જામીનગિરિ પેટે વેપારીએ આપેલ રકમ 25 જૂન 2022 સુધી પરત કરવા ગુજરાત વેટની ખાસ ઝુંબેશ
ચલણ દ્વારા ભરવામાં આવેલ રકમ 25 જૂન સુધીમાં અને NSC જેવી જામીનગિરિઑ 30 જૂન સુધીમાં પરત કરવા અધિકારીઓને સૂચના
તા. 05.06.2022: ગુજરાત વેટ કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવા વેપારીઓએ જામીનગિરિ આપવાની જોગવાઈ હતી. આ જામીનગિરીઓ સામાન્ય રીતે વેપારી ઉપર કોઈ માંગણું ના હોય તો બે વર્ષમાં પરત કરવાની રહેતી હોય છે. પરંતુ વહીવટી કારણોસર મોટા પ્રમાણમા આવી જામીનગિરિઓ વેપારીઓને પરત કરવામાં આવી નથી તેવી ફરિયાદો વારંવાર ઉઠતી રહેતી હોય છે. આ અંગે ગુજરાત વેટ ડિપાર્ટમેંટ દ્વારા સરાહનીય પગલું ભરી આ જામીનગિરિ વેપારીઓને પરત કરવા એક ખાસ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. 04 જૂન 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ આધિકારિક સૂચના પ્રમાણે વેટ હેઠળના તમામ અધિકારીઓને રોકડમાં ચલણ દ્વારા વેપારીએ ભરેલ જમીંગીરીઓ 25 જૂન 2022 સુધીમાં તથા તે સિવાયની NSC, બેન્ક ગેરંટી જેવી જમીંગીરીઓ 30 જૂન સુધીમાં વેપારીઓને પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ સફળ થશે તો વેપારીઓને પોતાના રોકાયેલ રકમ પરત મળશે તથા વેટ ડિપાર્ટમેંટ ઉપર આ જામીનગિરિ સાચવવાનું ભારણ પણ ઓછું થશે. ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન તથા અન્ય એસોસીએશન દ્વારા આ અંગે સતત વેટ ડિપાર્ટમેંટ સાથે મસલતો હાથ ધરવામાં આવતા આ પ્રકારની ઝુંબેશ બહાર પાડવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે. આ અંગે વાત કરતાં ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ હર્નિશ મોઢ જણાવે છે કે “વેપારીઓની જામીનગિરિ પરત કરવાની કામગીરી સત્વરે થઈ જોઈએ. આ કારણે જ અમારા એસોસીએશન દ્વારા સતત વેટ ડિપાર્ટમેંટ સાથે સંકલનમાં રહી આ બાબત ઘટતું કરવા માંગ કરવામાં આવી રહી હતી. હું કમિશ્નરશ્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓનો પણ આ તકે આભાર માનું છું અને આશા સેવું છું કે કચેરી સ્તરે પણ અધિકારીઓ આ ઝુંબેશને સફળ બનાવવા તથા વેપારીઓના હિતમાં આવી જામીનગિરિ સમયસર પરત કરશે.” આ ઝુંબેશ તેના હેતુ પૂર્ણ કરે અને અધિકારીઓ ઓ પણ ઉદારભાવે આ ઝુંબેશને સહયોગ આપે તેવી આશા વેપારી વર્ગ સેવી રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે