જી.એસ.ટી. વેરાશાખ–સરકાર આપશે, મને મળશે કે તમે અપાવશો?

Spread the love
Reading Time: 5 minutes

 

 

 

By ધવલ એચ. પટવા.

એડવોકેટ-સુરત.

મુબારક હો…. જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭ ની પેટા કલમ (૫) માં નવા ક્લોઝ (fa) નો જન્મ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જ્યારથી જી.એસ.ટી. કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જ જી.એસ.ટી.ની વેરાશાખ મેળવવાનું દિન પ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે. શરૂઆતમાં જી.એસ.ટી.કાયદાની કલમ ૧૬(૨) માં ઠરાવેલ મુખ્ય ચાર શરતો નું પાલન કર્યેથી મેળવી શકાતી વેરાશાખ હવે રોજબરોજના સુધારા થકી મૂકવામાં આવેલા અનેક નિયંત્રણો અને શરતોને આધીન મેળવવાની હોઈ અધિક મુશ્કેલ બનતું જતું હોય એવું લાગી રહ્યું છે. આજના આ લેખ દ્વારા જી.એસ.ટી.ની વેરાશાખ મેળવવા માટે જરૂરી શરતો વિશે સરળ ભાષામાં જાણવા પ્રયત્ન કરીએ.

        જી.એસ.ટી.કાયદામાં વેરાશાખ મેળવવા બાબતે કલમ ૧૬ તથા કલમ ૧૭ મહત્વની છે. કલમ ૧૬ માં વેરાશાખ મેળવવા માટેની પાત્રતા તથા શરતો ની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કલમ-૧૭ માં પ્રતિબંધિત વેરાશાખની જોગવાઈ કરવામાં આવી છે. જી.એસ.ટી.કાયદાના અમલ સમયે કલમ ૧૬ ની પેટા કલમ (૨) માં મુખ્ય ચાર શરતો જણાવવામાં આવી હતી જેનું પાલન કર્યેથી નોંધાયેલ વ્યક્તિ વેરાશાખ મેળવવા હક્કદાર થતી હતી જે મુજબ –

  • નોંધાયેલ વ્યક્તિ પાસે સપ્લાયરે આપેલ ટેક્ષ ઇન્વોઇસ અથવા ડેબિટ નોટ અથવા કાયદા ધ્વારા માન્ય અન્ય ટેક્ષ ચૂકવેલ દસ્તાવેજ હોવો જોઈએ.
  • વેરાશાખ મેળવનાર નોંધાયેલ વ્યક્તિએ માલ અથવા સેવા અથવા બંને મેળવેલ હોવા જોઈએ.
  • વેરાશાખ મેળવનાર નોંધાયેલ વ્યક્તિએ સપ્લાયરને ચૂકવેલ વેરો સપ્લાયરે સરકારને રોકડેથી અથવા મળવાપાત્ર વેરાશાખ સામે સરભર કરીને ચૂકવેલ હોવો જોઈએ.
  • વેરાશાખ મેળવનારે પોતાનું કલમ-૩૯ હેઠળ ભરવાપાત્ર રિટર્ન (GSTR 3B) ભરેલ હોવું જોઈએ.

આ ઉપરાંત કલમ ૧૬(૨) ના પ્રોવાઈઝૉ માં જણાવ્યા મુજબ મેળવેલ માલ કે સેવાનું ૧૮૦ દિવસની સમયમર્યાદામાં ચુકવણી કરવી તથા કલમ ૧૬(૪) માં જણાવેલ સમયમર્યાદામાં વેરાશાખ મેળવી લેવા જેવી અન્ય આનુષંગિક શરતો પણ સામેલ છે જ.

ત્યારબાદ તા.૦૯.૧૦.૨૦૧૯ થી દાખલ કરવામાં આવેલા નિયમ ૩૬(૪)ની જોગવાઈ મારફત  મૂકવામાં આવેલ નિયંત્રણ મુજબ વેરાશાખ મેળવનાર નોંધાયેલ વ્યક્તિ, સપ્લાયરે કલમ ૩૭ હેઠળ ભરેલ આઉટવર્ડ સપ્લાય સ્ટેટમેન્ટ (GSTR1)માં દર્શાવેલ ઇનવોઇસ કે ડેબિટ નોટની મળવાપાત્ર વેરાશાખના ૨૦% કરતાં વધુ વેરાશાખ મેળવી શકશે નહીં  જે કમશઃ ઘટાડી તા.૦૧.૦૧.૨૦૨૦ના રોજથી ૧૦% તથા તા.૦૧.૦૧.૨૦૨૧ના રોજથી ૫% કરવામાં આવી. પરંતુ આ જોગવાઈની બંધારણીય કાયદેસરતા ને જુદા જુદા રાજ્યોની કોર્ટોમાં પડકારવામાં આવતા છેવટે નાણાકીય ધારા ૨૦૨૧થી નોટિફિકેશન નં. ૩૯/૨૦૨૧ તા.૨૧/૧૨/૨૧ મારફત તા.૦૧/૦૧/૨૦૨૨ થી અમલી બને તે રીતે કલમ ૧૬ ની પેટા કલમ (૨)માં નવા ક્લોઝ (aa) ની જોગવાઈ કરવામાં આવી જે મુજબ –

વેરાશાખ લેનાર નોંધાયેલ વ્યક્તિએ ક્લોઝ (a) માં જણાવેલ જે ઇન્વોઇસ અથવા ડેબિટનોટને આધારે વેરાશાખ મેળવેલ હોય તેની વિગત સપ્લાયરે તેના આઉટવર્ડ સપ્લાઈના સ્ટેટમેંટ (GSTR -1)માં કલમ ૩૭ માં ઠરાવેલ રીતે દર્શાવીને તેની જાણ વેરાશાખ મેળવનારને કરેલી હોવી જોઈએ.

આમ કલમ ૧૬(૨) માં મુખ્ય ચાર શરતો સાથે નવા ક્લોઝ (aa) નો ઉમેરો થતાં મહત્વની પાંચ શરતોનું પાલન થવું તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજથી આવશ્યક બન્યું છે.

આ જોગવાઇઓ પછી નાણાકીય ધારા ૨૦૨૨ થી નોટિફિકેશન નં.૧૮/૨૦૨૨ તા.૨૮/૦૯/૨૨ દ્વારા તા.૦૧/૧૦/૨૨ થી કલમ ૧૬(૨) ના ક્લોઝ (b) માં દાખલ કરાયેલ પેટા ક્લોઝ (ba) મુજબ સપ્લાયરે વેરાશાખ મેળવનાર વેપારીને કલમ ૩૭ માં ઠરાવ્યા મુજબ (GSTR -1/GSTR 2B દ્વારા) સપ્લાયની જાણ કરેલ હોય તે કલમ-3૮ હેઠળ પ્રતિબંધિત ન હોવી જોઈએ એટલે કે કલમ ૩૮ની જોગવાઈ મુજબ આ સપ્લાયની વેરાશાખ મેળવવા પર પ્રતિબંધ ન હોવો જોઈએ. કલમ ૩૮ની તમામ જોગવાઈ સપ્લાયરના વર્તન તથા ચોકસાઇ પર આધારિત હોઇ સપ્લાયર જો ચૂક (default) કરે તો વેરાશાખ મેળવનારની વેરાશાખ નામંજૂર થાય જેથી Buyer Beware ના સિધ્ધાંત મુજબ વેરાશાખ મેળવનાર વેપારીએ સપ્લાયરની પૂરતી ચકાસણી કરી વેરાશાખનો દાવો કરવાનો થાય એવું જણાય છે. જો કે આ જોગવાઇઓ નોટિફાય થયેલ ન હોઈ હાલ અમલમાં નથી. પરંતુ સંબંધિત નિયમોની રચના થયેથી ઠરાવેલ તારીખથી આ જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે. હવે કલમ ૩૮ની જોગવાઈ જોઈએ તો કલમ ૩૮(૨)(b) મુજબ નીચે જણાવેલ સપ્લાયના સંદર્ભમાં નોંધાયેલ વ્યક્તિ વેરાશાખ મેળવી શકશે નહીં :

  • જ્યારે એવા સપ્લાયર પાસે માલ કે સેવા કે બંને મેળવવામાં આવેલ હોય જેણે નવો નોંધણી નંબર મેળવ્યો હોય ત્યારે નોંધણી નંબર મેળવ્યાના ઠરાવેલ સમય સુધી માલ કે સેવા કે બંને મેળવનારને વેરાશાખ મળવાપાત્ર નથી.
  • જ્યારે સપ્લાયરે ટેક્સની ચુકવણીમાં ચૂક કરી હોય અને આવી ચૂક ઠરાવેલ સમય સુધી ચાલુ રહી હોય ત્યારે આવા સમય સુધી માલ કે સેવા કે બંને મેળવનારને વેરાશાખ મળવાપાત્ર રહેશે નહીં.
  • જ્યારે સપ્લાયરે ભરેલ આઉટવર્ડ સપ્લાયના સ્ટેટમેંટ(GSTR1)માં દર્શાવેલ વેરાની જવાબદારી કરતાં GSTR 3B માં ભરેલ વેરો ઠરાવવામાં આવે તેવી તફાવતની રકમ કરતાં ઓછો ભરેલ હોય ત્યારે આવા સમય દરમ્યાન મેળવેલ ઇનવર્ડ સપ્લાય ની વેરાશાખ નોંધાયેલ વ્યક્તિને મળવાપાત્ર રહેશે નહીં.
  • જ્યારે સપ્લાયરે પોતાના રિટર્નમાં પોતાને મળવાપાત્ર વેરાશાખ કરતાં ઠરાવવામાં આવે તેવી મર્યાદા કરતાં વધુ વેરાશાખ મેળવી હોય તો ત્યારે પણ વેરાશાખ મેળવનાર વેપારી ને વેરાશાખ મળશે નહીં.
  • જ્યારે સપ્લાયરે કલમ ૪૯(૧૨) ની જોગવાઈનું ઉલ્લઘન કરીને એટલે કે નિયમ ૮૬(B)ની જોગવાઈ મુજબ પોતાની વેરાકીય જવાબદારી ઠરાવેલ પ્રમાણમાં (હાલમાં ૧%) કેશ લેજર મારફત નિભાવેલ ના હોય.
  • ઠરાવવામાં આવે તેવી અન્ય વ્યક્તિઓ ના વર્ગ માટે.

ઉપરની શરતો તથા નિયંત્રણોનું પાલન કર્યા પછી પણ જો કલમ ૧૭ માં વેરાશાખ પ્રતિબંધિત કરવામાં આવેલી હોય તો તેવા વેરાની પણ વેરાશાખ મળવાપાત્ર રહેશે નહીં.

હાલમાં જ નાણાકીય બિલ ૨૦૨૩ ના ક્લોઝ ૧૩૦ થી વેરાશાખને અસર કરતાં બે મહત્વના સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે જે મુજબ સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭ની પેટા કલમ (૩) માં આપવામાં આવેલ સમજૂતીમાં સુધારો કરી ઠરાવવામાં આવે તેવી તારીખથી શિડ્યુલ ૩ ના પેરા ૮ ના ક્લોઝ (a) માં જણાવેલ વ્યવહારો કે પ્રવૃતિઓને પણ માફી સપ્લાય તરીકે ગણવાની રહેશે. જેનો અત્યાર સુધી માફી સપ્લાયમાં સમાવેશ થતો ન હતો જેથી હવેથી આવા વ્યવહારોને પણ નિયમ ૪૨ મુજબ વેરાશાખ રિવર્સ કરવા માટે ધ્યાનમાં લેવાની  રહે એવી પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે.

આ જ નાણાકીય બિલની બીજી દરખાસ્ત મુજબ સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭(૫) ના ક્લોઝ (f) માં પેટા ક્લોઝ (fa)નો ઉમેરો કરવામાં આવ્યો છે જેનો અમલ નોટિફિકેશન થી ઠરાવવામાં આવે તેવી તારીખથી થવા જઈ રહ્યો છે આ પેટા ક્લોઝ (fa) ની જોગવાઈ મુજબ કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ સી.એસ.આર. (Corporate Social Responsibility) હેઠળ કરવાપાત્ર પ્રવુતિ માટે મેળવેલ માલ કે સેવા કે બંનેની વેરાશાખ કરપાત્ર વ્યક્તિ ને મળવાપાત્ર રહેશે નહીં.

આ તમામ જોગવાઇઓમાં કલમ ૧૬(૨)ના ક્લોઝ (ba) ની જોગવાઈ જોતાં એવું લાગી રહ્યું છે કે બોગસ બિલિંગની પ્રવૃતિઓને ડામવા માટે આવી જોગવાઇઓ કરવામાં આવી રહી હોય પરંતુ કલમ ૧૭ ની ઉપરોક્ત જોગવાઈઓમાં સુધારા પરથી એમ લાગે છે કે સરકાર હવે મહદઅંશે વેરાશાખ નકારવાની તરફેણમાં છે. એ અલગ વાત છે કે આવકવેરા કાયદાની કલમ ૩૭ મુજબ સી.એસ.આર. પ્રવૃતિ પાછળ કરવામાં આવેલ ખર્ચ બાદ મળવાપાત્ર નથી પરંતુ જ્યારે જી.એસ.ટી. કાયદો સિમલેસ ફલો ઓફ ક્રેડિટના સિદ્ધાંત પર ઘડાયો હોઈ તથા જ્યારે કલમ ૧૭(૫)(b)ના પ્રોવાઇઝૉમાં પણ એમ જણાવવામાં આવેલ છે કે માલિકે પ્રવર્તમાન કોઈ કાયદાની જોગવાઈ મુજબ પોતાના કર્મચારીઓ માટે કલમ ૧૭(૫)(b)માં જણાવેલ ખર્ચ કરેલ હોય તો તેને લગતી વેરાશાખ મળવાપાત્ર છે ત્યારે કંપનીઝ એક્ટ ની જોગવાઈ મુજબ સી.એસ.આર. પ્રવુતિ પાછળ થયેલ ખર્ચ ની વેરાશાખ ન આપવા પાછળનું તથ્ય સમજાય તેવું નથી.

મિત્રો, મારા એક વેપારી મિત્રે જી.એસ.ટી. કાયદાના અમલ સમયે મને પૂછ્યું કે આ સિમલેસ ફલો ઓફ ક્રેડિટ બહુ સંભળાય છે એટલે શું? મેં તેમને ઉત્તર આપતા જણાવ્યું કે જી.એસ.ટી. કાયદા ના અમલ પછી તમે જે કોઈ ખરીદી કરશો તેની સરકાર તમને વેરાશાખ આપશે. ત્યારબાદ જી.એસ.ટી. કાયદાના અમલ પછી મેં તેમને સમજાવ્યું કે કલમ ૧૬ની પેટાકલમ (૨) માં જણાવેલ મુખ્ય ચાર શરતોનું પાલન થવાથી તમને વેરાશાખ મળશે એટલે તરત જ મારા વેપારી મિત્રે મને સવાલ કર્યો કે તમે તો કેતા’તા ને કે સરકાર વેરાશાખ આપશે હવે તમે કહો છો કે વેરાશાખ મળશે એટલે મે તેમને ફરી સમજાવ્યું કે હા પણ કાયદા મુજબ માત્ર આ ચાર શરતોનું પાલન કરશો ને એટલે તમને વેરાશાખ મળશે. થોડા સમય પહેલા ફરી એ વેપારી મિત્રે મને પૂછ્યું કે મારી કંપનીના સી.એસ.આર. ખર્ચ માટે મેળવેલ સપ્લાય પરની વેરાશાખ મને મળશે કે કેમ? તો કેટલાક રાજ્યોના ઓથોરિટી ઓફ એડવાંન્સ રૂલિંગ ના ચુકાદાને આધારે મે તેમને જણાવ્યું કે આવા ખર્ચ ની વેરાશાખ હું તમને અપાવીશ.  તરત જ તેમણે ફરી વળતો પ્રશ્ન કર્યો કે વેરાશાખ સરકાર આપશે, મને મળશે કે તમે અપાવશો ? એટલે હવે જ્યારે જી.એસ.ટી. કાયદામાં સી.એસ.આર. ખર્ચ ની વેરાશાખ નામંજૂર કરવા સંબંધિત સુધારો થયો છે ત્યારે મને એવો ભ્રમ થાય છે કે મારા એ વેપારી મિત્ર વેરા શાખ બાબતે પૂછતી વખતે એક સવાલ ચોક્કસ કરશે કે વેરાશાખ સરકાર આપશે, મને મળશે, તમે અપાવશો કે પછી……..????

(લેખક સુરત ખાતેના જાણીતા ટેક્સ એડવોકેટ છે અને ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરે છે. તેઓ ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની કારોબારી સમિતિના સભ્ય છે)

error: Content is protected !!