કરદાતાના ધંધો કરવા અંગેના બંધારણીય હક્કને જી.એસ.ટી. કાયદાની જોગવાઈ રોકી શકે નહીં: બોમ્બે હાઇકોર્ટ
કોઈ પણ કાયદાની સમયમર્યાદા અંગેની જોગવાઈ સુપ્રીમ કોર્ટના અનુછેદ 32 હેઠળના અધિકારો તથા હાઇકોર્ટના અનુછેદ 226 હેઠળના અધિકારો ઉપરવટ હોય શકે નહીં.
તા. 23.02.2023: જી.એસ.ટી. કાયદાની જોગવાઇઓ હેઠળ જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા કરદાતા તેઓના છ મહિનાના રિટર્ન ના ભારે ત્યારે તેઓનો નોંધણી દાખલો રદ્દ કરવાની સત્તા જી.એસ.ટી. અધિકારીને આપવામાં આવી છે. આવા એક કિસ્સામાં એક કરદાતાનો જી.એસ.ટી. નંબર રિટર્ન ના ભરવાના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરી આપવામાં આવ્યો હતો. કરદાતા ફેબ્રિકેશનના ધંધા સાથે જોડાયેલા હતા. કોરોના મહામારી દરમ્યાન તેઓના ધંધો આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. આ ઉપરાંત ધંધાના માલિકને હાર્ટઅટેક આવ્યો અને તેઓ એ એંજિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. આ સારવાર કરી જ્યારે તેઓ સાજા થયા ત્યારે તેઓ માટે જી.એસ.ટી. નંબર જે રદ્દ કરી નાંખવામાં આવ્યો હતો તેની સામે રિવોકેશન અરજી કરવાની મર્યાદા જતી રહી હતી. આ નંબર રદ્દના આદેશ સામે અપલી કરવાની મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હતી. તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી પરંતુ સમયમર્યાદાના કારણ હેઠળ આ અપીલ રિજેકટ કરવામાં આવી હતી. કરદાતા દ્વારા આ રદ્દ ના આદેશ સામે બોમ્બે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ રિટ પિટિશનની સુનાવણી દરમ્યાન કોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરતાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણ હેઠળ ધંધો કરવાનો અધિકાર પોતાના સૌ નાગરિકોને અનુછેદ 19(1)(g) સૌને આપવામાં આવેલ છે. આ અધિકાર કોઈ પણ કાયદાની જોગવાઈ છીનવી શકે નહીં. જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતા પાસે સમયમર્યાદાને ધ્યાને લેતા અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. બોમ્બે હાઇકોર્ટ દ્વારા મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લી. વી. યુનિયન ઓફ ઈન્ડિયા ના કેસનો સંદર્ભ લઈ જણાવ્યુ હતું કે કોઈ પણ કાયદાની સમયમર્યાદા અંગેની જોગવાઈ સુપ્રીમ કોર્ટના અનુછેદ 32 હેઠળના અધિકારો તથા હાઇકોર્ટના અનુછેદ 226 હેઠળના અધિકારો ઉપરવટ હોય શકે નહીં. કોર્ટ દ્વારા એવું પણ નોંધવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહી હોય, નોંધણી નંબર રિસ્ટોર કરવાથી રાજસ્વને પણ નુકસાન ઘટશે. આ કેસમાં પીટીશનર દ્વારા જે કોઈ પણ બાકી વેરો હોય તે વ્યાજ સાથે ભરવાની તૈયારી દર્શાવી હતી. આ તમામ બાબતો ધ્યાને લઈ કરદાતાના ધંધો કરવાના અધિકારને મહત્વનો ગણી, કરદાતાની રિટ પીટીશન માન્ય રાખવામા આવી હતી અને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા પસાર કરવામાં આવેલ જી.એસ.ટી. રદના આદેશને રદ્દ કરવામાં આવ્યા હતા.
જી.એસ.ટી. હેઠળ એવા અનેક કરદાતાઓ છે જેઓના જી.એસ.ટી નોંધણી દાખલો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરી આપવામાં આવ્યો હોય. જી.એસ.ટી. કાયદા હેઠળ રિવોકેશનની કે અપીલની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેઓ પાસે જી.એસ.ટી. નંબર ચાલુ કરાવવા કોઈ વિકલ્પ રહેતો હોતો નથી. આવા સંજોગોમાં કરદાતા પાસે રિટ પીટીશન કરવાનો વિકલ્પ જ લેવો જરૂરી બનતો હોય છે. આ કેસ તથા અન્ય હાઇકોર્ટના કેસ આવા મજબૂર કરદાતાઓ માટે ચોક્કસ ઉપયોગી બની શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે