હવે નાના વેપારીઓએ પણ આપવી પડશે HSN ની વિગતો!!!
01 નવેમ્બરથી જી.એસ.ટી. પોર્ટલ ઉપર GSTR 1 માં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ પણ આપવી પડશે 4 આંકડાના HSN ની વિગતો
તા. 26.10.2022: જી.એસ.ટી. હેઠળ એક મહત્વનો સુધારો 01 નવેમ્બર 2022 થી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સુધારા મુજબ 01 નવેમ્બર બાદ ભરવામાં આવતા GSTR 1 માં 4 આંકડાના HSN ની વિગતો આપવી ફરજિયાત બની જશે. ઉલ્લેખનીયા છે કે આ સુધારો 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને લાગુ પડશે. અગાઉથી 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટેતો 6 આંકડાનો HSN આપવો ફરજિયાત બનાવી આપવામાં આવ્યો છે. હવે નાના વેપારીઓ માટે પણ પોતાના રિટર્નમાં HSN ફરજિયાત આપવાનો થશે. HSN રિટર્નમાં દર્શાવવા વેપારીઓએ પોતાના વેચાણ બિલમાં પણ HSN ની વિગતો દર્શાવવી ફરજિયાત બની જશે. જો બિલમાં આ HSN હોય તો જ તેમના એકાઉન્ટન્ટ એકાઉન્ટમાં આ HSN ની વિગતો દર્શાવી શકે છે. આમ, 01 નવેમ્બરથી કરદાતાઓ માટે HSN મુજબ વેચાણ દર્શાવવાની મહત્વની જવાબદારી ઉપસ્થિત થશે. આ પ્રકારના ફેરફાર નવેમ્બર જેવા વર્ષના વચ્ચેના મહિનાથી કરવાને બદલે નાણાકીય વર્ષની શરૂઆતથી કરવામાં આવે, જેથી વેપારીઓ વધુ તૈયારી સાથે આ નિયમનું પાલન કરી શકે, તેવી માંગ વેપારીઓમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.