કરદાતાને સુનાવણીની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ આદેશ રદ્દ કરતી ગુજરાત હાઈકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

હાઇટેક સ્વીટ વોટર ટેકનોલોજિસ પ્રા. લી વી. ગુજરાત રાજ્યના (14347/2022) કેસમાં મહત્વનો ચુકાદો આપતી ગુજરાત હાઇકોર્ટ

તા. 14.10.2022: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક કેસમાં કરદાતા તરફે મહત્વનો ચુકાદો આપી અધિકારી દ્વારા કરદાતાને સુનાવણીની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ ત્રણ આકારણી આદેશ રદ્દ ઠરાવવામાં આવ્યા છે. કેસની વાત કરીએ તો કરદાતા પાણીના ફિલ્ટરના ઉત્પાદન કરતાં હતા. તેઓ સામે અધિકારી દ્વારા 2017 18, 2018 19 તથા 2019 20 માટેના આકારણી આદેશ તારીખ 19.04.2022 ના રોજ પસાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ આ વર્ષો માટે અધિકારી દ્વારા DRC 01 ની કારણ દર્શક નોટિસ કરદાતાને 13.03.2022 ના રોજ આપવામાં આવી  હતી. આ કારણદર્શક નોટિસ સામે કરદાતાએ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આકારણી અધિકારીએ ત્યારબાદ કરદાતાને કોઈ પણ સુનાવણીની તક આપ્યા વગર મોટી રકમનું માંગણું ઉપસ્થિત કરતા ત્રણ વર્ષ માટે ત્રણ આદેશ પસાર કરવામાં આવ્યા હતો. આ આદેશ સામે કરદાતાએ માનનીય ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા. કરદાતા તરફે ઉપસ્થિત વકીલ દ્વારા માનનીય ગુજરાત હાઇકોર્ટનો કેસ મે. અલકેમ લેબોરેટરીઝ લી. વી. યુનિયન ઓફ ઈન્ડિયા [2021(46) GSTL 113 (Guj) નો કેસ ટાંકી રજૂઆત કરવામાં આવી હતી કે સુનાવણીની તક આપ્યા સિવાય પસાર કરવામાં આવેલ આકારણી આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ કહેવાય અને આવો આદેશ ટકી શકે નહીં. જી.એસ.ટી. કાયદાની કલમ 74(4) તથા 74(5) મુજબ કરદાતા દ્વારા જ્યારે પણ શો કોઝ નોટિસ સામે વ્યક્તિગત સુનાવણીની માંગ કરવામાં આવે ત્યારે આ સુનાવણી આપવી ફરજિયાત છે. જો કે પ્રસ્તુત કેસમાં સુનાવણીની માંગણી કરદાતા દ્વારા કરવામાં આવી ના હતી. આમ છતાં કરદાતા વતી દલીલ કરવામાં આવી હતી કે આ સુનાવણીની માંગણી ના કરવાંમાં આવી હોય આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો ધ્યાને લઈ આ સુનાવણી માટે તક આપવી જરૂરી છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વતી ઉપસ્થિત વકીલ દ્વારા પણ આ બાબતનો તથા અલકેમ લેબોરેટરીના ચુકાદાનો સ્વીકાર કરી સ્વીકાર કર્યો હતો કે અધિકારી આજથી ત્રણ અઠવાડીયામાં કરદાતાને સુનાવણીની તક આપશે અને ત્યાર બાદ વિગતવાર આદેશ પસાર કરશે તેવી સહમતી આપી હતી. માનનીય હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે “કુદરતી ન્યાયના સિદ્ધાંતોની અવગણનાના કારણે અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ 19.04.2022 ના રોજના આદેશો આથી રદ કરવામાં આવે છે. અધિકારી કરદાતાને આજ થી ત્રણ અઠવાડીયામાં સુનાવણીની તક આપી, આ સુનાવણીથી બે અઠવાડીયામાં કાયદાની જોગવાઇઓ મુજબ આદેશ પસાર કરશે”. આ કેસના તથ્યો બાબતે કોર્ટ દ્વારા કોઈ અભિપ્રાય આપવામાં આવ્યો નથી તેવી પણ આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જી.એસ.ટી. હેઠળ કરદાતાને સુનાવણીની તક આપ્યા વગર ઘણા આદેશ પસાર કરી મસમોટી ડિમાન્ડ ઊભી કરવામાં આવતી હોય છે. આ તમામ કેસો માટે આ ચુકાદો મહત્વનો સાબિત થશે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!