જી.એસ.ટી. કાયદા હેઠળ વેચનાર વેપારી વેરો ના ભારે તો ખરીદનાર બને વેરો ભરવા જવાબદાર!!! આ તે ક્યાં નો ન્યાય???

Spread the love
Reading Time: 4 minutes

By Bhavya Popat

જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ કરવામાં આવ્યો. નિષ્ણાંતો માને છે કે અમુક કાયદાકીય મુશ્કેલીના કારણે આ કાયદો પૂર્ણ તૈયારી કર્યા વગર લાગુ કરી દેવામાં આવ્યો હતો.  આ આ કાયદો લાગુ થયો છે ત્યારથી તેમાં અસંખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંગેના અસંખ્ય જાહેરનામા તથા પરીપત્રો માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ કાયદાની ઘણી જોગવાઇઓ ઉપર વેપાર જગત ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ અસંતુષ્ટ રહ્યા છે. આ કાયદાની જો સૌથી ખરાબ જોગવાઈ જેને માની શકાય તે છે વેચનારની ચૂકના કારણે ખરીદનારને જવાબદાર ઠેરવવાની જોગવાઈ.

શું છે આ જોગવાઈ?

જી.એસ.ટી. કાયદાની કલમ 16 માં ખરીદનારને પોતની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્યાં સંજોગોમાં મળી શકે તે અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઇઓ ની કલમ 16(2)(c) મુજબ ખરીદનારને પોતાના ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તો જ મળી શકે જો ખરીદનાર દ્વારા વેચનાર વેપારીને આપવામાં આવેલ વેરો વેચનારે સરકારમાં જમા કરવી આપેલ હોય.

“પાડાના વાંકે પખાલીને ડામ” આપવાની આ નીતિ ના કારણે થઈ રહ્યા છે અનેક વેપારીઓ પરેશાન

વેચનારને જ્યારે ખરીદનાર દ્વારા યોગ્ય ટેક્સની ચુકવણી વેચનારને કરી આપવામાં આવી હોય અને વેચનાર કોઈપણ કારણોસર તે ટેક્સની ભરપાઈ સરકારી તિજોરીમાં ના કરે ત્યારે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવી તે કઈ રીતે વ્યાજબી કહેવાય?? વેપાર વિશ્વ આજે જે ફલક ઉપર કામ કરી રહ્યું છે તેમાં ઘણીવાર (મોટા ભાગે એમ પણ કહી શકાય) ખરીદનાર જે વેપારી પાસેથી માલ ખરીદે છે તેના વિશે કોઈ વિશેષ માહિતી ધરાવતા હોય તે જરૂરી નથી. ખરીનાર વેપારી માટે યોગ્ય માલ યોગ્ય ભાવ પર મળે તે વધુ મહત્વનું છે. વેચનાર વેપારી જ્યારે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ધરાવે છે ત્યારે ખરીદનાર તેના વિશે વધુ ચકાસણી કરે તેવી આશા રાખવી વધુ પડતી ગણી શકાય. વેચનાર વેપારીને જી.એસ.ટી. નંબર સરકાર દ્વારા આપવામાં આવ્યો હોય છે. તેના વિશે ચકાસણી કે ખરાઈ કરવાની જવાબદારી તથા ફરજ પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટની હોવી જોઈએ.

સાથે મળી કરચોરી આંચરતા ખરીદનાર-વેચનાર માટેની જોગવાઈ બની રહી છે પ્રમાણિક વેપારી માટે મુશ્કેલીનું કારણ:

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરી એ સરકાર માટે સરદર્દ સમાન બની ગઈ છે. જે તે રાજ્ય કક્ષાએ વેટ કાયદા અમલમાં હતા ત્યારે પણ કરચોરી થતી હતી તેમાં કોઈ બે મત નથી પરંતુ જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી આ કરચોરીના પ્રમાણમા ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે તેવી માહિતી સતત સમાચાર મધ્યમોમાં વાંચવા સાંભળવા મળી રહી છે. આ કરચોરી વધવાનું કારણ કાયદા-નિયમોમાં રહેલી તૃટીઓ પણ હોય શકે છે તથા જી.એસ.ટી. સંચાલનની સિસ્ટમ પણ હોય શકે છે. સામાન્ય રીતે કરચોરી આચારનાર વેપારીઓ સાંકળ બનાવી કરચોરીના કૌભાંડ આચારતા હોય છે. આ સાંકળમાં વેચનાર ખરીદનારને માલ વેચાણ કરે ખરીદનાર આ માલ પરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ લે પરંતુ વેચનાર વેપારી પોતે ખરીદનાર પાસેથી ઉઘરવેલ ટેક્સ સરકારને ના ચૂંકવે તેવી “મોડસ ઓપરેનડી” કરી કૌભાંડ આચારતા હોય છે. આ પ્રકારે કરચોરી માટે સાંકળ બનાવી કૌભાંડ કરતાં વેપારીઓ ઉપર કડક કાર્યવાહી થાય તે અંગે કોઈ બે મત નથી. પરંતુ આ પ્રકારના કૌભાંડીયા વેપારી માટે બનાવવામાં આવેલ નિયમ જો પ્રમાણિક વેપારી ઉપર લાગુ કરવામાં આવે તો ચોક્કસ અન્યાય ગણાય અને “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” માટે અવરોધકર્તા ગણાય.

કાયદામાં શું ફેરફારો કરવા છે જરૂરી???

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ને પોતાના રણનીતિનો એક ખાસ ભાગ બનાવ્યો છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ના કાર્યકાળની વાત કરીએ કે પ્રધાનમંત્રીએ તરીકે ના તેમના કાર્યકાળની, તેઓની ગણના એક “બિઝનેસ ફ્રેંડલી” નેતા તરીકે થાય છે. જી.એસ.ટી. એ બિઝનેસ માટે સૌથી મહત્વનું પરિબળ ગણી શકાય. કરચોરી રોકવી ચોક્કસ જરૂરી છે પણ આવા અતાર્કિક નિયમોના કારણે જી.એસ.ટી. નહીં પરંતુ ધંધા-રોજગાર ઉપર રોક લાગી રહી હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. આ મુશ્કેલી નિવારવા આ નિયમને સમતુલિત કરવો જરૂરી છે. આ નિયમમાં માત્ર એટલો ફેરફાર કરવો જરૂરી છે કે આ પ્રકારે વેચનાર જ્યારે ટેક્સ ભરવામાં ચૂંક કરે ત્યારે ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર તો જ નામંજૂર થઈ શકે જો જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરચોરીના કિસ્સામાં ખરીદનારની સામેલ હોવાના પૂરતા કે પ્રાથમિક પુરાવા મળ્યા હોય. આમ, આ નિયમમાં આ પ્રમાણે ફેરફાર થાય તો કરચોરો ને પકડવા આ નિયમ ઉપયોગી રહેશે જ પરંતુ પ્રમાણિક વેપારીઓ ઉપર નાહકનો વેરા બોજ પણ નહીં વધે.

શેખચીલ્લીના વિચારો ઉપરથી પાછા ફરીએ જમીની સ્તરે!!

ઉપર જેમ જણાવેલ છે તેમ વેપાર જગતના હિતમાં કાયદામાં સુધારો કરવો જરૂરી છે. પરંતુ હાલ જે પ્રમાણે કાયદામાં સુધારાઓ થઈ રહ્યા છે તે જોતાં ઉપર સૂચવવામાં આવેલ સુધારો થવો કે તે અંગે વિચાર પણ કરવો શેખચિલ્લીનો વિચાર ગણી શકાય. જમીની સ્તરે વેપારીઓ માટે આ પ્રકારની મુશ્કેલી ના આવે તેનાથી બચવા શું કરવું જરૂરી છે તે અંગે વાત કરીએ. હાલ જરૂરી છે કે પોતાનો વેચનાર પોતાના જી.એસ.ટી.આર. 1 માં એટ્લે કે વેચાણ અંગેના રજીસ્ટરમાં ખરીદનારની ખરીદી દર્શાવે તે ચકાસણી કરી ત્યારે બાદ જ ખરીદનાર દ્વારા વેચનારને ટેક્સની ચુકવણી કરવામાં આવે તે જરૂરી છે. આ સિવાય હાલની તકે કોઈ અન્ય વિકલ્પ ખરીદનાર પાસે રહેલ નથી.

શું ખરીદનારના 2A માં જે ખરીદી ના દર્શાવેલ હોય તેની ના મળી શકે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ??

હાલ અનેક વેપારીઓને GSTR 2A મે વેચનાર દ્વારા જે તે ખરીદનારને કરવામાં આવેલ વેચાણ ના દર્શાવવાના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી નોટિસ મળ્યાના સમાચાર મળી રહ્યા છે. આ GSTR 2A એવું ફોર્મ છે જે વેચનાર દ્વારા ભરવામાં આવેલ GSTR 1 ઉપરથી ખરીદનારની ખરીદીની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. જી.એસ.ટી. નિયમોના નિયમ 36(4) હેઠળ GSTR 2A માં દર્શાવતી હોય તેટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જ ખરીદનારને મળતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો વેચનાર દ્વારા પોતાના GSTR 1 માં ના દર્શાવવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળે તેવી સામાન્ય માન્યતા રહેલી છે. એક ટેક્સ એડવોકેટ તરીકે મારો અંગત મત આ માન્યતાથી અલગ છે. મારા મત મુજબ ખરીદનાર દ્વારા કરવામાં આવેલ ખરીદીઓ ઉપર તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે જે જી.એસ.ટી. કાયદાની કલમ 16 હેઠળની શરતો પૂર્ણ કરતી હોય અને જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 17 હેઠળ બ્લોક ક્રેડિટ ના હોય તેની ક્રેડિટ મળે. જી.એસ.ટી.આર. 2A માં ના દર્શાવતી હોય છતાં પણ આવી ક્રેડિટ ખરીદનારને મળી શકે છે. આકારણીમાં આ બાબતે થોડા પ્રશ્નો જરૂર આવી શકે છે પરંતુ મારા માટે GSTR 2A માં ના દર્શાવતી હોય તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જતી કરવી એના કરતાં તે બાબતે લડત કરવી વધુ આગ્રહભર્યું ગણાય. જો કે સપ્ટેમ્બર મહિનાના રિટર્ન સુધી GSTR 1 માં વેચનાર સુધારા વધારા કરી શકતા હોય, વેચનારનું ધ્યાન આ બાબતે દોરી શક્ય હોય ત્યાં સુધી આ સુધારા કે વધારા વેચનાર પાસે કરાવી લેવા સલામત ગણી શકાય. આ મુદ્દા ઉપર માનનીય મદ્રાસ હાઇકોર્ટનો D Y Bethel Enterprise ના ચુકાદામાં આ પ્રમાણે  સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે.

વેચનાર દ્વારા વેરો ભરવામાં થયેલ ચૂક ના કારણે કે પોતાના રિટર્ન ભરવામાં થયેલ ચૂક ના કારણે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવાની પદ્ધતિ સંપૂર્ણ પણે અતાર્કિક અને કુદરતી ન્યાયના સિદ્ધત વિરુદ્ધ ગણી શકાય. આ મુદાઓ ઉપર વિવિધ હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 11.10.2021 ના રોજ પ્રકાશિત થયો છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!