01 ઓકોટોબરથી બિલ-કેશ મેમો ઉપર FSSAI નંબર બનશે ફરજિયાત
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનું લાઇસન્સ ધરાવતા ધંધાર્થીઓ માટે કરવામાં આવ્યો મહત્વનો સુધારો
તા. 29.09.2021: ખાણી પીણીના ધંધાર્થીઑ માટે ધંધો શરૂ કરતાં પહેલા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) લાઇસન્સ લેવું ફરજિયાત રહેતું હોય છે. આ લાઇસન્સ ધરાવતા અને “પેકિંગ” કરેલ માલ વેચતાં વેપારીઓ માટે FSSAI ની વિગતો પેકેટ ઉપર દર્શાવવી ફરજિયાત છે. હવે 01 ઓક્ટોબર 2021 થી આ નિયમોમાં સુધારો કરવામાં આવશે. 08 જૂન 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ સુધારા અનુસાર FSSAI નંબર ધરાવતા ધંધાર્થીઓએ પોતાના દ્વારા આપવામાં આવતા બિલ, કેશ મેમો, રિસીપ્ટ, ડિલિવરી ચલણ વગેરેમાં પોતાનો FSSAI રજીસ્ટ્રેશન નંબર દર્શાવવો ફરજિયાત બની જશે. હોટેલ-રેસ્ટોરન્ટ જેવા ધંધાર્થીઓએ પોતાનો FSSAI નંબર ગ્રાહકોને દ્રષ્ટિમાન થાય તેવી રીતે લગાડવાનો રહેશે. જ્યારે કોઈ માલની ડિલિવરી માટે ધંધાર્થી દ્વારા બે કોપીમાં કોઈ બિલ/ડિલિવરી ચલણ બનાવવામાં આવે ત્યારે બન્ને ડૉક્યુમેન્ટ ઉપર FSSAI નંબર દર્શાવવો ફરજિયાત રહેશે. જો કે સરકારી સિસ્ટમ ઉપરથી જનરેટ થતાં ઇ વે બિલ જેવા દસ્તાવેજો ઉપર આ FSSAI નંબર લખવો જરૂરી બનેશે નહીં.
આ અંગે ટેક્સ ટુડે સાથે વાત કરતાં જેતપુરના જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “આ પ્રકારના સુધારાના કારણે રેસ્ટોરન્ટ જેવા ખાણી પીણીના ધંધાર્થીઓ એ પોતાના બિલમાં આ FSSAI નંબર દર્શાવવા પડશે. આ નિયમમાં સુધારો કરવાનું કારણ એ છે કે ગ્રાહકોને જે તે ખાણી પીણી ના ધંધાર્થીના “ક્વોલિટી/ક્વાઓંટિટિ સંદર્ભે કોઈ ફરિયાદ હોય તો 14 આંકડાના નોંધણી નંબર ઉપર કરી શકશે. આમ, ગ્રાહકોમાં પોતાના હક્કો બાબતે સજગતા આવશે તથા ખાણી પીણીના ધંધાર્થીઓ પોતાની જવાબદારી બાબતે વધુ સજાગ બનશે તેવું માની શકાય છે.”
ખાદ્ય ચીજવસ્તુ બાબતેની અનેક ફરિયાદો અવારનવાર વાંચવા સાંભળવા મળતી હોય છે. હવે આ પ્રકારે સુધારો થતા ખાદ્ય સામગ્રીના ધંધાર્થીઓમાં પણ આ અંગે જાગરુકતા વધેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે