કરદાતાને સાંભળવાની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ આદેશ ગેરકાયદેસર ગણાય: આ મહત્વનો સિદ્ધાંત ફરી પ્રતિપાદિત કરતી ગુજરાત હાઇકોર્ટ
અલકેમ લેબોરેટરીને મહત્વની રાહત આપતી વડી અદાલત
26.02.2021: જી.એસ.ટી. કયદો લાગુ થયો છે ત્યારથી ડિપાર્ટમેંટના અતિશય કડક વલણ સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે. આ પ્રકારે એક વધુ કેસ સામે આવ્યો છે. અલકેમ લેબોરેટરી ઉપર જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ વ્યવહાર બદલ કર ભરવા આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ આદેશ સામે કરદાતા દ્વારા વડી અદાલતમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. કરદાતાનો આક્ષેપ હતો કે તેઓને તેમની સામે આદેશ પસાર કરતાં પહેલા સાંભળવાની યોગ્ય તક આપવામાં આવી ન હતી. કરદાતાના વકીલ આદિત્ય પરિખ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે કરદાતાને આપવામાં આવેલ કારણ દર્શક નોટિસ સામે તેઓએ થોડી મુદત માંગી હતી. આ મુદત આપવામાં આવી ન હતી અને યોગ્ય પર્સનલ હિયરિંગ વગર જ અધિકારી દ્વારા મોટું માંગણૂ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મોટા માંગણા સામે કાયદા હેઠળ નિયત સમય વિત્યો ન હવા છતાં કરદાતાના બેન્ક ખાતા ઉપર પણ ટાંચ મૂકી આપવામાં આવી હતી. આ સામે કરદાતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કરદાતા તથા સરકારની દલીલ સાંભળી કોર્ટ દ્વારા રિટ પિટિશનની દાદ મંજૂર કરતાં આદેશ પસાર કરવામાં આવ્યો હતો અને ફરી એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો કે યોગ્ય સુનાવણીની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ આદેશ અયોગ્ય ગણાય.
જી.એસ.ટી ડિપાર્ટમેંટના બિંજરૂરી કડક વલણ સામે કોર્ટ કરદાતાના વહારે આવ્યાના અનેક દાખલા જોવા મળ્યા છે. કરદાતાની તકલીફ સમજી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ પણ પોતાનું વલણ બદલે તેવી માંગ વેપારી આલમ માં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.
હાઇકોર્ટે સિદ્ધાંત “ફરી પ્રતિપાદિત” કરવો પડે એ સ્થિતિ અયોગ્ય છે. અગાઉ આવી ગયેલ ચુકાદાઓ ને અનુલક્ષી ને કોર્ટ ના અનાદર ની ફરિયાદ કરવી જોઈએ.