Happy Birthday: Demonetization!!! શું ફરી થવી જોઈએ નોટબંધી???

Spread the love
Reading Time: 3 minutes

08 નવેમ્બરના રોજ નોટબંધીની 7 મી વર્ષગાંઠ આવી રહેલ છે!!

મોદી સરકારના સૌથી મહત્વકાંક્ષી પગલાં તરીકે નોટબંધીને જોવામાં આવે છે. નોટબંધીના કારણે જમીની સ્તરે  શું ફાયદો થયો કે શું નુકસાન થયું તે અંગે તો પાછલા સાત વર્ષમાં અનેક ચર્ચાઓ થઈ છે. છેલ્લા બે વર્ષથી ફૂલછાબની આ કર સમિક્ષા કટારમાં આ અંગે મારા દ્વારા પણ બે લેખ લખવામાં આવ્યા છે. પણ આજે સાતમા વર્ષે આ અંગે થોડી અલગ ચર્ચા કરીએ. આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ કે દેશને “કેશ લેસ ઈકોનોમી” તરફ લઈ જવા શું ફરી નોટબંધી જેવા પગલાં લેવા જોઈએ? કે પછી નોટબંધીની તકલીફો ધ્યાને લઈ આ પ્રકારના કોઈ પગલાં લેવાથી સરકારે દૂર રહેવું જોઈએ??

નોટબંધી જેવા પ્રયોગો સમયાંતરે થાય તે જરૂરી:

મારા અંગત મતે નોટબંધી જેવા પ્રયોગો સાતત્યપૂર્ણ રીતે સમયાંતરે થતાં રહે તે જરૂરી છે. આ પ્રકારના પગલાં સરકાર દ્વારા સાતત્યપૂર્ણ રીતે લેવામાં આવતા હોય ત્યારે કરચોરી કરતાં લોકોના મનમાં ડર હમેશા ઊભો રહેશે. આ ડરના કારણે વધુને વધુ ટેક્સ ભરવાં તેઓને પ્રેરણા મળશે. આવીજ રીતે કાળાનાણાંના જોરે થતી અન્ય આપરાધીક ગતિવિધિઓ પણ અટકાવવામાં નોટબંધી જેવા પગલાં અસરકારક થઈ શકે છે.

2016 ની નોટબંધીમાં દરમ્યાન લોકોને પડેલ વ્યાવહારિક મુશ્કેલીઓ ધ્યાને લઈ જમીનીસ્તરે વધુ આયોજનબદ્ધ અમલ જરૂરી:

ગત નોટબંધી દરમ્યાન સામાન્ય લોકોને નોટ બદલવા, ખાતામાં રકમ જમા કરાવવા વગેરે જેવી અનેક બાબતોમાં ખૂબ તકલીફો પડી હતી. ઘણા વર્ષ બાદ નોટબંધી જેવુ આક્રામક પગલું લેવમાં આવ્યું હોય આ તકલીફો પડી તે સમજી શકાય તેવી બાબત છે. પણ હવે સરકારી તંત્ર 2016 ની નોટબંધીમાં પડેલ તકલીફો થી શીખ લઈ વધુ તૈયારી સાથે આ નોટબંધી જેવા પગલાં લે તે પણ ખૂબ જરૂરી છે.

નોટબંધી દરમ્યાન કોઈ એક ચોક્કસ મૂલ્યની નોટોને હટાવી શકાય છે ચલણમાંથી!!

પાછલી નોટબંધી દરમ્યાન 500 તથા 1000 ની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બન્ને નોટો મળીને ભારતીય અર્થતંત્રમાં ફરી રહેલી ખૂબ મોટા પ્રમાણમા નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ કારણે ખૂબ મોટા પ્રમાણમા લોકો ઉપર તેની અસર થઈ હતી. આ અનુભવ ઉપરથી એવું કરી શકાય કે કોઈ એક જ મોટા મૂલ્યની નોટ ચલણમાંથી હટાવવામાં આવે. આ કારણે ઓછા લોકો આ પગલાંથી પ્રભાવિત થાય અને અર્થતંત્રમાં પણ આ પગલાંના કારણે ઓછું કંપન અનુભવવામાં આવે. આ ઉપરાંત નોટબંધી દ્વારા બંધ થઈ રહેલ નોટો જમા કરાવવા કે બદલવા વધુ સમય લોકોને આપવામાં આવે તે પણ જરૂરી છે.

ઇન્કમ ટેક્સ કાયદાની હાલની અમુક ભયાવહ જોગવાઈમાં પણ ફેરફાર કરવા છે જરૂરી!!

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે ટેક્સના વિશિષ્ટ દરો લાગુ કરવામાં આવ્યા હતા. આ દરોના કારણે કોઈ પણ રકમની વૈધતા સાબિત કરવામાં કરદાતા નિષ્ફળ જાય તો તેની ઉપર લગભગ જેટલી રકમ તે વૈધ સાબિત કરવામાં નિષ્ફળ નીવડે તેટલી કે તેનાથી પણ વધુ રકમની જવાબદારી આવતી હોય છે. આ જોગવાઈના કારણે અનેક પ્રમાણિક કરદાતાઓએ પણ ખૂબ મોટી તકલીફો સહન કરી હોવાના અનેક દાખલા છે. 2016 ની નોટબંધી વખતે આ વિશિષ્ટ દરો એ કારણે લાગુ કરવામાં આવ્યા હતા કે આ નોટબંધીની જાહેરાત થઈ તે પહેલા કરદાતા મતે કાળાનાણાંની સ્વૈચ્છીક ઘોષણા કરવા અંગેની યોજના લાવવામાં આવી હતી. આ યોજના હેઠળ સ્વૈચ્છીક રીતે જાહેર કરવામાં આવતી રકમના દર કરતાં સરકાર દ્વારા પકડવામાં આવતી કરચોરીના દરો ઊંચા હોવા જોઈએ. આ જ કારણે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ આ ઊંચા દરો લાગુ કરવામાં આવ્યા હતા. આજે નોટબંધી પૂર્ણ થયાને 7 વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે આમ છતાં આ ખાસ પરિસ્થિતીને પહોચી વળવા લાગુ કરવામાં આવેલ ઊંચા દરો આજે સામાન્ય પરિસ્થિતીમાં પણ લાગુ છે. નોટબંધી વખતે લાગુ કરવામાં આવેલ વિશિષ્ટ ઊંચા દરોમાં ઘટાડો કરવો ખૂબ જરૂરી છે.

નોટબંધીને વધુ આકરી ના બનાવતા એક સામાન્ય પ્રક્રિયા બનાવવામાં આવે જે કારણે કરચોરી પણ રોકી શકાય અને લોકોમાં ખોટો ભય ના ફેલાય. 

શું ફરી નોટબંધી કરવી છે જરૂરી?? શું કહે છે ટેક્સ નિષ્ણાંતો:

આ બાબતે વાત કરતાં સૌરાષ્ટ્રના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે “મારા મતે 2016 માં કરવામાં આવેલ નોટબંધી ને હું તો નથી પૂર્ણ રીતે સફળ માનતો ના તો હું સંપૂર્ણ રીતે નોટબંધીને અસફળ ગણું છું. પણ લાંબાગાળે “કેશ ઈકોનોમી” માંથી “કેશલેસ” ઈકોનોમી તરફ લઈ જવા મહત્વનુ પગલું ગણી શકાય. આપણે સૌ અનુભવી શકીએ છીએ કે નોટબંધી બાદ UPI, ક્રેડિટ-ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. લોકો પોતાની સાથે રોકડ રકમ ઓછી સાથે રાખી રહ્યા છે. આગળ જતાં એવું પણ બની શકે છે કે લોકો ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવામાં એટલા ટેવાઇ જશે કે રોકડમાં રકમ બજારમાં ફરતી ઓછી થઈ જશે. આમ થતાં ચોક્કસ સમય લાગશે પણ આ થવું ચોક્કસ શક્ય છે. ડિજિટલ વોલેટનો ઉપયોગ જોતાં જ 2000 ની નોટો સર્ક્યુલેશનમાંથી બહાર કરી નાંખવામાં આવેલ છે. આ પ્રકારના RBI ના પગલાં નોટબંધી કરતાં વધુ કારગર સાબિત થાય તેવું હું માનું છે. આમ, મારા મતે ફરી નોટબંધી જેવા કડક પગલાંની જરૂર નથી પણ અન્ય સાતત્યપૂર્ણ પગલાં દ્વારા “લેસ કેસ ઈકોનોમી” તરફ આગળ વધવું જોઈએ.”  

2016 માં લાગુ કરવામાં આવેલ નોટબંધીના કારણે લોકોએ હાલાકી ભોગવી એ બાબત નકારી શકાય નહીં. પણ આજે સાત વર્ષ બાદ ડિજિટલ ઈકોનોમી વિષે વાત કરીએ તો તેમાં ખૂબ મોટા પ્રમાણમા પ્રગતિ થઈ છે તે બાબત પણ નકારી શકાય નહીં. નોટબંધી જેવા પગલાં અમુક વર્ષોમાં એકાદ વાર લેવામાં આવે કે નાના નાના પણ મક્કમ પગલાં દ્વારા ભારત “લેસ કેસ” ઈકોનોમી બનાવવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. 

 

( આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યપારભૂમિ પૂર્તિમાં તા. 07.11.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે . )

2 thoughts on “Happy Birthday: Demonetization!!! શું ફરી થવી જોઈએ નોટબંધી???

  1. ડાર્વિન ની થિયરી પ્રમાણે સતત પરિવર્તન થાય જ છે. એના માટે સમગ્ર માનવ જાતિને ચગડૉળે ચડાવવનો કોઇ મતલબ નથી, અને કોઇ પણ પગલું કાતો સફળ થાય અને કાતો નિષ્ફળ થાય એને પરિણામ તરીકે સ્વીકાર કરી સકાય, પરતું અધ વચ્ચેનો આક્લન કરીએ તો એને ડબલ ઢોલકી તરીકે જાણી સકાય. વિજ્ઞાન ના નિયમ પ્રમાણે કોઇ પણ પગલું ઉપાડ્તા પેહલા એનું સમગ્ર વિશ્લેષણ થવું જોઇતુ હતુ, તે થયુ નથી. અને જેને જે ગમ્યુ એ તે ધારણા કરવી ઍ જ્યારે બહુવિધ જીંદગી ઓને અસર કરતી હોય ને ત્યારે યોગ્ય ના કહેવાય.
    ટૂંક મા આ સમગ્ર પ્રક્રિયા જો એક ચોક્ક્સ દિશા મા ( ઘણું બધુ લખી સકાય એવુ ) કરી હોત તો ક્દાચ પરિણામ અલગ આવી સ્ક્યુ હોત, પણ ઉતાવળ અને અણઆવડ્ત નો આના થી ઉમદા કોઇ ઉદાહરણ નથી.

    1. આપની વાત સાચી છે. પણ આ પ્રકારની પ્રક્રિયામાં “સિક્રેસી” જાળવવી ખૂબ જરૂરી છે. ક્યાક એમ પણ માની શકાય કે આ સિક્રેસી જાળવવા પણ અમુક તૈયારી કરવામાં મુશ્કેલી પડી હોય

Comments are closed.

error: Content is protected !!