શું 45 દિવસમાં ચુકવણી કરવા અંગેની ઇન્કમ ટેક્સની જોગવાઈનો અમલ 1 વર્ષ માટે મોકૂફ રખાયો??

Spread the love
Reading Time: 4 minutes

તા. 20.02.2024

MSE ને લાગુ થતી ઇન્કમ ટેક્સની જોગવાઈનો અમલ 1 વર્ષ માટે મોકૂફ રખાયો?? સોશિયલ મીડિયામાં આ બાબતે અમુક સમાચારો ફરી રહ્યા છે કે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 43B(h) નો અમલ 1 વર્ષ માટે મોકૂફ રાકવામાં આવ્યો છે. આ કારણે વેપારીઓ આ જોગવાઈ પછી ઠેલાઈ છે તેવું માની રહ્યા છે. પરંતુ આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ જોગવાઈ મોકૂફ રહ્યા અંગેની કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવેલ નથી. આમ, આ જોગવાઈ હાલ અમલી જ છે તે બાબત વેપારીઓએ સમજવી જરૂરી છે. આજે આ લેખમાં વેપારીઓ દ્વારા પુછવામાં આવતા સવાલ અને તેના જવાબ સરળ રીતે રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇન્કમ ટેક્સની આ જોગવાઈ અંગેના પ્રશ્નોને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક  માલ કે સેવા ખરીદીના વ્યવહાર અંગે પ્રશ્નો અને બીજું માલ કે સેવા વેચનાર વેપારી તરીકેના પ્રશ્નો.

ખરીદીના વ્યવહાર અંગેના પ્રશ્નો:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 45 દિવસ સુધીમાં ચુકવણી કરવાની જવાબદારી માલ કે સેવા ખરીદનાર વેપારીઓ ઉપર નાંખવામાં આવેલ છે. આમ, આ જોગવાઈની મુખ્ય અસર વેપારીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી બાબતે પડશે તે સમજવું ખૂબ જરૂરી છે.

 1. હું ખરીદનાર વેપારી તરીકે MSME કાયદા હેઠળ નોંધાયેલ નથી. શું મારા ઉપર આ ઇન્કમ ટેક્સની આ જોગવાઈ લાગુ પડે?

જવાબ: હા, માલ કે સેવા ખરીદનાર વેપારી MSME કાયદા હેઠળ નોંધાયેલ છે કે નહીં તે મહત્વનુ નથી. ઇન્કમ ટેક્સની જોગવાઈ જો વેચનાર વેપારી MSME હેઠળ નોંધાયેલ હોય તો લાગુ પડી જાય.

 1. હું માત્ર ટ્રેડર છું, ઉત્પાદક કે સેવા પૂરી પાડનાર નથી. શું આવા સંજોગોમાં મને ઇન્કમ ટેક્સની આ નવી જોગવાઈ લાગુ પડે?

જવાબ: હા, માલ કે સેવા ખરીદનાર વેપારી ટ્રેડર છે કે ઉત્પાદક તે જોવાનું રહે નહીં. વેચનાર વેપારી ટ્રેડર (ફરી વેચનાર) છે કે ઉત્પાદક કે સેવા પૂરી પાડનાર છે તે મહત્વનુ છે.

 1. હું મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી માલાની ખરીદી કરું છું. MSME કાયદા હેઠળ મીડિયમ એન્ટરપ્રાઇઝનો પણ સમાવેશ થાય છે. શું મારી ખરીદીનું ચૂકવણું 45 દિવસમાં કરવું જરૂરી છે?

જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 43B(h) હેઠળ મીડિયમ એન્ટરપ્રાઇઝને ચુકવણી કરવા બાબતે લાગુ થઈ નથી. આ જોગવાઈ માત્ર માઇક્રો” તથા “સ્મોલ” એન્ટરપ્રાઇઝ પાસેથી કરવામાં આવેલ ખરીદી બાબતે જ લાગુ પડે છે. પરંતુ એક બાબત યાદ રાખવી જરૂરી છે કે MSME કાયદામાં મીડિયમ એન્ટરપ્રાઇઝનો પણ સમાવેશ થઈ જાય છે. જો આવા મીડિયમ એન્ટરપ્રાઇઝને પણ ચુકવણી કરવામાં મોડુ થયું હોય તો ખરીદનાર વેપારી MSME કાયદા હેઠળ વ્યાજ ચૂકવવા જવાબદાર બની જશે.

(મીડિયમ એન્ટરપ્રાઇઝ એટ્લે એવા ધંધા જેનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડથી વધુ હોય અને જેમનું પ્લાન્ટ તથા મશીનરીમાં રોકાણ 50 કરોડથી વધુ હોય)

 1. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ હું નાના વેપારી માટેની અંદાજિત આવક યોજનાની જોગવાઈ મુજબ 8% થી વધુ નફો દર્શાવી રિટર્ન ભરું છું. શું આવા કિસ્સામાં પણ મારા ઉપર આ નિયમ લાગુ થશે?

જવાબ: ના, મારા મત મુજબ ઇન્કમ ટેક્સ હેઠળ અંદાજિત આવક યોજના મુજબ (કલમ 44AD, 44ADA, 44AE હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા વેપારીને પોતાની ખરીદી બાબતે આ નિયમ લાગુ પડે નહીં. જો કે ઘણા નિષ્ણાંતો માને છે કે આ જોગવાઈ અંદાજિત આવક યોજનાનો લાભ લેતા વેપારીઓને પણ લાગુ પડે. આ બાબતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી ખુલાસો થાય તે જરૂરી છે.

 1. અમારા ધંધામાં સામાન્ય રીતે 6 મહિને ચુકવણી કરવાનો ધારો છે. આમ છતાં ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મારે 45 દિવસમાં ચુકવણી ફરજિયાત બની જાય?

જવાબ: હા, ધંધામે ચુકવણી અંગે કોઈ પણ ધારો હોય પરંતુ જો MSE (માઇક્રો, સ્મોલ એન્ટરપ્રાઇઝ) પાસેથી કરવામાં આવેલ માલ કે સેવાની ખરીદી અંગેની ચુકવણી 45 દિવસમાં ના થાય તો ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જે તે ખર્ચ બાદ મળે નહીં.

 1. અમે એપ્રિલ 2023 મહિનામાં ખરીદી કરેલ છે. આ ખરીદીની ચુકવણી અમોએ 45 દિવસમાં કરી શક્ય નથી. અમોએ આ ચુકવણી ડિસેમ્બર 2023 માં કરેલ છે. શું આ ખરીદીનો ખર્ચ ઇન્કમ ટેક્સ હેઠળ નામંજૂર થશે?

જવાબ: ના, કોઈ પણ એક જ નાણાકીય વર્ષમાં ખરીદી કરી તેની ચુકવણી પણ તે જ નાણાકીય વર્ષમાં કરી આપવામાં આવે તો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 43B(h) ની જોગવાઇ લાગુ પડે નહીં અને ખર્ચ નામંજૂર થાય નહીં. પરંતુ કોઈ ખરીદી એક નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ હોય અને તેની ચુકવણી 45 દિવસ પછી કરવામાં આવી હોય અને ચુકવણી સમયે નાણાકીય વર્ષ બદલી ગયું હોય ત્યારે આ ખર્ચ ખરીદીના નાણાકીય વર્ષમાં નહીં પરંતુ ચુકવણી કરવામાં આવેલ હોય તે નાણાકીય વર્ષમાં બાદ મળશે. સરળ રીતે કહીએ તો આ જોગવાઈની ગંભીરતા મોટાભાગે ફેબ્રુઆરી તથા માર્ચમાં ખરીદવામાં આવેલ માલ કે સેવા બાબતે વધુ રહેશે.

 1. અમોએ “અનસિકયોર્ડ લોન” પર વ્યાજની ચુકવણી કરેલ છે. શું આ વ્યાજની ચુકવણી બાબતે પણ ઇન્કમ ટેક્સની 45 દીવસમાં ચુકવણીની જોગવાઈ લાગુ પડે?

જવાબ: ના, “અનસિકયોર્ડ લોન” ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ એ માલ કે સેવા ગણાય નહીં. આના ઉપર ઇન્કમ ટેક્સની 45 દિવસમાં ચુકવણી કરવા અંગેની જોગવાઈ લાગુ પડે નહીં.

 1. જી.એસ.ટી. કાયદા હેઠળ ખરીદી 2B માં દર્શાવે પછી જ તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ખરીદનારને મળે છે. આ કારણે જ્યારે GSTR 2B માં ક્રેડિટ દર્શાવે ત્યારબાદ જ અમો વેચનારને રકમ ચુકવણી કરીએ છીએ. શું આવા સંજોગોમાં પણ 45 દિવસ ચુકવણીની જોગવાઈ લાગુ થઈ જશે?

જવાબ; હા, જી.એસ.ટી. કાયદા હેઠળ 2B માં દર્શાવે પછી ચુકવણી કરવાની પદ્ધતિ ઘણા ખરીદનાર વેપારીઓ અપનાવે છે. પણ આવા સંજોગોમાં જો ચુકવણી 45 દિવસથી મોડી કરવામાં આવે અને ચુકવણી કરવામાં આવે ત્યારે નાણાકીય વર્ષ બદલાઈ ગયું હોય તેવા સંજોગોમાં ખરીદી જે નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ હોય તે નાણાકીય વર્ષમાં આ ખર્ચ નામંજૂર કરવામાં આવશે અને જ્યારે આ માલ કે સેવાની ચુકવણી કરવામાં આવશે તે નાણાકીય વર્ષમાં આ ખર્ચ બાદ આપવામાં આવશે.

 1. શું હું (ખરીદનાર) MSME નોંધણી રદ્દ કરવી આપું તો આ જોગવાઈમાંથી બચી શકું?

જવાબ: ના, અગાઉ જણાવ્યુ છે તેમ ખરીદનાર વેપારી MSME હોય કે ના હોય આ જોગવાઈ ના અમલ માટે કોઈ ફર્ક પડતો નથી. આમ, ખરીદનાર વેપારી MSME નોંધણી રદ્દ કરવી આપે તો પણ ઇન્કમ ટેક્સ હેઠળ 45 દિવસમાં ચુકવણીની જોગવાઈ તો લાગુ પડે જ છે.

 1. અમોએ વેચનારને ખરીદી સબબ માલનું ચૂકવણું મોડુ કરેલ હતું. આ મોડુ ચુકવણી માટે અમોએ તેઓને વ્યાજ પણ ચૂકવેલ છે. શું આ વ્યાજ ઇન્કમ ટેક્સ હેઠળ ખર્ચ તરીકે બાદ મળે?

જવાબ: ના, MSME કાયદાની કલમ 23 હેઠળ આ વ્યાજ પણ ખર્ચ તરીકે ઇન્કમ ટેક્સ કાયદામાં બાદ મળે નહીં.

 1. અમોએ ખરીદનાર તરીકે 45 દિવસમાં ચુકવણી કરેલ નથી. પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત સુધીમાં આ ચુકવણી વેચનારને આપોએ કરી આપેલ છે. શું આવા સંજોગોમાં ઇન્કમ ટેક્સ હેઠળ ખર્ચ ના મંજૂર થાય?

જવાબ: હા, ખરીદનાર દ્વારા 45 દિવસમાં ચુકવણી ના કરવામાં આવેલ હોય તો ખર્ચ ના મંજૂર થાય જ. ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત સુધીમાં ચુકવણી કરવામાં આવેલ હોય તો પણ ખર્ચ પાછલા નાણાકીય વર્ષમાં બાદ મળે નહીં.

 1. ઇન્કમ ટેક્સ હેઠળની આ જોગવાઈ MSME ખરીદનાર માટે ફાયદાકારક છે?

જવાબ: ના, ખરીદનાર માટે આ જોગવાઈ ફાયદાકારક નથી પરંતુ આ જોગવાઈનો હેતુ માઇક્રો તથા સ્મોલ (લઘુ તથા નાના) ઉદ્યામોને રોકડ તરલતા આપવા માટેનો છે. આમ એકંદરે ધંધાકીય માહોલ સારો કરવામાં આ જોગવાઈ ઉપયોગી બનશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

                        ઇન્કમ ટેક્સ હેઠળ આ 45 દિવસમાં ચુકવણી કરવાની આ જોગવાઈનો અમલ મોકૂફ રાખવા વિવિધ વેપારી સંગઠનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે. શક્ય છે કે આ કલમનો અમલ એક વર્ષ માટે પાછો ઠેલવવામાં આવે. પરંતુ જ્યાં સુધી આ અંગે અધિકારી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આ નિયમ લાગુ છે તેમ માનવું જરૂરી છે અને તેનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને માર્ચ મહિનો નજીક હોય માલ કે સેવાની ખરીદીની ચુકવણી નિયત સમયમાં થઈ જાય તે જરૂરી છે.

error: Content is protected !!