“બાબુ મોસાય, જિંદગી બડી હોની ચાહીએ…….લંબી નહીં !” By Kaushal Parekh
આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે, ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે, સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે, ભૂલવા જેવી ચીજ સંબંધોની મીઠાશ છે
તા. 19.02.2023
સર્વે વાંચકગણને મારા નવાવર્ષના અભિનંદન. મારે 2023ના પ્રથમ લેખની શરૂવાત કોઈ પોસિટિવ સ્ટોરી સાથે કરવી હતી, પરંતુ 2022ની આખરથી લઈને નવા વર્ષની શરૂઆતના 10 દિવસોમાં મને અનેક આઘાતજનક સમાચારો મળ્યા જેથી મારૂ મન પણ ખૂબ દ્રવી ઉઠ્યું. થોડા દિવસો પહેલા હાર્ટએટેકના લીધે 35થી લઈને 50 વર્ષની આસપાસની ઉમરના તંદુરત જણાતી વ્યક્તિઓના મૃત્યુ મોટા પ્રમાણમાં થયા. આ લખું છું એ દિવસના સમાચાર પત્રમાં વલસાડની એક કોલેજ માં SY BA ના વિધ્યાર્થીનું પણ અચાનક કોલેજમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયાના સમાચાર વાંચવા મળ્યા!
આપ જો ગૂગલ કરીને ભારતીયોની સરેરાશ ઉમર ચેક કરશોતો તે પણ અંદાજિત 65 વર્ષનું મહતમ આયુષ્ય બતાવવા લાગ્યું છે. શું છે આનું કારણ?? સાચું કહું તો આને માટે આપણી અતિ વ્યસ્ત જીવનશૈલી ઉપરાંત શરીરની કાળજી કરવામાં આપણે તદન બેપરવાહ થઈ ગયા છે. મેદસ્વીતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અપૂરતી નિંદ્રાના રોગો તો હવે સાવ સામાન્ય થઈ ગયા છે! આપણે સુખ સગવાડોને અપનાવતા તો ગયા પરંતુ મશીનો અને નોકરોના ગુલામ પણ બની ગયા છીએ. આપણ ગાડીની રેગ્યુલર સર્વિસ કરાવવાનું યાદ છે પણ આ ઈશ્વરે આપેલ અણમોલ શરીરની કાળજીનું શું? ચાલો હવે સ્ટ્રેસફૂલ લાઈફને બદલે કલરફૂલ લાઈફ જીવીએ. આજના સમયનો ખરો બાજીગર એજ છે જે સમયના અભાવ વચ્ચે પણ પોતાની જાત માટે સમય કાઢે.
જીવનમાં દરેકને બીજો મોકો નથી મળતો માટે સમયસર પોતાની ગમેતેટલી ભાગદોડ વાળી જીવનશૈલી ભલે હોય તોપણ પોતાના અનુકૂળ સમયે યોગઆસન, કસરત કે મનગમતી આઉટડોર રમતો રમવા માટે અચૂક સમય કાઢો. અઠવાડિયામાં એક કલાક પ્રકૃતિ સાથે વિતવો. ભક્તિભાવ, સદભાવ અને પરિવારના સભ્યો વચ્ચે સંવાદ રાખો. અંગત મિત્રો સાથે મહિને એકવાર રૂબરૂ મળી ગોસઠી કરવાનું અચૂક યાદ રાખો. 35થી વધુ ઉમરના વ્યક્તિઓએ દર છ મહિને પોતાના બ્લડ અને યુરીન રિપોર્ટ તપાસતા રહેવું જોઈએ. નોકરોને આધીન થવાને બદલે ઘરના નાના મોટા કામ પોતાની જાતથી કરતાં રહેવું જોઈએ જેથી શરીર કસાયેલું રહે. કોઈપણ પ્રકારના દુખાવા કે રોગ માટેની દવાઓ ડોકટરની સલાહ લીધા વગર લેવાનું ટાળો. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પિતા રહેવું જોઈએ અને દરેક વ્યક્તિએ પોતાની ખાણીપીણીમાં યોગ્ય ડાયેટને સામેલ કરવો જોઈએ. પોતાના બેન્ક એકાઉન્ટ અને રોકાણમાં વરસદારનું નામ અવશ્ય લખાવો. વધુ નફાની લાલચને બદલે સલામત રોકાણમાં પૈસા ઇન્વેસ્ટ કરો. પરિવારના સભ્યોની સુખાકારી સાચવવામાં પોતાના સુખને બલીએ ના ચઢાવો. પોતાની જાતને દિલથી સ્વીકારો અને તેને પ્રેમ કરો. પોતાના પરિવારની કોઈ એક ખાસ વ્યક્તિને ઓફિસ, રોકાણ કે ભવિષ્યના આયોજનો વિષે અચૂક માહિતગાર રાખો અથવા એક ડાયરીમાં તેની નોંધ રાખો. વિવિધ પ્રકારની વીબસાઇટ કે બેંકિંગ એપના પાસવર્ડ્સ કે MPIN, સિક્રેટ પ્રશ્નો, એકાઉન્ટ બનાવતી વખતે તેમાં જણાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ id જેવી કીમતી માહિતીની નોંધ પણ રાખતા શીખો. આપે રોકાણ કયા એજેંટ કે બઁક ઓફિસર પાસે કરાવ્યુ છે તેની માહિતી જેતે સ્ટેટમેંટ કે રસીદ ઉપર તે વ્યક્તિના મોબાઈલ નંબર સાથે લખો. અણધારી આફતના સમયે પરિવારને રખડવાનો વારો ના આવે એની સલામતી આપે લીધેલા નિર્ણયો ઉપરજ નિર્ધારિત હોય દરેક નિર્ણય બે વાર વિચારીને કે પોતાના હિતેચ્છુની સલાહ બાદ લેવા જોઈએ.
આ વિધાન બરાબર યાદ રાખો કે પોતાના શરીરની કાળજી સ્વયં પોતે સિવાય કોઈ કરી શકવાનું નથી. ખૂબ હસો અને હસાવો અને આસપાસનો માહોલ પ્રફુલ્લિત રાખો. એકબીજા પ્રત્યે દુખ લાગ્યું હોય તો વાતનું વતેસર કરવાને બદલે જલ્દી તેનું સમાધાન લાવો.
જીવન ભલે ટૂંકું હોય પણ ચાલો આપણે તેને એક ઉત્સવ બનાવીને જીવીએ.
- કૌશલ પારેખ – દીવ ( 9624797422 )