Spread the love
Reading Time: 5 minutes

તા. 31.03.2021: Covid-19 ના કારણે સમગ્ર દુનિયામાં બદલાવ આવી ગયો છે. 22 માર્ચ 2020 ના કરવામાં આવેલ જનતા કરફ્યુ તથા ત્યારબાદ 24 માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણે લોકોના જીવનમાં ઘણા ફેરફાર આવી ગયા હતા. આ લોકડાઉનમાં મારા જીવનમાં પણ ફેર ચોક્કસ આવ્યો હતો. પણ આજે, એક વર્ષ પછી, જ્યારે મને કોરોના થયો ત્યારે જીવનમાં જે પરિવર્તન આવ્યું તે પરીવર્તન ખૂબ અલગ અને ખૂબ પડકારજનક હતું.

22 માર્ચ 2021 ના રોજ બપોરે 12 આસપાસ મારો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો અને સાથે મારી સાથે મારા પપ્પાનો રિપોર્ટ પણ પોઝીટિવ આવ્યો. આ સાથે શરૂ થઈ અમારી કોરોના પોઝીટિવ સફર. 10 દિવસ સુધી દવા ઉપર રહી ફરી ટેસ્ટ કરાવવાનો હતો ત્યાં સુધી રહેવાનું હતું “હોમ ક્વોર્ંટિન”. મને કોરોના પોઝીટિવ આવતા મે મારા વોટ્સ એપ સ્ટેટ્સ પર જાણ કરી જેથી મારી સાથે સંપર્કમાં આવેલા લોકો સતર્ક બને અને લક્ષણો હોય ત્યાં પોતાનો ટેસ્ટ પણ કરાવે. મારી ઓફિસના 10 સ્ટાફ દ્વારા ટેસ્ટ કરવવામાં આવ્યો અને એ પૈકી 4 સ્ટાફ પણ કોરોના પોઝીટિવ આવ્યા. સદ્દનસીબે મારા ઘરના બાકીના સભ્યો મારા મમ્મી, મારી પત્ની અને મારી દીકરી ના ટેસ્ટ થતાં તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો.  અમને કોરોના છે એ અંગે સમાચાર ફેલાતા અનેક ફોન અને મેસેજ આવવા શરૂ થઈ ગયા. સૌ કોઈ નો પ્રશ્ન હતો “ક્યાં થી ઉપાડી આવ્યા કોરોના???”

મિત્રો કોરોના વિષે જેટલું જાણું છું એ મુજબ એ કહેવું ખૂબ મુશ્કેલ છે કે હું કોરોના ક્યાંથી લઈ આવ્યો. હા, કામ અર્થે અમદાવાદ જવાનું થયું હતું, ત્યાંથી કોરોના આવ્યો હોય શકે. પણ એ સાથેજ અનેક અસીલોને પણ મળવાનું થતું હોય છે. આ પૈકી એવા અસીલ કે જે ધંધા માટે ઘણા ગામ ફરતા રહેતા હોય છે. સ્કૂલ અને રિસોર્ટના કામે પણ અનેકને મળવાનું થતું હોય. આ ઉપરાંત સ્ટાફના પણ ઘણા પરિવારના સભ્યો-સાગાવાહલા બહારગામ થી આવતા જતાં હોય. આમ, કોરોના ક્યાંથી લાગુ થયો તે કહેવું લગભગ અશક્ય છે તેવું હું માનું છું. પણ કોરોના પોઝીટિવ આવ્યો તે સ્વીકારી પોઝીટિવ બની આ નવી સ્થિતિ સ્વીકારવી જરૂરી હતી.

કોરોના આવતા સૌથી મોટી તકલીફ જો કોઈને થઇ હોય તો તે છે મારી નાની 11 વર્ષની દીકરીને. મારી સાથે રહેવા ટેવાયેલી દીકરીને જ્યારે ખબર પડી કે હવે 10 દિવસ સુધી તેણે મારાથી દૂર રહેવું પડશે ત્યારે તેને સાચવવી ખૂબ અઘરી હતી. આ ઉપરાંત તેના માટે બહાર રમવા પણ જવાનું બંધ, ધૂળેટી એનો ફેવરિટ તહેવાર હોય એ પણ હવે તે ઉજવી શકશે નહીં. આ તમામ બાબતો એક નાના બાળક માટે ખૂબ મુશ્કેલ થાય તે સમજી શકાય તેવી બાબત છે. મને પણ એમ હતું કે દિયાને આટલા દિવસ રોકી રાખવી મુશ્કિલ છે માટે તેને અમારા સગાને ત્યાં મોકલવાનું લગભગ નક્કી હતું. પણ મારી દીકરીના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. પરિસ્થિતીની ગંભીરતા આ નાની ઉમરે સમજી બહાર ના જવાનો અને ઘરમાં રહી પરિસ્થિતીનો સામનો કરવાનો તેને સ્વીકારી લીધો. જે “ડેડ્ડા” સાથે લાંબી અલકમલકની વાતો કરવાની આદત હતી તેના સ્થાને દૂર બેસી વાતો કરવી પડતી હતી. અવારનવાર મને કહેતી જાય કે ડેડ્ડા આ રીતે વાતો કરવી ગમતી નથી, અને પછી પાછો પરિસ્થિતીનો સ્વીકાર કરવાની એ સમજણ…..ખરેખર 11 વર્ષની દીકરીની આ સમજણ માટે મને માન થઈ ગયું હતું.

કોરોના આવતા જેમ અમારી એક કોરોના પેશન્ટ તરીકે પરીક્ષા શરૂ થઈ તેવી રીતેજ મારી પત્ની કિરણ, અને મમ્મીની પણ શરૂ થઈ પરીક્ષા. અમારા માટે સતત અલગ અલગ જ્યુસ-નારિયળ પાણી-એનર્જી ડ્રિંક વગેરે સતત આપતું રહેવું, ઘરના તમામ નાના-મોટા કામ જાતે કરવા, ઘરમાં પોઝીટિવ વાતાવરણ બની રહે તે જોવું જેવા અનેક પડકારો તેમના ઉપર પણ આવી ગયા. પણ “Hats Off” અમારી એક એક જરૂરિયાતનું ઝીણવટ પૂર્વક ખ્યાલ રાખી અમે જલ્દી સજા થઈ શકીએ તેની ખાસ તકેદારી રાખી.

કોરોના એક એવી બીમારી છે જેના વિષે સૌકોઈ જાણવાની ઈચ્છા ધરાવતા હોય છે. શું થાય છે કોરોના થાય ત્યારે?? કેવી રીતે ખબર પડે છે કોરોના છે એ વિષે? કોરોના થાય એટ્લે શું કરવું?? આ તમામ પ્રશ્નો સૌના મનમાં રહેતા હોય છે. જેમ મે અગાઉ કહ્યું તેમ કે આ બધા પ્રશ્નોના અનુભવ માટે કોરોના થાય તેવી ઈચ્છા તો ક્યારેય ના રાખી શકીએ પરંતુ હા કોરોના થાય તો આ બધા અનુભવ એક અલગ ભાથું આપી જાય તે ચોક્કસ છે. મને રવિવારે એટ્લેકે 21 માર્ચના રોજ અચાનક તાવ આવવો શરૂ થઈ ગયો. મારા બેસ્ટ ફ્રેન્ડ એવા ઉનાના જાણીતા તબીબ ડો. આશિષ વકીલ સાંજે આવી અમુક દવા આપી ગયા અને બીજે દિવસે કોરોના રિપોર્ટ કરાવવાની સૂચના આપતા ગયા હતા. તેમની મેડિકલ ક્ષેત્રની જાણકારીના કારણે તેમને તો રવિવારે રાત્રેજ મારા કોરોના અંગે શક થઈ ગયો હશે. સોમવારે જ્યાં સુધી કોરોના ટેક્સ કરાવવાનો વારો આવ્યો ત્યાં સુધી તાવ રહ્યો. “કોરોના” ટેસ્ટ બે રીતે કરવામાં આવે છે. એક છે “રેપિડ એન્ટિજેન ટેસ્ટ” અને બીજો છે RTPCR ટેસ્ટ. “રેપિડ એન્ટિજન” ટેસ્ટના સેમ્પલ નાકમાંથી લેવામાં આવે છે જ્યારે RTPCR ટેસ્ટ માટેના સેમ્પલ નાક અને ગાળા બન્નેમાંથી લેવામાં આવે છે. મારો “રેપિડ ટેસ્ટ” પોઝીટિવ આવ્યો. આ ટેસ્ટ અર્બન હેલ્થ સેન્ટરમાં કરવવામાં આવ્યો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ સરકારી દવાખાનામાંથી યોગ્ય સમજણ અને દવા આપવામાં આવી હતી. એક બાબત નોંધવા જેવી લાગી. કોરોના મહામારીમાં કામગીરીમાં અસહ્ય વધારો થયો હોવા છતાં ડોક્ટરો તથા સ્ટાફનું વર્તન ખૂબ સકારાત્મક હતું. આ બદલ સરકારી હોસ્પિટલની ટિમને ખાસ ધન્યવાદ આપવામાં આવે તેટલો ઓછો છે. કોરોના પોઝીટિવ આવ્યા પછી સરકારી હોસ્પિટલની ટિમ સતત “ફોલો અપ” લેતી રહેતી હોય છે તે પણ અભિનંદનને પાત્ર છે.

કોરોનામાં કેવી શારીરિક તકલીફો પડતી હોય એ બાબતે વધુ કહેવા હું અસમર્થ છું કારણકે મારો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો ત્યારથી લઈ ટેસ્ટ નેગેટિવ આવ્યો ત્યાં સુધી મને કોઈ ખાસ શારીરિક તકલીફ પડી નથી. એવું સંભાળ્યું હતું કે કોરોનાના કારણે ખૂબ નબળાઈ આવી જાય છે, તાવ, ઉધરસ પણ રહે છે. જીભમાંથી સ્વાદ જતો રહે છે. પણ આ પૈકી કોઈ અનુભવ ખાસ મને થયા ન હતા. એક કે બે દિવસ જીભને સ્વાદ સાથે દુશ્મનાવટ થઈ હોય તેવું ચોક્કસ લાગ્યું પણ કોઈ ખાસ ફર્ક એ સિવાય લાગ્યો નથી.

કોરોના થતાંજ સૌથી મહત્વનો પ્રશ્ન એ આવે સૌના મનમાં એ પ્રશ્ન થાય કે આ દસ દિવસ સમય પસાર કરવો કેવી રીતે??? ઘરે બેસી કરવું શું?? આ દિવસોમાં કંટાળો ના આવી જાઇ?? હા, મિત્રો સમય પસાર કરવો ચોક્કસ અઘરો છે પણ તેને સહેલું બનાવવા તમારા શોખ મહત્વનો ભાગ ભજવે. મને વાંચનનો ખાસ શોખ છે. આ શોખના કારણે ક્યારેય આ દસ દિવસમાં કંટાળો આવ્યો હોય તેવું નથી લાગ્યું. વાંચનના આ શોખ અને સાથે લેખનની થોડી પ્રવૃતિના કારણે દસ દિવસ ખૂબ આરામથી પસાર કર્યા. આવા સમયે વાંચનનો શોખ એ સૌથી મોટી દવા સાબિત થઈ છે તે ચોક્કસ છે.

આજે આ લખી રહ્યો છું ત્યારે કોરોના પોઝીટીવ આવ્યો તેનો દસમો દિવસ છે. મને લગભગ સારું છે. તો આ તકે ખાસ અમુક વ્યક્તિઓનો આભાર માનવો જરૂરી બને. સૌ પ્રથમ મારા અંગત મિત્ર ડો. આશિષ વકીલનો કે જે હમેશા મારા કે મારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર આવેલી બીમારીમાં હમેશા અમારી સંકટ સમયની ઢાલ બને છે. આ ઉપરાંત મને અને મારા પપ્પાને ખૂબ સરસ સારવાર આપનાર ઉનાના જાણીતા MD ડો. મેહુલ સોલંકીનો પણ આભાર જેઓએ અંગત રીતે અમને સાજા કરવા જહેમત ઉઠાવી છે. આ ઉપરાંત ડો. અમરિશ શાહ, નિદાન લેબોરેટરીના રાજુભાઇ કાનાબાર તથા તેમની ટિમનો પણ આ તકે ખાસ આભાર. આ ઉપરાંત મારા વડીલ એવા તરુણભાઈ કાનાબાર તથા અમારા પડોસી એવા રાજુભાઇ પટ્ટણી કે જેમના સહકારથી આ દસ દિવસ કોઈ પણ વસ્તુની કમી અમને રહી નથી. આ ઉપરાંત અમારી ઓફિસના સ્ટાફ જેઓ આ મુશ્કેલ પરિસ્થિતીમાં રોજબરોજના કામો કરતાં રહ્યા અને અમારા અસીલોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે ધ્યાન રાખતા રહ્યા. આ ઉપરાંત આપ સૌ હિતેચ્છુઓનો પણ ખાસ આભાર કે જેમણે વોટ્સએપ દ્વારા અમારા નિરંતર ખબર અંતર પૂછતાં રહ્યા છે અને આ મુશ્કેલ સમયમાં અમારી સાથે ઊભા રહ્યા.

સામાન્ય રીતે “તમે પોઝીટિવ છો” આ શબ્દો સાંભળવાથી ખૂબ ખુશી મળતી હોય છે પણ જ્યારે કોરોના ટેસ્ટ રિપોર્ટમાં “તમે નેગેટિવ છો” તેમ જણાવવામાં આવ્યું ત્યારે “નેગેટિવ” શબ્દથી જે પોઝીટિવ ફિલિંગ આવી તેનું વર્ણન કરવું શક્ય નથી!!!

10 દિવસના ક્વોરંટીન સમય માટે આટલો લેખ પણ બહુ લાંબો કહેવાય. છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે

“Tough time don’t define you, they Refine you”  

error: Content is protected !!