જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા બોગસ વેપારી તથા બોગસ બિલિંગ વિરુદ્ધ સમગ્ર દેશમાં શરૂ થશે ઝુંબેશ

0
Spread the love
Reading Time: 2 minutes

16 ઓગસ્ટ થી 15 ઓક્ટોબર સુધી બે મહિના ચાલશે ખાસ તપાસ

તા. 13.08.2024:

જી.એસ.ટી. નું સંચાલન કરતી સંસ્થા CBIC એટ્લે કે સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેકસીસ અને કસ્ટમ્સ દ્વારા તારીખ 16 ઓગસ્ટથી બે મહિના માટે સમગ્ર દેશમાં બોગસ વેપારી તથા બોગસ બિલિંગ કરતાં વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં બોગસ-હયાત ના હોય તેવા વેપારી તથા બોગસ બિલિંગ કરી સરકારને ચૂનો લગાડતા વેપારીઓ ને પકડી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બોગસ વેપારીઓ તથા બોગસ બિલિંગ અંગે મે 2023 થી જુલાઇ 2023 દરમ્યાન પ્રથમ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એ પ્રકારે જ આ દ્વિતીય ઝુંબેશ 16 ઓગસ્ટથી હાથ ધરવામાં આવશે.

સેન્ટરલ અને સ્ટેટ જી.એસ.ટી. (કેન્દ્ર તથા રાજ્ય જી.એસ.ટી) વિભાગ આ બાબતે તાલ થી તાલ મિલાવી કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. માં આ અંગે ખાસ “ઝોન” બનાવવામાં આવશે. આ પ્રત્યેક ઝોનમાં “નોડલ ઓફિસર” ની નિમણૂંક કરવામાં આવશે. આ નોડલ અધિકારી પોતાના ઝોનમાં આ ખાસ કામગીરી બાબતે માહિતીની આપલે તથા કામગીરી ઉપર નજર પણ રાખશે.  આ વ્યવસ્થા અંતર્ગત બન્ને એજન્સી પાસે રહેલી “આર્ટિફીશીયલ ઈંટેલિજન્સ પ્રોગ્રામ” વડે બોગસ વેપારીઓની ઓળખ કરવામાં આવશે આ ઉપરાંત ઇ વે બિલની વિગતો, વેપારીની અગાઉની સંડોવણી, અધિકારીના પાછલા અનુભવ આધારિત પણ કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ વેપારી બોગસ વેપારી છે તેવી માહિતી મળતા જે તે અધિકારી દ્વારા તે વેપારીની સમયસર ચકાસણી કરવાની રહેશે. આ ચકાસણી દરમ્યાન આ વેપારી હયાત ના જણાય કે બોગસ જણાય તો તુરંત જ અધિકારી દ્વારા આ વેપારીનો નોંધણી દાખલો રદ્દ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. આવા વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાની કાર્યવાહી પણ જરૂર જણાય ત્યાં અધિકારી દ્વારા કરવાની રહેશે. આવા વેપારી પાસેથી ખરીદી કરનાર વેપારી ઉપર પણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની રહેશે. જો ખરીદનાર વેપારીનો ધંધો અન્ય અધિકારીના ક્ષેત્રાધિકાર હેઠળ પડતો હોય તો આ અધિકારીને તપાસ કર્તા અધિકારી દ્વારા ખરીદનાર વેપારીની વિગતો મોકલવાની રહેશે અને આ માહિતી મળતા ખરીદનાર વેપારી ઉપર ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારી દ્વારા સમયસર ખરીદનાર ઉપર કાર્યવાહી કરવાની રહેશે. સમગ્ર પ્રકરણમાં બોગસ બિલિંગના “માસ્ટર માઇન્ડ” ને પકડવા પણ અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવાની રહેશે.

આ અંગે વાત કરતાં જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “આ ઝુંબેશથી પ્રમાણિક વેપારીઓએ ડરવાની કોઈ જરૂર નથી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બોગસ વેપારીઓને પકડવાનો તથા તેની ઉપર કાર્યવાહી કરવાનો છે. હા પ્રમાણિક વેપારીઓએ પોતાના ધંધાના સ્થળના સરનામા પોતાના જી.એસ.ટી. નોંધણી દાખલામાં યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું આવશ્યક છે. આ ઉપરાંત પોતાના ધંધાના બોર્ડ વ્યવસ્થિત રીતે ધંધાનું નામ, માલિકનું નામ ધરાવે છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. આ પ્રકારની ઝુંબેશ પ્રમાણિક વેપારીઓ માટે ખાસ કોઈ મુશ્કેલી નહીં કરે તેવું હું માનું છું.”

16 ઓગસ્ટથી શરૂ થતી આ ઝુંબેશમાં બોગસ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી છે પરંતુ પ્રમાણિક વેપારીઓ ઉપર આ ઝુંબેશની અસરના પડે તે રીતે કેન્દ્ર તથા રાજ્ય જી.એસ.ટી. ના અધિકારીઓ કામ કરે તેવી આશા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!