લેઇટ ફી માંગવામાં આવી રહી હોવાના સમાચારો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ હેઠળ ભરવાના થતાં વિવિધ ફોર્મ્સની મુદતમાં કોરોનાના કારણે (પોર્ટલના કારણે નહીં હો!!) વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છતાં પોર્ટલ હાલ “લેઇટ ફી” માંગી રહ્યું છે. ચોક્કસ આ પણ નવા ઇન્કમ ટેક્સ પોર્ટલનું એક “બ્લનડર” જ ગણી શકાય જે ભવિષ્યમાં સુધારી જશે. પરંતુ આ પ્રકારની સામાન્ય ભૂલોના કારણે કરદાતાઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સએ ઘણું સહન કરવું પડતું હોય છે. ક્યારેક કોઈ ઈમરજન્સીના કારણે આ લેઇટ ફી ભરી રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ પણ લેવો પડતો હોય છે કારણકે આ પ્રકારની ટેકનિકલ ક્ષતિ ક્યારે દૂર થશે તે અંગે કોઈ ચોક્કસ અનુમાન લગાવી શકે નહીં. 

ઇન્કમ ટેક્સ પોર્ટલ 15 ઓગસ્ટ સુધીમાં વ્યવસ્થિત કામ કરતું થઈ જશે તેમ વિવિધ મીડિયામાં સરકાર જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રકારની મોટી વેબસાઇટ ચલાવવામાં આવી નાની નાની ભૂલો રહી જાય તે કેવી રીતે ચલાવી લેવામાં આવે છે તે ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં ઊઠતો સૌથી મોટો પ્રશ્ન છે? શું કરવા આ અંગે બનાવનાર કંપની કે સલગ્ન અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી?? કરદાતાને નાની નાની ભૂલો માટે પેનલ્ટી કે લેઇટ ફી લાગુ કરવામાં આવે છે ત્યારે શું કરવા પોતાની ફરજમાં નિષ્ફળ જનાર કંપની કે અધિકારી ઉપર લેઇટ ફી તથા પેનલ્ટી લગાડવામાં નથી આવતી?? આજે જ્યારે પોર્ટલ ઉપર 1000/ ની લેઇટ ફી માંગવામાં આવી રહી છે ત્યારે શું આ પ્રચલિત હિન્દી કહેવત “अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” યાદ ના આવે??? ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

   

3 thoughts on ““अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” આ હિન્દીની પ્રખ્યાત કહેવત લાગુ ના પડે આપણાં નવી ઇન્કમ ટેક્સ પોર્ટલને??

  1. સરકાર નો કાન આમળી, તેને એમની ભૂલો સુધારવા માટે પ્રેરિત કરવામાં તમારી તોલે કોઈ ના આવી શકે. શાબાશ

Comments are closed.

error: Content is protected !!