GST ઓડીટ અન્વયે પેનલ્ટીની જવાબદારી લાગુ પડે???
By Jignesh Vyas, Tax Advocate, Junagadh
સામાન્ય સજોગોમા GST ઓડીટ અન્વયે કોઈ પણ ભરવા પાત્ર ટેક્ષની જવાબદારી જણાવવામાં આવે છે ત્યારે ઓડીટ ઓથોરીટી દ્વારા Sec. 73 (9) અથવા 74 (5) અન્વયે ભરવાપાત્ર ટેક્ષની રકમ ઉપરાંત પેનલ્ટીની રકમ ભરવા માટેનો આગ્રહ રાખી ઓડીટ પૂર્ણ કરવામાં આવે છે. શું ઓડીટ અધિકારી દ્વારા આગ્રહ રાખી શકાય છે ? અથવા તો શું ઓડીટ અધિકારી પેનલ્ટી ભરવા માટે જણાવી શકે ? આ પ્રશ્નોનાં જવાબ માટે ઓડીટ સ્કીમને સમજીએ:
CGST કાયદાની 65(7) અનુસાર જ્યારે ઓડીટના પરિણામો એવું દર્શાવતા હોય કે કોઈ ટેક્ષ નથી ભરાયો, ઓછો ભરવામાં આવ્યો છે, કોઈ રિફંડ ખોટી રીતે અપાઈ ગયેલ હોય ત્યારે પ્રોપર ઓફિસર Sec. 73 અથવા Sec. 74 અન્વયે કાર્યવાહી કરી શકશે. આમ ઓડીટ અધિકારી દ્વારા ADT-02 દ્વારા ગણતરી કરવામાં આવેલી ડિમાન્ડ ફાઇનલ ડિમાન્ડ નથી. તેમજ ADT-02 ની ગણતરી વેપારી માટે કોઈ વેરાકીય જવાબદારી ઉભી કરતી નથી. પરંતુ જો ઓડીટ અધિકારીના રિપોર્ટ આધારે પ્રોપર ઓફિસર દ્વારા Sec. 73 અથવા Sec. 74 અન્વયે કોઈ નોટિસ આપવામાં આવે ત્યારબાદ વેપારીશ્રી ને રજુઆતની પૂરતી તક આપી તેમને સાંભળ્યા બાદ જે આદેશ કરવામાં આવે તે આદેશમાં જો પેનલ્ટી લગાડવામાં આવે ત્યારે તે પેનલ્ટી ઇમ્પોસ થયેલી ગણાય.
પરંતુ ઓડીટ અધિકારીશ્રી દ્વારા ઘણી વખત ધ્યાન દોરવામાં આવેલી ટેક્ષ ની રકમ ઉપરાંત વ્યાજ તેમજ દંડની રકમ ભરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. જે સદંતર કાયદા વિરુદ્ધ છે તેવો મારો મત છે. CGST કાયદાની 73(6) અનુસાર કરદાતા દ્વારા નોટિસ મળ્યા પહેલા ભરવાપાત્ર ટેક્ષ તેમજ વ્યાજ જો ભરવાપાત્ર થતું હોય તો ભરીને અધિકારીશ્રીને જાણ કરવામાં આવે તો Sec. 73(6) પ્રમાણે કોઈ નોટિસ જ ઈશ્યુ કરવાની જ રહેતી નથી . તેમજ 73(8) પ્રમાણે નોટિસ થયાના 30 દિવસની અંદર ટેક્ષ+વ્યાજ સહિતની કોઈ રકમ ભરી દેવામાં આવે તો પણ કોઈ પેનલ્ટી કરવાની રહેતી નથી. જ્યારે કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલા રેકર્ડ ઉપરથી ભરવાપાત્ર ટેક્ષ ની ડિમાન્ડ નીકળે ત્યારે Sec. 74 હેઠળ ફ્રોડ , જાણી બૂઝી ને કરવામાં આવેલું ખોટું સ્ટેટમેન્ટ અથવા કોઈ વિગત છુપાયેલી છે તેમ કહી શકાય નહીં.
આમ ઉપરોક્ત કાયદાકીય જોગવાઈ તપાસતા ઓડીટ અધિકારી દ્વારા ધ્યાન દોરવામાં આવેલા કોઈ મુદ્દા અન્વયે ઓડીટ દરમિયાન ટેક્ષ ભરવા સહમત થવાના સંજોગોમાં કોઈ પેનલ્ટી ભરવા પાત્ર થાય નહીં તેવો મારો દ્રઢ મત છે.
(લેખક જુનાગઢ ખાતે ઇન્કમ ટેક્સ-જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરે છે)