આજથી લાગુ થઈ રહી છે જી.એસ.ટી. હેઠળ નવી પદ્ધતિ: ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ (IMS)

0
Spread the love
Reading Time: 4 minutes

તા. 14.10.2024

જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી સમગ્ર દેશમાં લાગુ થયો છે. જી.એસ.ટી. લાગુ થયા બાદ કરવામાં આવેલ ફેરફારો સમગ્ર વિશ્વમાં કોઈ પણ ટેક્સેશન કાયદા લાગુ કરવામાં બહાર પાડવામાં આવેલ સુધારાઓ માં પ્રથમ સ્થાન પામે તો વાતમાં નવાઈ નથી. હવે આ સુધારાઓમાં એક વધુ સુધારા રૂપી કલગી ઉમેરવામાં આવી છે. આજે 14 ઓક્ટોબરના રોજ જ્યારે આપ આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે પોર્ટલ ઉપર “લાઈવ” થઈ ગયું હોવું જોઈએ. આ સુધારો છે “ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ” (IMS)અંગેનો.

શું છે આ ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ?

ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ એ એવી પદ્ધતિ છે જે અંતર્ગત વેચનાર કરદાતા B2B વેચાણ કરે અને તેનું બિલ (ઇંવોઇસ) ની માહિતી પોતાના GSTR 1 માં ઉમેરે કે તુરંત જ ખરીદનાર કરદાતાને આ ઇંવોઇસ અંગે માહિતી મળી રહેશે. આ ઇંવોઇસ અંગે મળેલ માહિતી ઉપર ખરીદનાર કરદાતાએ એક્શન લેવાના થશે. આ માટે જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરદાતાના લૉગિનમાં “રિટર્ન” ના વિકલ્પમાં “ઇંવોઇસ મેજેંમેંટ ડેશબોર્ડ” ઉપલબ્ધ થશે.

કરદાતા દ્વારા આ ખરીદી અંગે દર્શાવવામાં આવેલ ઇંવોઇસ બાબતે શું એક્શન લેવાના વિકલ્પ હશે?

ખરીદનાર કરદાતા પોતાની આ ખરીદીની વિગત પોર્ટલ ઉપર જોવા મળે ત્યારે તે આ ખરીદીના ઇંવોઇસને Accept કરી શકે છે, Reject કરી શકે છે અથવાતો Pending રાખી શકે છે. કરદાતા દ્વારા ઇંવોઇસ Accept કરવામાં આવે ત્યારે આ ખરીદીની વિગતો GSTR 2B માં જતી રહેશે. કરદાતા દ્વારા આ ઇંવોઇસ Reject કરવામાં આવે તેવા સંજોગોમાં આ રિજેક્ટ કરવામાં આવેલ ઇંવોઇસની વિગત વેચનાર પાસે પોર્ટલ દ્વારા પરત મોકલવામાં આવશે. કરદાતા દ્વારા જે ઇંવોઇસ Pending રાખવામા આવ્યા હશે તેવા ઇંવોઇસ ખરીદનાર કરદાતાના “ઇંવોઇસ મેનેજમેંટ ડેશબોર્ડ” માંજ રહેશે. જે ઇંવોઇસ ઉપર કોઈ પણ પ્રકારનો વિકલ્પ ખરીદનાર કરદાતા દ્વારા સ્વીકારવામાં નહીં આવ્યો હોય તેવા ઇંવોઇસ “ઓટોમેટિક” રીતે “Accept” થઈ જશે અને ખરીદનાર કરદાતાના GSTR 2B નો ભાગ બની જશે. “ડીમ્ડ એક્સેપટન્સ” નો આ નિયમ ખાસ સમજી લેવો જરૂરી છે.

ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ કે જેને ટૂંકમાં IMS તરીકે પણ ઓળખવામાં આવે છે તે પદ્ધતિ બાબતે અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નો નીચે વાંચકોના લાભાર્થે સરળ ભાષામાં આપવામાં આવ્યા છે:

  1. આ પદ્ધતિ ક્યારથી અમલી બનશે?

જવાબ: આ પદ્ધતિ 01 ઓક્ટોબર 2024 થી લાગુ પડશે. GSTR 1 તથા IFF ભરવાની તારીખ પૂર્ણ થાય ત્યારબાદથી એટ્લે કે 14 ઓક્ટોબર 2024થી ખરીદનાર કરદાતા આ વિગતો ઉપર એક્શન લઈ શકશે.

  1. દર મહિને આ પદ્ધતિ હેઠળ ખરીદનાર વેપારી ક્યારથી અને ક્યાં સુધી આ ઇંવોઇસ ઉપર એક્શન લઈ શકે છે?

જવાબ: વેચનાર વેપારી દ્વારા GSTR 1 કે IFF થી એન્ટ્રી થાય ત્યારથી, વેચનાર કરદાતા દ્વારા GSTR 1 કે IFF ભરી આપવામાં આવે ત્યારથી ખરીદનાર કરદાતા પોતાનું GSTR 3B ફાઇલ કરે ત્યાં સુધી ખરીદનાર કરદાતા IMS ઉપર એક્શન લઈ શકે છે.

  1. શું IMS માં ખરીદનાર કરદાતા એક ઇંવોઇસ ઉપર એક થી વધુ વાર એક્શન લઈ શકે છે?

જવાબ: હા, ખરીદનાર કરદાતા પોતાનું 3B ભારે ત્યાં સુધી તે આ ઇંવોઇસ ઉપર એક થી વધુ વાર પણ એક્શન લઈ શકે છે. આવા કિસ્સામાં છેલ્લે જે એક્શન લેવામાં આવી હશે તે માન્ય ગણાશે.

  1. શું આ પદ્ધતિ તમામ વેપારીઓ માટે ફરજિયાત રહેશે?

જવાબ: હા, આ પદ્ધતિ તમામ વેપારીઓ કે જેઓ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા હક્કદાર છે તેમના માટે લાગુ પડશે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે આ સ્કીમ લાગુ પડશે નહીં.

  1. આ પદ્ધતિ હેઠળ RCM હેઠળ જવાબદારી અંગે વેચનાર દ્વારા દર્શાવવામાં આવેલ બિલ પણ દર્શાવવામાં આવશે?

જવાબ: ના, RCM હેઠળ જવાબદારી અંગે વેચનાર દ્વારા દર્શાવવામાં આવેલ બિલો IMS નો ભાગ બનશે નહીં. આ બિલો અગાઉની જેમ GSTR 2B માં અલગથી દર્શાવવામાં આવશે.

  1. RCM સિવાય અન્ય ક્યાં ઇન્વ્વોઇસ આ IMS નો ભાગ નહીં બને?

જવાબ: RCM ઉપરાંત GSTR 5 (ઓનલાઈન ડેટાબેઝ મેનેજમેંટ સર્વિસ), GSTR 6 (ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર), ઇમ્પોર્ટ સાથે જોડાયેલ ICEGATEને લગતા ઇંવોઇસ, “પ્લેસ ઓફ સપ્લાય” ના કારણે માન્ય ના હોય તેવા B2B ઇંવોઇસ, જી.એસ.ટી. હેઠળ 16(4) ની સમય મર્યાદા બાદના ઇંવોઇસ IMS સિસ્ટમનો ભાગ બનશે નહીં.

  1. IMS હેઠળ વેચનાર દ્વારા ઇંવોઇસમાં કોઈ સુધારા કરવામાં આવે તો શું કરવાનું રહે?

જવાબ: વેચનાર દ્વારા જો પોતાના વેચાણ ઇંવોઇસમાં સુધારો કરવામાં આવે તો ખરીદનાર દ્વારા આ સુધારેલ ઇંવોઇસ ઉપર ફરી એક્શન લેવાની થશે. જ્યારે ખરીદનાર આ સુધારેલા ઇંવોઇસ ઉપર એક્શન લેશે ત્યારે જૂની વિગતોનું સ્થાન નવા સુધારેલી વિગત લઈ લેશે. હા, ખરીદનાર વેપારીએ જો અગાઉની વિગત “પેન્ડિંગ” રાખેલી હશે તો પહેલા ખરીદનાર દ્વારા આ “પેન્ડિંગ” રાખેલ ઇંવોઇસ ઉપર એક્શન લેવાની રહેશે અને ત્યાર બાદ જ તે સુધારેલ ઇંવોઇસ ઉપર એક્શન લઈ શકશે.

  1. IMS સિસ્ટમ લાગુ થતાં શું 2B નું મહત્વ રહેશે નહીં?

જવાબ: ના, IMS સિસ્ટમ આવતા પણ 2B તો સૌથી મહત્વનું રહેશે જ. માત્ર GSTR 1 કે IFF ઉપરથી જે GSTR 2B તૈયાર થતું તે હવે IMS ઉપરથી તૈયાર થશે.

  1. IMS હેઠળ “પેન્ડિંગ” રાખવામા આવેલ ઇંવોઇસનું શું થશે?

જવાબ: IMS હેઠળ “Pending” રાખવામા આવેલ ઇંવોઇસ જી.એસ.ટી. કાયદા હેઠળ 16(4) માં સૂચવેલ મર્યાદા સુધી ખરીદનારને દર્શાવતુ રહેશે.

  1. “ડ્રાફ્ટ GSTR 2B” જનરેટ થયા પછી પણ શું IMS માં સુધારા થઈ શકે?

જવાબ: હા, “ડ્રાફ્ટ GSTR 2B” જનરેટ થયા પછી પણ GSTR 3B ફાઇલ ના થયું હોય ત્યાં સુધી IMS માં સુધારા થઈ શકે છે.

  1. ક્યાં સંજોગોમાં GSTR 2B પોર્ટલ ઉપર જનરેટ નહીં થાય?

જવાબ: જ્યારે અગાઉના કોઈ સમયગાળા માટે GSTR 3B ભરવાનું બાકી હોય, ત્યારે GSTR 2B પોર્ટલ પર જનરેટ નહીં થાય.

  1. IMS માં કોઈ ઇંવોઇસ/વિગતો એવી હશે કે જેના ઉપર Pending નો વિકલ્પ સ્વીકારી શકાય નહો?

જવાબ: હા, ક્રેડિટ નોટ, અપવર્ડ એમેંડમેંટ ક્રેડિટ નોટ, ડાઉનવર્ડ એમેંડમેંટ ક્રેડિટ નોટ કે જ્યાં ખરીદનાર દ્વારા ક્રેડિટ નોટ અગાઉ રિજેક્ટ કરવામાં આવેલ હોય,  ડાઉનવર્ડ એમેંડમેંટ ઇંવોઇસ/ડેબિટ નોટ જ્યારે ખરીદનાર દ્વારા સ્વીકારવામાં આવેલ હોય તેવા કિસ્સામાં Pending નો વિકલ્પ ખરીદનાર કરદાતા પાસે ઉપલબ્ધ રહેશે નહીં.

આ લેખમાં નવી દાખલ થઈ રહેલી ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ (IMS) બાબતે માહિતી સરળ ભાષામાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. લાગુ થયો ત્યારે જે GSTR 1, GSTR 2 અને GSTR 3 ની પદ્ધતિ લાવવામાં આવી હતી તેને લગભગ સમકક્ષ કહી શકાય તેવી પદ્ધતિ આ IMS દ્વારા ફરી લાગુ થવા જઇ રહી છે. આશા રાખીએ કે પ્રથમ રાઉન્ડમાં જેવી રીતે આ પદ્ધતિનો રકાસ થયો હતો તેવી પરિસ્થિતી હવે ફરી ઊભી ના થાય. જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે “ડીમ્ડ એક્સેપ્ટનસ” ના આ વ્યવહારુ સિદ્ધાંત ના કારણે આ પદ્ધતિમાં કરદાતાને તથા તેમના ટેક્સ પ્રોફેશનલ કે એકાઉન્ટન્ટને વધુ મુશ્કેલી પડવી જોઈએ નહીં.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 14.10.2024 ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. આ લેખ પોર્ટલ ઉપર પબ્લીશ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુધી IMS પોર્ટલ ઉપર શરૂ થયું નથી તેવા સમાચાર મળી રહ્યા છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108