NRI પણ ટૂંક સમયમાં કરી શકશે UPI દ્વારા વ્યવહારો
USA, UK સહિત 10 દેશોમાં વસતા NRI ત્યાંના ફોન નંબર ઉપરથી UPI વ્યવહારો કરી શકશે. જો કે સગવડ 30 એપ્રિલ સુધીમાં થશે કાર્યરત
તા. 22.02.2023: ભારત બહાર વસતા “નોન રેસિડંટ ઇંડિયન” (NRI) પણ ટૂંક સમયમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટર ફેસ) નો ઉપયોગ કરી નાણાકીય વ્યવહારો કરી શકશે. આ અંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાન્યુઆરીમાં સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર દ્વારા NPCI દ્વારા પોતાના સભ્ય બેન્કોને ભારત બહાર વિદેશોમાં વસતા NRI ને UPI ની સગવડ જે તે દેશના નંબર સાથે આપવાની તૈયારી કરવા જણાવવામાં આવ્યું છે. આ સભ્ય બેન્કો દ્વારા “ફોરેન એક્સચેન્જ મેનેજમેંટ એક્ટ” એટ્લે કે FEMA ની જોગવાઈઑ તથા “એન્ટિ મની લોંડરિંગ” કાયદાની જોગવાઈઑ ધ્યાને લઈ આ સગવડ પોતાના ગ્રાહકોને NRE તથા NRO એકાઉન્ટ માટે આપવાની રહેશે. શરૂઆતમાં UPI ની આ સગવડ સીંગાપુર, ઓસ્ટ્રેલીયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત તથા બ્રિટન જેવા દસ દેશો માટે શરૂ કરવામાં આવશે. આ તમામ દેશોના મોબાઈલ નંબર ધરાવતા NRI પોતાના NRE તથા NRO એકાઉન્ટ દ્વારા UPI નો ઉપયોગ કરી શકશે. આ સગવડ તમામ બેન્કો દ્વારા 30 એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે તેવા સમાચાર મળી રહ્યા છે. વિદેશમાં વસતા NRI લોકો માટે આ સગવડ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.