મહારાષ્ટ્ર વેટમાં જાહેર થઈ વેરા માફી યોજના! ગુજરાતના વેપારી જોઈ રહ્યા છે વેરા માફી યોજનાની રાહ!!!
મહારાષ્ટ્ર રાજ્ય બજેટમાં જૂના “વેટ” વસૂલાત બાબતે જાહેર થઈ ઉદાર માફી યોજના
તા. 14.03.2022: મહારાષ્ટ્રના નાણાંમંત્રી અજિત પવારે 11 માર્ચના રોજ વાર્ષિક બજેટમાં રાજ્યના વેપારીઓ માટે “વેરા માફી યોજના” જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ યોજના હેઠળ 10000 સુધીની બાકી વેટની વસૂલાતને સંપૂર્ણ માફી આપવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખ સુધીના બાકી વેટ માંગણા માટે વેપારી દ્વારા 20% રકમ ભરવામાં આવે તો બાકીની 80% રકમ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા મહારાષ્ટ્રના વેપારીઓને 30 સપ્ટેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવશે. જી.એસ.ટી. લાગુ થયા પહેલાની તમામ વસૂલાતને આ યોજનામાં હેઠળ લાભ મળશે તેવી વિગતો બહાર આવી રહી છે.
આ પ્રકારની ઉદાર યોજનાના કારણે મહારાષ્ટ્રના વેપારીઓ કે જેઓની જૂની પડતર વસૂલાત બાકી છે તેઓમાં હર્ષની લાગણી પ્રવર્તી ગઈ હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતના વેપારીઓ પણ આશા સેવી રહ્યા હતા કે વેટ તથા સેલ્સ ટેક્સની જૂની પડતર વસૂલાત સબંધી “વેરા માફી યોજના” ની જાહેરાત આ બજેટમાં કરવામાં આવશે. પરંતુ ગુજરાતના વેપારીઓ માટે આ પ્રકારની યોજના જાહેર કરવામાં આવી નથી. વિવિધ ફોરમ પર ચાલી રહેલા વિવાદો ઘટાડવા ગુજરાતમાં પણ આ પ્રકારે ઉદાર જોગવાઇઓ ધરાવતી “વન ટાઈમ સેટલમેંટ” યોજના લાવવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઉઠી રહી છે. સરકાર માટે વસૂલાત ઝડપથી થઈ શકે અને વેપારીઓ માટે જૂની વસૂલાતમાં મુક્તિ મળે, તેમ એક કાંકરે બે શિકાર કરવાની તક ગુજરાત સરકાર બજેટમાં ચૂકી ગઈ હોવાની લાગણી નિષ્ણાંતોમાં પ્રવર્તી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે