મુસાફીર હું યારો – જ્યોત સે જ્યોત જલે

0
Spread the love
Reading Time: 3 minutes

તા. 29.01.2024: આપણી આસપાસ ગમે તેટલાં નેગેટિવ લોકો હોય પરંતુ દુનિયામાં એવા અનેક લોકો જોવા મળશે કે જેઓ સમાજને ઉપયોગી થવા સરસ મજાનું પોઝીટિવ કામ કરી રહ્યા છે. જો ખરું કહુંતો કોઈના અંધકાર ભરેલા જીવનમાં તેઓ પ્રકાશ ફેલાવાનું કામ કરી રહ્યા છીએ. નર્મદાના કિનારે એક સાહિત્ય મિત્રોના મેળવડા દરમિયાન મારો પરિચય આવાજ એક સજ્જન શ્રી ઇલયાસભાઈ કુરેશી સાથે થયો હતો. દેખાવે ખૂબજ શાંત અને સરળ લાગતાં ઇલયાસભાઈ સાહિત્યના જબરા શોખીન. તેમના વિષે વધુ જાણતા માલૂમ થયું કે તેઓ ભાવનગર જિલ્લાના ઉમરાણા ગામે પોતાના વતનમાં સિંગ-ચણાની લારી ચલાવે છે. એક દિવસ રાત્રિના જ્યારે અમે બધાં મિત્રો કેમ્પફાયર સાથે ગુજરાતી કવિતાઓ અને ગઝલોનો સ્વાદ માણી રહ્યા હતા ત્યારે તેમના સ્વરે જ્યારે કવિશ્રી ઘનશ્યામભાઈ સવાણી લિખિત “ધૂળના વેણ” કવિતા મે જ્યારે સાંભળી ત્યારથીજ ઇલયાસભાઈ વિષે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. આજે હજૂપણ તેઓ દ્વારા બોલાયેલ આ કવિતાના વાક્યો – બોલ બાબુ, રામ કે ભૂત? હજુ પણ મારા કાને સંભળાય છે. બીજે દિવસે માલૂમ થયું કે તેમને વાંચનનો ખૂબ શોખ છે અને તેઓ દ્વારા ચલાવતી અનોખી લાઈબ્રેરી જોવા અનેક નામાંકિત લોકો તેમની મુલાકાતે જાય છે. તેજ દિવસે મેં પણ નકકી કર્યું હતું કે જીવનમાં એકવાર ચોક્કસ હું તેઓના ગામની મુલાકાતે જઈશ.

              હમણાં થોડા દિવસ અગાઉ અચાનક મારે તેમની મુલાકાતે જવાનું થયું અને જે મેં ત્યાં જોયું અનુભવ્યું તે અલૌકિક હતું. તેમની લારીમાં ભરપૂર સમાનની વચ્ચે એક મોટા ખોખામાં ઘણીબધી કિતાબો ભરેલી હતી. પ્રથમ નજરે મને એ ના સુજયું કે શહેરની મધ્યે ભારે શોરબકોર વચ્ચે ઈલયાસભાઈ અહીં કઈ રીતે પોતાની સાહિત્ય પ્રવૃતિ ચલાવતા હશે?? અને થોડીજ વારમાં મેં અનેક નાનાં બાળકોને પુસ્તકોને લેવા આવતા જોયા. ઈલયાસભાઈ પોતાની આ ચાલતી ફરતી લાઈબ્રેરીમાં આવતાં દરેક બાળકોને પુસ્તક કેવું લાગ્યું, કોણે કોણે વાંચ્યું જેવા અનેક પ્રશ્નો પૂછી દરેકને એમની સમજ મુજબનું નવું પુસ્તક વાંચવા આપે. આ દરમિયાન મારી મુલાકાત લારી પાસે ઉભેલ એક વિધ્યાર્થી સાથે થઈ. તેમની સાથેના વાર્તાલાપમાં મને એ જાણી આશ્ચર્ય થયું કે આ બાળકને આટલા બધા પુસ્તકો વિષે કઈ રીતે જ્ઞાન છે? તો માલૂમ થયું કે તેપણ ઈલયાસભાઈ પાસેથી પુસ્તકો અને તેના લેખકો વિષેની જાણકારી પ્રાપ્ત કરી પોતાની સ્કૂલની લાઈબ્રેરીમાં જઈ તે પુસ્તક વાંચે છે. જોવાની ખરી મોજ તો ત્યારે આવી જ્યારે મેં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતાં બાળકોને પોતાની સાઇકલ પર બેસીને હોંશભેર પુસ્તક લેવા આવતાં જોયા. આ સમયે તેઓના ચહેરા પર એક અનોખુ તેજ જોઈ શકાતું હતું.

              ઈલયાસભાઈ છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી પોતાની લારી સરકારી શાળાની આસપાસ ચલાવે છે. આ સ્કૂલોના બાળકો બચપણથીજ ઈલયાસભાઈની લારીએ ભાગ લેવાની સાથે તેમના આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે. સાચું કહું તો ઈલયાસભાઈ પોતાના જ્ઞાનના પ્રકાશની એક જ્યોતથી અનેક લોકોનું જીવન પ્રકાશમય કરી રહ્યા છે.

              આટલું જ પૂરતું નથી પરંતુ ઈલયાસભાઈ પોતાના વિસ્તારની અનેક શાળાઑના વિધ્યાર્થીઓને તેમના ફ્રી ક્લાસના સમયે શાળાના મેદાનમાં તેઓને દેશી રમતો પણ રમાડવા જાય છે. હું જે દિવસે તેઓને મળ્યો ત્યારે તેમની 150મી શાળામાં દેશી રમતો રમાડવા જવાના હતા. ગાડી અને સાઇકલના ટાયર વડે બાળકોને લાંબી કૂદ, ઊંચી કૂદ, ઊંટ દોડ, ક્બ્બડી, કોથળા દોડ, ફુગ્ગા ફોડ, ઠીકડી જેવી અનેક રમતો જેમાં બાળકો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવી દેશી રમતો દ્વારા બાળકોનું મનોરંજન કરે છે.

              તેમની સાથે વિતાવેલ અંદાજે દોઢ કલાકમાં મને ઘણું શિખવા મળ્યું. આપણાં સહુની નૈતિક ફરજ છે કે આપણે પણ એક સુંદર સમાજનું નિર્માણ કરવામાં પોતાનાથી શક્ય સહયોગ કરવો જોઈએ. જો ઇન્સાન ચાહે તો તે પોતાની ક્ષમતા અનુરૂપ કોઈપણ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એમ છે અને તે મારે જરૂરત છે ફક્ત સાચા પ્રયાસ સાથે સમાજને આપણે કઈ રીતે ઉપયોગી બની શકીએ તેમ છે એ  શોધવાની.

  • કૌશલ પારેખ, દીવ (9624797422)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!