ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ વ્યવહારોના નિયમો જાણો અને દંડથી બચો!!
-By Bhavya Popat, Advocate
તા. 14.05.2024: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યવહારો રોકડમાં કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે રોકડ વ્યવહારો ઉપર પ્રતિબંધ લાગુ કરવાનો મુખ્ય હેતુ લોકોને કળા નાણાંની હેરફેરથી બચાવવાનો રહેલો છે. ક્યારેક જાણી જોઈને તો ક્યારેક અજાણતા આ પ્રકારના વ્યવહારો વ્યક્તિ દ્વારા થઈ જતાં હોય છે જેની ગંભીર કિંમત ચૂકવવી પડતી હોય છે. આ પ્રકારના વર્જિત વ્યવહારો વિષે આ લેખમાં માહિતી આપવામાં આવેલ છે. આ પ્રકારના વ્યવહારોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય.
- ધંધાકીય એકમ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો
- તમામ વ્યક્તિઑ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો
ધંધાકીય એકમ માટે વર્જિત રોકડ વ્યવહારો:
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક ખાસ પ્રકારના વ્યવહારો રોકડમાં કરવા ઉપર ધંધાકીય એકમ માટે વર્જિત કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 40A(3) હેઠળ 10000/- (દસ હજાર) ઉપરના કોઈ પણ ખર્ચની ચુકવણી કોઈ એક વ્યક્તિને, એક દિવસમાં રોકડમાં કરવાની મનાઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો ધંધાકીય એકમ 10000/- થી વધુનો કોઈ પણ ખર્ચ રોકડમાં કરી શકે નહીં. અત્રે એ બાબત સમજવી પણ જરૂરી છે કે આ ખર્ચની વ્યાખ્યામાં ધંધાકીય એકમની માલની ખરીદીનો પણ સમાવેશ થઈ જાય છે.
આ નિયમમાં છે કોઈ અપવાદ?
ઉપર જણાવેલ નિયમમાં અમુક આપવાદો આપવામાં આવેલ છે. કોઈ માલના ટ્રાન્સપોર્ટ માટેનો કોઈ ખર્ચ જ્યારે કોઈ ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવતો હોય ત્યારે 10000/- ની આ મર્યાદા 35000/- સુધીની ગણવાની રહે છે. અન્ય અપવાદની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 44AD, 44ADA, 44AE જેવી વિશિષ્ટ જોગવાઈ હેઠળ પોતાની આવક દર્શાવતા નાના કરદાતાઓ માટે રોકડ અંગેનો આ નિયમ લાગુ પડતો નથી. આ ઉપરાંત કરદાતા દ્વારા એમ સાબિત કરવામાં આવે કે અનિવાર્ય સંજોગોના કારણે તેઓએ ફરજિયાત આ ખર્ચ રોકડમાં કરવો જરૂરી હતો, ત્યારે આકારણી અધિકારી પાસે વ્યવહારની યોગ્યતાના આધારે આ ખર્ચ રોકડમાં હોવા છતાં મંજૂર કરવાની સત્તા હોય છે. આ તકે એ જાણવું જરૂરી છે કે આ નિયમ માત્ર ધંધાને લગતા રોજબરોજના ખર્ચને જ નહીં પરંતુ કોઈ મિલ્કત ખરીદવા, બાંધકામ કરવામાં પળ લાગુ પડતો હોય છે.
આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?
ઉપર જણાવેલ રોકડ અંગેની જોગવાઈનો ભંગ કરવામાં આવે તો કરદાતા દ્વારા કરવામાં આવેલ ખર્ચ નામંજૂર થતો હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ધંધાકીય એકમ દ્વારા 100000/- (એક લાખ) ની ખરીદી કરવામાં આવી છે, જેની ચુકવણી બેંકિંગ વ્યવહારો દ્વારા નહીં પણ રોકડમાં કરવામાં આવી છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમને ખર્ચ તરીકે 1 લાખ બાદ મળશે નહીં. આમ, રોકડમાં વ્યવહાર વર્જિત હોવા છતાં ધંધાકીય એકમ દ્વારા આ વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યા હોય ત્યારે ધંધાકીય એકમનો નફો 100000/- જેટલો વધી જતો હોય છે. આમ, તેઓની ટેક્સ ભરવાની જવાબદારી પણ આ એક લાખની રકમ ઉપર આવતી હોય છે. કોઈ મિલ્કત ખરીદી, બાંધકામ સંદર્ભે જો આ મર્યાદા ઉપર કોઈ ખર્ચ રોકડમાં કરવામાં આવ્યો હોય તો કરદાતાને આ મિલ્કત, બાંધકામ સંદર્ભે ઘસરાનો લાભ આપવામાં આવતો નથી.
તમામ વ્યક્તિઓ માટે વર્જિત રોકડ વ્યવહારો:
રોકડમાં લોન કે ડિપોઝિટ તથા અન્ય રકમ લેવા ઉપર પાબંદી
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS હેઠળ કોઈ પણ વ્યક્તિ 20,000 (20 હજાર) કે તેથી વધુ રકમની લોન, ડિપોઝિટ કે અન્ય નિયત કરેલ રકમ રોકડમાં લઈ શકતા નથી. આ નિયત કરેલ રકમ એટ્લે કોઈ પણ સ્થાવર મિલકતના વેચાણ સંદર્ભે એડવાન્સ તરીકે લેવામાં આવતી રકમનો સમાવેશ થાય છે. આમ, કોઈ પણ વ્યક્તિ કોઈ દ્વારા કોઈ લોન કે ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ 19,999/- ની રકમ સુધી જ રોકડમાં લેવાની પરવાનગી આપવામાં આવેલ છે. 20,000 કે તેથી ઉપરની કોઈ પણ લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ રોકડ દ્વારા લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ નિયમમાં છે કોઈ અપવાદ?
હા, આ નિયમ સરકાર પાસેથી લેવામાં આવેલ કે સરકારને આપવામાં આવેલ લોન, ડિપોઝિટ ને લાગુ પડતો નથી. આ ઉપરાંત બેન્કો પાસેથી લોન લેવામાં આવે ત્યારે આ નિયમ લાગુ પડતો નથી. આ બેન્કમાં પોસ્ટ ઓફિસ બેન્ક, સહકારી બેન્ક સહિત તમામ બેન્કોનો સમાવેશ થઈ જાય છે. હા, સહકારી ક્રેડિટ સોસાયટીનો સમાવેશ આ નિયમના અપવાદમાં કરવામાં આવ્યો નથી. આમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને આ નિયમ લાગુ પડે છે અને 20000 કે તેથી ઉપરની લોન કે ડિપોઝીટ રોકડમાં લેવી વર્જિત છે. આ ઉપરાંત જ્યારે લોન કે ડિપોઝિટ અથવા મિલ્કત પેટે એડવાન્સ લેનાર તથા આપનાર બન્ને માત્ર ખેતીનીજ આવક ધરાવતા હોય અને અન્ય કોઈ આવક ધરાવતા ના હોય તેવા સંજોગોમાં આ નિયમ તેઓને લાગુ પડશે નહીં. એક બાબત યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ ખેડૂત હોય તેઓને આજના જમણામાં ખેતી ઉપરાંત બેન્ક વ્યાજની આવક તો હોય જ છે. આમ, મોટા ભાગના ખેડૂતો આ અપવાદથી બહાર નીકળી જતાં હોય છે.
આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?
આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યાર વ્યક્તિ ઉપર જેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે તેટલી રકમનો દંડ થઈ શકે છે.
રોકડમાં લોન કે ડિપોઝિટ તથા અન્ય રકમની પરત ચૂકવની ઉપર પાબંદી
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS હેઠળ કોઈ પણ વ્યક્તિ 20,000 (20 હજાર) કે તેથી વધુ રકમની લોન, ડિપોઝિટ કે અન્ય નિયત કરેલ રકમ રોકડમાં ચૂકવી શકતા નથી. આ નિયત કરેલ રકમ એટ્લે કોઈ પણ સ્થાવર મિલકતના વેચાણ સંદર્ભે એડવાન્સ તરીકે લીધે રકમ પરત ચૂકવવામાં આવતી રકમનો સમાવેશ થાય છે. આમ, કોઈ પણ વ્યક્તિ કોઈ દ્વારા કોઈ લોન કે ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ 19,999/- ની રકમ સુધી જ રોકડમાં પરત ચૂકવવાની પરવાનગી આપવામાં આવેલ છે. 20,000 કે તેથી ઉપરની કોઈ પણ લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ રોકડ દ્વારા પરત ચૂકવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રકમ વ્યાજ સાથે પણ જો 20000/- કે તેથી વધુ હોય તો આ નિયમ લાગુ પડી જતો હોય છે.
આ નિયમમાં છે કોઈ અપવાદ?
હા, આ નિયમ સરકાર પાસેથી લેવામાં આવેલ કે સરકારને પરત ચૂકવવામાં આવેલ લોન, ડિપોઝિટ પરત કરવાને લાગુ પડતો નથી. આ ઉપરાંત બેન્કો પાસેથી લીધેલ લોન પરત કરવામાં આવે ત્યારે લાગુ પડતો નથી. આ બેન્કમાં પોસ્ટ ઓફિસ બેન્ક, સહકારી બેન્ક સહિત તમામ બેન્કોનો સમાવેશ થઈ જાય છે. હા, સહકારી ક્રેડિટ સોસાયટીનો સમાવેશ આ નિયમના અપવાદમાં કરવામાં આવ્યો નથી. આમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને આ નિયમ લાગુ પડે છે અને 20000 કે તેથી ઉપરની લોન કે ડિપોઝીટ રોકડમાં પરત કરવી વર્જિત છે.
આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?
આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યાર વ્યક્તિ ઉપર જેટલી રકમની લોનની ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય તેટલી રકમનો દંડ થઈ શકે છે.
આ લેખમાં આજે પણ તમામ વ્યક્તિઓ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહાર વિષે માહિતી આપવા પ્રાયાસ કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269ST હેઠળ તમામ પ્રકારના કરદાતાઓ માટે રોકડ અંગેની મર્યાદાઑ સૂચવવામાં આવેલ છે. આ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ દ્વારા રોકડ સ્વરૂપે કેટલી રકમ સ્વીકારી શકે તે અંગેની મર્યાદા સૂચવવામાં આવેલ છે.
કોઈ પણ સંજોગોમાં 2 લાખ કે તેથી વધુ રકમ સ્વકરવા અંગે પાબંદી:
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવહાર પેટે બે લાખ કે તેથી વધુ રકમ એકાઉન્ટ પેયી ચેક દ્વારા, કે ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા, RTGS સિવાય સ્વીકારી શકશે નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ પણ કરદાતા 199999/- એટ્લેકે એક લાખ નવ હજાર નવસો નવ્વાણુથી વધુ રકમ રોકડ તરીકે સ્વીકારી શકે નહીં.
આ 2 લાખની મર્યાદા ગણવામાં નીચેના વ્યવહારોનો સમાવેશ થાય છે.
- એક વ્યક્તિ પાસેથી એકજ દિવસમાં સ્વીકારવામાં આવેલ રકમ,
- કોઈ એક વ્યવહાર પેટે સ્વીકારવામાં આવેલ રકમ, ભલે તે રકમ અલગ અલગ દિવસે સ્વીકારવામાં આવેલ હોય,
- કોઈ એક પ્રસંગ કે સમારંભ માટે સ્વીકારવામાં આવેલ રકમ.
ઉદાહરણ દ્વારા ઉપરનો નિયમ સમજવા પ્રયત્ન કરીએ:
શ્રી અમદાવાદી દ્વારા પોતાના માલના વેચાણ પેટે શ્રી સુરતી પાસેથી 2 લાખ રૂપિયા રોકડમાં લેવામાં આવે તો શ્રી, અમદાવાદી દ્વારા આ કલમનો ભંગ કર્યો ગણાય. આ ભંગ ઉપર પેટે પોઈન્ટ નંબર 1 નો ભંગ ગણાય.
આવી રીતે શ્રી અમદાવાદી દ્વારા એક બિલ કે જે 2,50,000/- (બે લાખ પચાસ હજાર) નું છે, તેના પેટે તારીખ 01.10.2023 ના રોજ 1,80,000/- (એક લાખ એંસી હજાર) ની રકમ સ્વીકારેલ છે અને બાકીની 70000/- ની રકમ તેઓ દ્વારા 03.10.2023 ના રોજ સ્વીકારવામાં આવેલ છે. આ કિસ્સામાં શ્રી અમદાવાદી દ્વારા સ્વીકારવામાં આવેલ બન્ને રકમ 200000/- બે લાખથી ઓછી છે, પરંતુ આ રકમ શ્રી અમદાવાદીએ એકજ વ્યવહાર એટ્લે કે એક જ બિલ પેટે સ્વીકારવામાં આવેલ હોય, ઉપર જણાવેલ પોઈન્ટ 2 નો ભંગ થયો ગણાય.
હવે ત્રીજું ઉદાહરણ જોઈએ શ્રી અમદાવાદી એક કેટરિંગ કોન્ટ્રાકટર છે. તેઓ દ્વારા તેઓ દ્વારા શ્રી સુરતીના દીકરીના લગ્ન પ્રસંગે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું તથા રાતનું જમવાનું એ તમામનો કોન્ટ્રાક્ટ રાખેલ છે. શ્રી અમદાવાદી સવારના નાસ્તાનું બિલ 50000/- અલગ બનાવે છે, બપોરે જમવાનું બિલ 150000/- અલગ બનાવે છે અને રાતના જમવાનું બિલ 150000/- પણ અલગ બનાવે છે. આમ, અલગ અલગ બિલ હોવા છતાં, આ તમામ બિલો એક જ પ્રસંગ પૈકીના હોવાથી શ્રી અમદાવાદી દ્વારા લેવામાં આવેલ રકમ 200000/- કે તેથી ઉપર હોય તેઓ દ્વારા ઉપર જણાવેલ પોઈન્ટ નંબર 3 નો ભંગ કર્યો ગણાય.
લોન, ડિપોઝિટ કે મિલ્કતના એડ્વાન્સ સંદર્ભે લેવામાં આવતી રકમને 199999/- (એક લાખ નૌવાનું હજાર નવસો નવાન્નું લાખ) નહીં પરંતુ 19999/- (ઓગણીસ હજાર નવ સો નવ્વાણુ) ની મર્યાદા જ પડશે લાગુ:
આ તકે એ બાબતે જાણવી જરૂરી છે લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે લેવામાં આવતા એડ્વાન્સ કે જે બાબતે ઇન્કમ ટેક્સની કલમ 269SS લાગુ પડતી હોય તેના સંદર્ભે 19999/- ની જ મર્યાદા લાગુ પડશે. આ બાબતે 1,99,999/- ની મર્યાદા લાગુ પડશે નહીં.
સરકાર, બેન્ક, પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક, કો.ઓપરેટિવ બેન્કને આ મર્યાદા લાગુ ના પડે:
ઉપરોક્ત 199999/- ની રોકડ સ્વીકારવાની મર્યાદા એ સરકારને, બેન્ક, પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક, કો-ઓપરેટિવ બેન્કને લાગુ પડતી નથી.
મોટાભાગે રોકડ વ્યવહારો બાબતે નોટિસ આવવાની શક્યતા:
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જ્યારે બેન્ક, અન્ય નાણાકીય સંસ્થા વગેરેની માહિતી ઉપરથી સૌથી વધુ નોટિસ જો આવતી હોય તો તે “કેશ ડિપોઝિટ” માટેની હોય છે. આમ, રોકડ વ્યવહારો અંગે જો યોગ્ય સમજણ આપવામાં આવે તો ઇન્કમ ટેક્સ હેઠળ બચી શકાય છે. આ બાબતે વાંચકોના કોઈ પણ પ્રશ્ન તેઓ adv.bhavyapopat@gmail.com ઉપર મોકલી શકો છો.
(આ લેખ બે ભાગમાં જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 06.05.2024 તથા 13.05.2024 ના રોજ પ્રકાશિત થયા છે)