કરદાતાઓને કોરોના કાળમાં ફરી રાહત: PAN-Aadhar લીક કરવાની મુદતમાં કરવામાં આવ્યો 31 માર્ચ 2022 સુધીનો વધારો
ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી આદેશ પસાર કરવાની મુદત તથા બેનામી પ્રોપર્ટીના આદેશ પસાર કરવા પણ અધિકારીઓને આપવામાં આવી વધુ મુદત
તા. 18.09.2021: ઇન્કમ ટેક્સ હેઠળ કોરોના મહામારીમાં કરદાતાઓ તથા અધિકારીઓને વધુ રાહતો આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ આ અંગે પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાઓ એ કરવાના થતાં PAN-Aadhar લિન્ક કરવાની મુદત જે 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થતી હોય તેમાં વધારો કરી 31 માર્ચ 2022 સુધી વધારો કરી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ આકારણી બાદ પસાર કરવાના થાતા પેનલ્ટી આદેશ (દંડના આદેશ) પસાર કરવાની મુદત જે 30 સપ્ટેમ્બર 2021 ના રોજ પૂર્ણ થતી હતી તેમાં પણ વધારો કરી 31 માર્ચ 2022 કરી આપવામાં આવી છે. પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આપવાની થતી નોટિસ તથા આદેશ પસાર કરવાની મુદતમાં પણ વધારો કરી 31 માર્ચ 2022 કરી આપવામાં આવી છે. આ અંગે જરૂરી નોટિફિકેશન પણ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ બહાર પાડી આપવામાં આવ્યા છે. PAN-Aadhar લિન્ક કરવામાં અનેક કરદાતાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ તમામ કરદાતાઓને આ મુદત વધારાથી પોતાના PAN-Aadhar માં યોગ્ય સુધારા કરી લિન્ક કરવા પૂરતો સમય હવે મળી રહેશે. આ ઉપરાંત પેનલ્ટી આદેશ માટે કરવામાં આવેલ વધારાથી ઇન્કમ ટેક્સ અધિકારીઓ ને તો રાહત થશે જ પરંતુ જે કરદાતા સામે આ કાર્યવાહી ચાલી રહી છે તેઓને પણ પોતાનો કેસની રજૂઆત કરવા પૂરતો સમય મળશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.