શું મને મળેલ ગિફ્ટ ઉપર ઇન્કમ ટેક્સ ભરવો પડે?
તા. 16.12.2022
-By Bhavya Popat
ભારતીય સમાજ વ્યવસ્થા વિશ્વની સમાજ વ્યવસ્થાઓમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે. આપની સમાજ વ્યવસ્થામાં પ્રસંગોપાત, સબંધોમાં ગિફ્ટ આપવાની પ્રથા સામાન્ય છે. શું આ ગિફ્ટ આપવામાં આવે અથવા ગિફ્ટ મેળવવામાં આવી હોય તેના ઉપર ટેક્સની જવાબદારી આવે તેવો પ્રશ્ન એક ટેક્સ પ્રોફેશનલને તેઓના અસીલ દ્વારા અવારનવાર પુછવામાં આવતો હોય છે. આજે આ લેખમાં ગિફ્ટ ઉપર વ્યાવહારિક માર્ગદર્શન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
શું ગિફ્ટ આપનાર ઉપર ઇન્કમ ટેક્સની કોઈ જવાબદારી આવે?
ના, ઇન્કમ ટેક્સએ વ્યક્તિને થતી આવક ઉપર લાગતો ટેક્સ છે. ગિફ્ટ ચૂકવનાર ઉપર ઇન્કમ ટેક્સની કોઈ જવાબદારી આવે નહીં.
શું ગિફ્ટ મેળવનાર ઉપર ઇન્કમ ટેક્સની જવાબદારી આવે?
હા, ગિફ્ટ મેળવનાર ઉપર ઇન્કમ ટેક્સની જવાબદારી સામાન્ય સંજોગમાં ઉપસ્થિત થતી હોય છે. પરંતુ અમુક ખાસ સંજોગોમાં ગિફ્ટ મેળવનાર ઉપર પણ ઇન્કમ ટેક્સની કોઈ જવાબદારી આવતી હોતી નથી. આ ખાસ સંજોગો વિષે નીચે માહિતી આપવામાં આવેલ છે.
50000/- સુધીની ગિફ્ટ ઉપર ગિફ્ટ મેળવનાર ઉપર પણ ના લાગુ પડે કોઈ ઇન્કમ ટેક્સ:
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ એક નાણાકીય વર્ષમાં 50000 (પચાસ હજાર) સુધીની કુલ ગિફ્ટ મેળવવામાં આવેલ હોય તેવા સંજોગોમાં ગિફ્ટ મેળવનાર ઉપર ઇન્કમ ટેક્સ ભરવાની કોઈ જવાબદારી લાગુ પડે નહીં. આ 50000/- ની મર્યાદા નાણાકીય વર્ષ પ્રમાણે ગણવામાં આવે છે. આમ, કોઈ 01 એપ્રિલ થી 31 માર્ચ સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ પાસેથી મળેલ કુલ ગિફ્ટ 50000/- સુધીની હોય તો તેઓની ઇન્કમ ટેક્સ ભરવા અંગે કોઈ જવાબદારી આવે નહીં. અલબત એ બાબત યાદ રાખવી જરૂરી છે કે કોઈ વ્યક્તિ દ્વારા એક નાણાકીય વર્ષમાં 50000/- ઉપર ગિફ્ટ મેળવવામાં આવેલ હોય તો આ સંપૂર્ણ રકમ ઇન્કમ ટેક્સને પાત્ર બની જાય છે. બીજા શબ્દોમાં કહીએતો 50000/- થી વધુની કુલ રકમ કોઈ વ્યક્તિને બક્ષિસ તરીકે મળેલ હોય તો ગિફ્ટ સંબધિત કોઈ કપાત બાદ મળે નહીં.
ક્યાં સંજોગોમાં 50000 ઉપરની ગિફ્ટ ઉપર ના લાગુ પડે ઇન્કમ ટેક્સ?
નીચેના સંજોગોમાં ગિફ્ટ મેળવનાર ઉપર ઇન્કમ ટેક્સની જવાબદારી લાગુ પડે નહીં.
- વ્યક્તિને નિયત સબંધી પાસેથી મળેલ ગિફ્ટ
- વ્યક્તિને લગ્ન સંબધિત મળેલ ગિફ્ટ
- “વિલ” કે વસિયત હેઠળ મળેલ રકમ અથવા મિલ્કત
વ્યક્તિને ક્યાં સબંધીઓ પાસેથી મળેલ ગિફ્ટ ઉપર ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી લાગુ પડે નહીં?
ગિફ્ટ મેળવનાર વ્યક્તિને નીચેના સગા-સબંધીઓ પાસેથી મળેલ ગિફ્ટ ઉપટ ટેક્સ ભરવાની જવાબદારી લાગુ પડે નહીં.
- વ્યક્તિના જીવનસાથી
- વ્યક્તિના પોતાના ભાઈ કે બહેન
- વ્યક્તિના જીવનસાથીના ભાઈ કે બહેન
- વ્યક્તિના માતા-પિતા
- વ્યક્તિના માતા પિતાના ભાઈ કે બહેન
- વ્યક્તિના સીધી લીટીના પૂર્વજો તથા વંશજો
- વ્યક્તિના જીવનસાથીના સીધી લીટીના પૂર્વજો કે વંશજો
આમ, ઉપર નિયત કરેલ સગા સબંધીઓ પાસેથી વ્યક્તિને કોઈ રકમ કે મિલકત ગિફ્ટ તરીકે મળે તો ગિફ્ટ મેળવનાર તરીકે ઇન્કમ ટેક્સ ભરવાની કોઈ જવાબદારી આવે નહીં. પરંતુ ગિફ્ટના વ્યવહાર કરતાં પૂર્વે ગિફ્ટ આપનાર સબંધી ઉપર જણાવેલ યાદીમાં આવે છે કે નહીં તે અંગે ખાત્રિ કરી લેવી જરૂરી છે.
કોઈ વ્યક્તિ કેટલી રકમની ગિફ્ટ કરી શકે?
આ પ્રશ્ન પણ ટેક્સ પ્રોફેશનલને અવાર નવાર પુછવામાં આવતો હોય છે. આ બાબતે ધ્યાન રાખવાની એ બાબત છે કે કોઈ વ્યક્તિ કેટલી રકમની કે મૂલ્યની ગિફ્ટ આપી શકે તે અંગે કોઈ બાધ રહેલ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના આર્થિક ક્ષમતા મુજબ ગિફ્ટ આપી શકે છે. સરળ ભાષામાં કહીએ તો ગિફ્ટ આપનાર પાસે જેટલી રકમની સગવડતા હોય તેટલી રકમની તેઓ ગિફ્ટ આપી શકે છે. ગિફ્ટ અંગે વ્યવસ્થિત આયોજન કરવા ટેક્સ પ્રોફેશનલની સલાહ લેવી ચોક્કસ હિતાવહ છે.
રોકડમાં કેટલી રકમ સુધીની ગિફ્ટ આપી શકાય?
આ પ્રશ્ન પણ એક ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે અવાર નવાર પુછવામાં આવતો હોય છે. મારા મત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ 199999/- સુધીની ગિફ્ટ રોકડમાં લઈ શકે છે. આ ઉપર ની ગિફ્ટ લેવામાં આવે તો ગિફ્ટ લેનારને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269ST હેઠળ ગિફ્ટ જેટલી જ રકમનો જ દંડ થઈ શકે છે. આ ઉપરાંત એ બાબત પણ સમજવી જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી રોકડમાં ગિફ્ટ ના લેવી હિતાવહ છે.
શું જમીન-મિલ્કત જેવી સ્થાવર મિલ્કતની ગિફ્ટ સંદર્ભે પણ આ જ નિયમ લાગુ પડે?
હા, સ્થાવર મિલ્કત સંદર્ભે ગિફ્ટના ઉપર ના નિયમો લગભગ સમાન રીતે લાગુ પડે છે. આ ઉપરાંત જમીન-મકાન જેવી મિલ્કતો જેના તબદીલ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય ત્યારે રાજ્ય સરકારની જંત્રી મૂલ્યથી 50000 થી વધુ ના તફાવત હોય તો આ તફાવતની રકમ ને વેચનાર દ્વારા ખરીદનારને ગિફ્ટ આપવામાં આવેલ છે તેમ માની લેવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આમ, મિલ્કત ખરીદનાર દ્વારા પણ કોઈ સ્થાવર મિલ્કત સંદર્ભે દસ્તાવેજ જંત્રી મૂલ્યથી ઓછો ના થાય તે અંગે તકેદારી રાખવી ખાસ જરૂરી છે.
ગિફ્ટના વ્યવસ્થિત આયોજન દ્વારા સારું આયોજન શક્ય છે. આ બાબતે ટેક્સ પ્રોફેશનલનું માર્ગદર્શ્ન લેવું ચોક્કસ હિતાવહ છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 12 ડિસેમ્બર 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)