સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th August 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
1. અમારા બે અસીલ જી.એસ.ટી. નંબર ધરાવતા હતા. તેઓનો નોંધણી દાખલો રદ કરવા અંગે આદેશ કરવામાં આવેલ છે. એક આદેશ તારીખ 10.03.2020 ના રોજ થયેલ છે અને અન્ય આદેશ 01.10.2020 ના રોજ થયેલ છે. આ બન્ને કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વધારાની મુદતનો જે લાભ આપવામાં આવ્યો છે તે અપીલ તબક્કે મળી શકે?
જવાબ: હા, અમારા મત પ્રમાણે આ બન્ને આદેશ સામેના અપીલની મુદત સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સમય મર્યાદામાં પડતી હોય અપીલમાં વધારાની મુદતનો લાભ મળે. આ બાબતે CBIC દ્વારા બહાર પાડવામાં આવેલ સર્ક્યુલર 157/2021, તા. 20 જુલાઇ 2021 જોઈ જવા વિનંતી.
2. અમારા અસીલ ABC Ltd એ ગુજરાતમાં જી.એસ.ટી. નોંધણી ધરાવે છે. તેઓને મધ્ય પ્રદેશમાં એક્સ્પ્રેસ હાઇ-વે બનાવવાનો કોન્ટ્રાક્ટ મળે છે. તેઓ જ્યારે NHAI ને બિલ આપે ત્યારે તેમની જવાબદારી CGST+SGST ગુજરાત માં આવે કે અન્ય જવાબદારી આવે?
જવાબ: અમારા મતે આ કિસ્સામાં IGST કાયદાની કલમ 12(3)(a) મુજબ પ્લેસ ઓફ સપ્લાય એ જે તે રાજ્ય જ્યાં રોડ બની રહ્યો હોય તે (મધ્ય પ્રદેશ) ગણાય અને IGST ભરવાની જવાબદારી આવે. મધ્ય પ્રદેશમાં જી.એસ.ટી. નંબર લેવાનો વિકલ્પ પણ લઈ શકાય. આ વિકલ્પ લેવામાં આવે તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં વધુ અનુકૂળતા રહે.
3. અમારા અસીલ ABC Ltd કે જેઓ ગુજરાત રાજ્યમાં નોંધાયેલ હોય અને મધ્ય પ્રદેશમાં હાઇ-વે માટે કામ મળેલ હોય ત્યારે જો XYZ ltd ને સબ કોન્ટ્રાક્ટ કરે તો આવા કિસ્સામાં XYZ લી. ગુજરાતમાં CGST+SGST ભરવા જવાબદાર બને કે અન્ય કોઈ જવાબદારી ઊભી થાય?
જવાબ: સબકોન્ટ્રાક્ટ ઉપર પણ ઉપરના પ્રશ્ન 3 માં જણાવ્યા સંજોગો મુજબ મેઇન કોન્ટ્રાકટર જેટલા જ દરે એટ્લે કે 12% લેખે IGST ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
4. અમે સાડી-પટોળાં બનાવવાની કામગીરી કરીએ છીએ. આ પટોળાં બનાવવામાં રેશમ યાર્નની ખરીદી કરીએ છીએ જેનો HSN કોડ 5002 છે. અમારા દ્વારા ઉત્પાદિત પટોળાંનું વેચાણ કેટલા દરે કરપાત્ર બને અને ક્યો HSN લાગુ પડે તે જણાવવા નમ્ર વિનંતી. વાઘેલાભાઈ લીમડી
જવાબ: અમારા મતે આ સાડી-પટોળાં એ HSN 5008 હેઠળ પડે અને 5% લેખે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે.
5. અમારા અસીલ QRMP હેઠળ ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર છે. મે 2021 માં તેઓને મંથલી પેમેન્ટ કરવાની જવાબદારી હતી. જે તેમણે ભરી આપી હતી. હવે ત્રિમાસિક રિટર્નમાં કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. હવે આ મે મહિનામાં ભરેલ રકમનું શું કરવાનું રહે? શું આ રકમ કેરી ફોરવર્ડ કરવાની રહે કે ત્રિમાસિક રિટર્નમાં એટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડી આ રકમ સરભર કરવી પડે? ધર્મેશ જરીવાલા, એડવોકેટ
જવાબ: QRMP સ્કીમમાં ત્રિમાસ દરમ્યાન કોઈ રકમ ભરવામાં આવી હોય અને તે રકમ જે તે ત્રિમાસિક રિટર્નમાં સેટ ઓફ ના થયેલ હોય તો કેશ લેજરમાં આગળ ખેચવાની રહે તેવો અમારો મત છે. આ ઉપરાંત સર્ક્યુલર 26/2017 હેઠળ તેઓ ધારે તો રિફંડ મતે અરજી પણ કરી શકે. સામાન્ય સંજોગોમાં ક્રેડિટ આગળ ખેચવાનો વિકલ્પ વધુ સારો રહે તેવો અમારો મત છે.
6. અમારા અસીલ ગુજરાતમાં નોંધાયેલ વેપારી છે. તેઓ તેમના ગ્રાહકને જે વેચાણ કરે છે તે મહારાષ્ટ્રમાં નોંધાયેલ છે. પરંતુ તેમના ખરીદનારને આ ડિલિવરી ગુજરાતમાં જ લેવાની થાય છે. આ વ્યવહાર ઉપર IGST ઉઘરાવવાનો થાય કે CGST+SGST ઉઘરાવવાની જવાબદારી આવે? હિત લિંબાણી
જવાબ: આ પ્રકારના વ્યવહારો બિલ ટુ શીપ ટુ વ્યવહારો ગણાય. અમારા મતે આ વ્યવહારોમાં IGST ઉઘરાવવાની જવાબદારી આવે.
7. WAGO પ્રા. લી. ના કિસ્સામાં ગુજરાત AAR માં ઠરાવવામાં આવ્યું છે કે Air Conditioner એ બ્લોક ક્રેડિટમાં આવે અને તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. આ AAR ની અસર દરેક કરદાતા ઉપર પડે? આ અંગે તમારો અભિપ્રાય જણાવશો. આ અંગે કોઈ અન્ય ચુકાદા હોય તો પણ જણાવશો. CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: કોઈ પણ AAR ની સામાન્ય રીતે જે તે અરજી કરનાર કરદાતા તથા ડિપાર્ટમેંટ ઉપર લાગુ પડે. પરંતુ અન્ય કરદાતાના કેસની આકારણી કરવા સમયે ડિપાર્ટમેંટ કરદાતા વિરુદ્ધના AAR નો રેફરન્સ લેતા હોય છે. Wego પ્રા. લી. ના કેસમાં વેંટીલેશન સિસ્ટમ એક વર્ક કોન્ટ્રાક્ટના ભાગ રૂપે બેસાડવામાં આવી હતી અને આ મતે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટને બ્લોક ક્રેડિટમાં ગણવામાં આવી છે. આ AAR નો અભ્યાસ કરી ટેક્સ કન્સલ્ટન્ટ પોતાના અસીલને યોગ્ય સલાહ આપે તે જરૂરી છે.
8. અમારા અસીલ ફ્રાઈમ્સ બનાવી તેનું વેચાણ કરે છે. તેઓ આ વેચાણના બેગ ઉપર તેમનું સિમ્બોલ (logo) લગાડે છે. આ સિમ્બોલ રજિસ્ટર્ડ નથી. આ પ્રકારે ફ્રાઈમ્સનું વેચાણ થાય તેના ઉપર કેટલા ટકાના દરે વેરો લાગે તે જણાવવા વિનંતી. રાજેશ ચામડિયા, દૂધરેજ
જવાબ: અનરજીસ્ટર્ડ લોગો અંગે એક્ષનેબલ ક્લેમના હક્કો જતાં કરવા અંગે એડિફેવિટ કરવામાં આવેલ હોય તો અમારા મતે આ ફ્રાઈમ્સ, પાપડ ગણાય અને તેના ઉપર NIL રેટ લાગુ પડે તેવો અમારો મત છે. આ અંગે ગુજરાત AAR નો નિર્ણય કરદાતા વિરુદ્ધ છે પરંતુ કર્ણાટક હાઇકોર્ટ દ્વારા “વસવામ્બા સ્ટોર્સ (2010) 60 VST 19 (Karn) માં કરદાતાની તરફેણમાં ચૂડદો આપતા તેને પાપડ તરીકે સરખાવેલ છે. આ બાબતે તકરાર થવાની સંભાવના રહેલી છે તે અંગે અસીલનું ખાસ ધ્યાન દોરવું જરૂરી છે.
9. અમારા અસીલ કેમિકલના બિઝનેસ સાથે સલગ્ન છે. તેઓ પોતાના નામે ટ્રાન્સપોર્ટ ટ્રક પણ ધરાવે છે જે ટ્રક દ્વારા તેઓ પોતાના ધંધાને લગતા માલ સમાનની ડિલિવરી પણ કરે છે. જ્યારે આ ટ્રક ફ્રી હોય ત્યારે તેઓ અન્ય ધંધા માટે ઉપયોગ માટે આપે છે અને ભાડું વસૂલ કરે છે. અમારો પ્રશ્ન એ છે કે શું તેઓ પોતાના નોંધણી દાખલામાં જી.ટી.એ તરીકે નોંધણી કરવવી જરૂરી છે? ક્યારેક અમારા અસીલના ફ્રેઇટ ચૂકવતા ગ્રાહકો પોતે RCM ભરવા જવાબદાર હોવાથી વેરો તેઓ ભરશે તેવું જણાવે છે અને અમારા અસીલ એ સિવાયના કિસ્સામાં 12% લેખે જી.એસ.ટી. ઉઘરાવે છે. શું આ વ્યવહાર બરોબર ગણાય? રાકેશ ત્રિવેદી, ટેક્સ કન્સલ્ટન્ટ, વાપી
જવાબ: આ કિસ્સામાં RCM અને FCM બન્નેનો ઉપયોગ કોઈ એક નાણાકીય વર્ષમાં કરી શકાય નહી તે બાબત ધ્યાને રાખવી જરૂરી છે. અમારા મતે ભવિષ્યમાં તકરાર નિવારવા તમારા અસિલે આ ટ્રકના ફ્રેઇટ બાબતે બીલ્ટ્રી આપવી જોઈએ અને તમામ “રેસિપીયંટ” RCM થી GST ભરે તેવું આયોજન કરવું જોઈએ.
10. હું સોફ્ટવેર એન્જીનીર છુ અને મારુ મેન વર્ક સોફ્ટવેર ડેવેલોપ કરવાનું અને મેઇન્ટેનન્સ નું છુ હવે મારે જે સોફ્ટવેર ડેવેલોપીંગ અને મેઇન્ટેનન્સ ની આવક થાય છે તે આવક ડાયરેક્ટ મારા ઇન્ડિયન બેંક ખાતા માં અમેરિકા થી જમા થાય છે તો આ આવક 20 લાખ થી વધી જાય તો મારે GST લેવો પડે sac code શું આવે અને મારે સર્વિસ બિલ બનાવવું પડે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. નીરવ સી. દેત્રોજા, સૉફ્ટવેર એંજિનીયર, અમદાવાદ
જવાબ: આપના દ્વારા આપવાની સેવા એક્સપોર્ટ ઓફ સર્વિસ ગણાય. આપનું ટર્નઓવર 20 લાખથી વધુ થતું હોય તો જી.એસ.ટી. નંબર લેવો પડે અને HSN 998314 લાગુ પડે તેવો અમારો મત છે.
11. અમારા અસીલ ના બધા સાધનિક કાગળો GST નંબર લેવા માટે પૂરતા હોવા છતાં બીજા વૈકલ્પિક કાગળો ની માગણી કરવામાં આવે છે અને અરજી રદ કરવામાં આવે છે તો આ માટે કાયદામાં અપીલ કે અધિકારી વિરુદ્ધ મનસ્વી વલણ રાખવા બદલ ફરિયાદ ની કોઈ જોગવાઈ છે? CA કલ્પેશ પટેલ
જવાબ: હા, આ બાબતે જો કાયદા તથા નિયમો વિરુદ્ધ કોઈ કાગળો/દસ્તાવેજ માંગવામાં આવતા હોય ત્યારે આપ કમિશ્નરને ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત CPGRAM ઉપર પણ ફરિયાદ કરી શકો છો.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.