ઇન્કમ ટેક્સ નોટિસથી બચવા આ બાબતો અંગે રાખો ખ્યાલ!! (Part 2)

Spread the love
Reading Time: 4 minutes

ઇન્કમ ટેક્સ નોટિસથી દૂર રહેવા રાખો આર્થિક વ્યવહારો કરવામાં સાવચેતી. કહેવાય છે ને After all prevention is better than Cure!!

તા 25.10.2022

(ભાગ 2) (ગતાંકથી શરૂ)

May the lights of Deepawali burn out your problems and brighten your life…& Happy New Year to all the readers and supporters of Tax Today.  આ શબ્દો સાથે ફૂલછાબના વાંચકો તથા ટેક્સ ટુડેના વાંચકોને દિવાળીની તથા નવ વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આ તકે ફૂલછાબમાં ટેક્સ અંગેની કટાર લખવા અંગેની તક આપવા માટે ફૂલછાબ મેજેનમેંટ, તંત્રીશ્રી, ફૂલછાબના પત્રકાર તથા મારા મિત્ર એવા નિલયભાઇ ઉપાધ્યાય અને સમગ્ર ફૂલછાબ ટિમનો ખાસ આભાર. અને હા, આજે ફૂલછાબ સાથેનો આ 56 મો લેખ લખતા વિશેષ આભાર આપ સૌ વાંચક મિત્રોનો કે જેઓ ટેક્સેશન અંગેના વિવિધ વિષયો ઉપર લેખ લખવા બાબતે પ્રેરણા આપતા રહ્યા છો.

ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આવે ત્યારે વ્યક્તિ તાણ અનુભવતો હોય છે તે સામાન્ય બાબત છે. એક ટેક્સ એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ દરમ્યાન અમારી સામે અવારનવાર એવા કેસ આવતા હોય છે જ્યાં ઇન્કમ ટેક્સ નોટિસ આવવાના કારણે વ્યક્તિએ ખાવા-પીવાનું તથા આરામ છોડી દીધેલ હોય. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક ભૂલો એવી હોય છે જે થઈ જાઈ પછી તેનો કોઈ ઈલાજ નથી અને આ ભૂલો વ્યક્તિઓ માટે ખૂબ મુશ્કેલ સાબિત થતી હોય છે. આજે આ લેખમાં એવી ભૂલો વિષે સામાન્ય લોકોને માહિતી આપવા પ્રયાસ કર્યો છે. ઇન્કમ ટેક્સ હેઠળ અલગ અલગ પ્રકારની નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ આકારણી તથા ફેર આકારણીની નોટિસો ઇન્કમ ટેક્સ અન્વયે સૌથી ગંભીર નોટિસો ગણવામાં આવતી હોય છે. આ આકારણી અને ખાસ કરીને ફેરઆકારણીની નોટિસ સામાન્ય રીતે એવા કરદાતાને આપવામાં આવતી હોય છે જેણે ઇન્કમ ટેક્સ હેઠળ અમુક એવા વ્યવહારો કર્યા છે જે વ્યવહારો અંગેની જાણ નિયત વ્યક્તિ/સંસ્થા દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને કરવી ફરજિયાત હોય છે. આવા વ્યવહાર કર્યા હોય અને જે તે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન કરદાતા દ્વારા ભરી આપવામાં આવ્યું હોય તો નોટિસ આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે. પરંતુ આ પ્રકારે નિયત વ્યવહાર કર્યા હોવા છતાં તે વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ના આવે ત્યારે ઇન્કમ ટેક્સ હેઠળ આકારણી/ફેરાકારણી માટેની નોટિસ કરદાતાને આપવામાં આવતી હોય છે. અગાઉ આકારણી વર્ષના છ વર્ષ સુધી ફેર આકારણી માટેની નોટિસો આપવામાં આવતી હતી. આ સમય મર્યાદામાં સુધારો કરી 01 એપ્રિલ 2021 બાદ આ પ્રકારે ફેર આકારણીની નોટિસ આપવાની સમય મર્યાદા જે તે આકારણી વર્ષથી ત્રણ વર્ષ કરી આપવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ ફેર આકારણીની નોટિસથી દૂર રહેવા નીચેના વ્યવહારો વિષે સમજણ મેળવવી ખૂબ જરૂરી છે.

રોકડમાં બેન્ક ડ્રાફ્ટ બનાવવાના વ્યવહારો:

કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બેન્કમાંથી એક નાણાકીય વર્ષમાં 10 લાખ કે તથી વધુ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર રોકડમાં ચુકવણી કરી બનાવવામાં આવ્યા હોય ત્યારે આ પ્રકારના વ્યવહારોની જાણ બેન્ક દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને કરવામાં આવતી હોય છે. આ કારણે જ મોટાભાગની બેન્ક રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાની સગવડ આપતી હોતી નહીં.

ઘણી વાર એવું ધ્યાને આવતું હોય છે કે કોઈ વ્યક્તિ દ્વારા પોતાની એક બેન્કના ખાતામાંથી મોટી રકમ ઉપાડી પોતાના અન્ય બેન્ક ખાતામાં રોકડ સ્વરૂપે જમા કરાવવામાં આવતી હોય છે. આ પ્રકારના વ્યવહાર એ અજ્ઞાનતાના કારણે કરવામાં આવતા હોય છે પરંતુ આવા કારણોસર પણ તેઓ ઇન્કમ ટેક્સની કાર્યવાહીના શિકાર બની જતાં હોય છે. જ્યારે એક ખાતામાં થી અન્ય ખાતામાં કોઈ રકમ તબદીલ કરવાની થતી હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી આ રકમ ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કરવી હિતાવહ છે.

ક્રેડિટ કાર્ડના બિલ માટે કરવામાં આવતી ચુકવણી:

કોઈ પણ કંપનીના ક્રેડિટ કાર્ડના કોઈ બિલની ચુકવણી જ્યારે એક લાખ કે તેથી વધુ રકમ રોકડમાં કરવામાં આવે ત્યારે ક્રેડિટ કાર્ડ જે કંપની દ્વારા આપવામાં આવ્યું હોય તે કંપનીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આ વ્યવહારની જાણ કરવાની રહેતી હોય છે. આવી રીતે જ્યારે કોઈ ક્રેડિટ કાર્ડ માટે વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હોય ત્યારે પણ ક્રેડિટ કાર્ડ જે કંપની દ્વારા આપવામાં આવ્યું હોય તે કંપનીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આ વ્યવહારની જાણ કરવાની રહેતી હોય છે.

ક્યારેક અજ્ઞાનતામાં કે ક્રેડિટ કાર્ડ પરનું વ્યાજ બચાવવા કોઈ વ્યક્તિ દ્વારા પોતાના ક્રેડિટ કાર્ડના મોટા બિલની ચુકવણી રોકડમાં કરવામાં આવતી હોય છે. આવા વ્યવહારના કારણે પણ તેઓ ક્યારેક ઇન્કમ ટેક્સની તપાસના ભોગ બની જતાં હોય છે.

મ્યુચ્યલ ફંડની ખરીદી

કોઈ વ્યક્તિ દ્વારા નાણાકીય વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ રકમની મ્યુચ્યલ ફંડની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે પણ આ કંપની દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આ અંગે જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ આ 10 લાખની મર્યાદાની ગણતરી કરવામાં કોઈ મ્યુચ્યલ ફંડની એક સ્કીમમાંથી અન્ય સ્કીમમાં ફંડ તબદીલ કરવામાં આવેલ હોય તે રકમનો સમાવેશ કરવામાં આવશે નહીં.

સ્થાવર મિલ્કતની ખરીદી 

કોઈ વ્યક્તિ દ્વારા કોઈ સ્થાવર મિલ્કત જેવી કે જમીન, મકાન, ફ્લેટ વગેરેની ખરીદી કરવામાં આવેલ હોય અને આ સ્થાવર મિલ્કત સંદર્ભે ચુકવવાના થતાં અવેજની રકમ 30 લાખ કે તેથી વધુ હોય તો આવી સ્થાવર મિલ્કતની ખરીદી અંગેની વિગત સબ રજીસ્ટ્રાર (જ્યાં દસ્તાવેજની નોંધણી થાય) કચેરી દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મોકલવાની રહેતી હોય છે. આ ઉપરાંત એવી સ્થાવર મિલ્કત ખરીદીની વિગત કે જેમાં અવેજની રકમ ઓછી હોય પરંતુ જંત્રીની કિમત (રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ મૂલ્યાંકન માટેની કિમત) 30 લાખ કે તથી વધુ હોય ત્યારે પણ સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવામાં આવતી હોય છે.

સ્થાવર મિલ્કત બાબતે એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે આ મિલ્કત માટે અવેજની રકમ જંત્રીના મૂલ્યથી ઓછું ના દર્શાવવામાં આવે. જો અવેજની રકમ જંત્રી મૂલ્યથી ઓછી દર્શાવવામાં આવેલ હોય તો આ બાબતે ખરીદનાર તથા વેચનાર બંને માટે મુશ્કેલી થઈ શકે છે.

આ પ્રકારના વ્યવહાર થયેલ હોય તો શું તકેદારી લેવી છે જરૂરી?

જ્યાં સુધી શક્ય હોય આ પ્રકારના વ્યવહારથી દૂર રહેવું જરૂરી છે. જો આ પ્રકારે કોઈ વ્યવહાર થયેલ હોય તો જે તે વર્ષ માટેનું ઇન્કમ ટેક્સ રિટર્ન અચૂક ભરી આપવું જોઈએ. આ રિટર્ન ભરવાં માટે કોઈ નિષ્ણાંત એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટિશનરની સલાહ લેવી ઉપયોગી બને. જો કોઈ જૂના વર્ષ માટે આ પ્રકારે વ્યવહાર થયેલ હોય જેના માટે રિટર્ન ભરવાની સમય મર્યાદા વીતી ગઈ હોય તેવા સંજોગોમાં ટેક્સ પ્રોફેશનલની સલાહ લઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જો કે આ પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા હોય અને કરદાતા નિયમિત રીતે પોતાનું આવક વેરા રિટર્ન ભરતા હોય તો તેમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આવા વ્યવહારો માટે પણ નોટિસો આવવાની સંભાવના ઓછી રહેતી હોય છે. આમ, આ પ્રકારના વ્યવહાર કરતાં વ્યક્તિઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવું જરૂરી છે. જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેઓના માટે ઉપરની વિગતો અંગે ની માહિતી મેળવી આવા વ્યવહારથી દૂર રહેવું જ હિતાવહ છે. કહેવાય છે ને Prevention is better than Cure!!!

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની સોમવારની પૂર્તિ વ્યાપારભૂમિમાં માં તા 24 ઓક્ટોબર 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)

(આ લેખનો ભાગ 1 વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરવા વિનંતી)

https://taxtoday.co.in/how-to-prevent-income-tax-notice/

 

error: Content is protected !!