ટેક્સ ટુડેમાં “ઝરા હટ કે” માં વાંચો સામાન્ય પરિવારનું અસમાન્ય જીવન:
લેખક: કૌશલ પારેખ, દીવ
2023નું નવું વર્ષ આપસહુ વાચકવર્ગ માટે ખૂબ સફળ અને લાભદાયી રહે એવા શુભઆશિષ સાથે વર્ષની શરૂઆતનો મારો પ્રથમ લેખ પણ એક પોસિટિવ સ્ટોરી સાથે કરવો છે, એટ્લે જ આજે આપ સમક્ષ એક ખુબજ પ્રતિભાશાળી વ્યક્તિવ વિશેની વાત લઈને આવ્યો છું, એમનુ નામ ભાવિશા સુરેશ જેઠવા છે. હું હાલ દીવ ખાતે એક બુક ક્લબનું સંચાલન કરું છું અને આજ બુક ક્લબ થકી મારી તેમની સાથે ઓળખાણ થઈ. પહેલેથી જ હિન્દી વિષય ઉપર તેમનું પ્રભુત્વ એટલેજ બુક ક્લબના કાર્યક્રમોમાં મે તેમણે લખેલી કવિતાઓ ઘણીવાર સાંભળી હતી. સ્વભાવે એકદમ મિલનસાર હોવાથી ઘણીવાર મારે તેમના ઘરે મળવાનું પણ થતું. હાલ, ભાવિશાબેન એ ગુજરાત યુનિવર્સિટીમાં MA ના ફાઇનલ યરમાં બે ગોલ્ડ મેડલ જીતીને પોતાના પરિવાર અને દીવનું નામ રોશન કર્યું છે. ગુજરાતના રાજયપાલ અને મુખ્ય પ્રધાનની હાજરીમાં તેઓનું અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. મિત્રો, ભાવેશબેનને મેડલ મળ્યું એ વાત ભલે સામાન્ય હોય પરંતુ જે પરિસ્થિતી વચ્ચે તેમણે આ સિદ્ધિ હાંસિલ કરી એ અસામાન્ય છે.
એક ખુબજ આર્થિક રીતે નબળા પરિવારમાં એમનો જન્મ થયો. એમના પપ્પા દિવના એક ફિશરમેન વિસ્તારમાં રેકડી ઉપર કટલેરી વહેંચતા. ઘરમાં એક નાનો ભાઈ સ્મિત હતો જેના સ્મિત થકી આખો પરિવાર દિનભરનો થાક ભૂલી જતો. સ્મિત અને ભાવિશાબેન વચ્ચે ખૂબજ લાગણીભર્યો સંબંધ બંધાયો અને અચાનક બેનના જન્મદિને અચાનક સ્મિતની તબિયત ખરાબ થતાં તેનું ખૂબ નાની વયે અવસાન થાય છે. ત્યારબાદ એમના મમ્મી અને પપ્પાને ઊંડો આઘાત લાગતાં તેમના પિતા કામ પર જવાનું છોડી દઈ છે. ઘણા દિવસોના અંતે ભાવિશાબેન તેમના પિતાને હીંમત આપી તેમની સાથે કટલેરીની રેકડીએ જવાનું શરૂ કરે છે. પોતાના પિતા સાથે ખભેથી ખભો મેળવીને પોતાનું ભણતર પણ ચાલુ રાખે છે. પહેલા ધોરણથી પ્રથમ ક્રમ લાવનાર ભાવિશાબેનનો સ્કૂલના શિક્ષકો સાથે આદરભાવ હોવાથી તેમના માર્ગદર્શન અને તેમની માતા અને પિતાના સહકારના લીધે તેઓ પોતાનું ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખે છે.
હાલ, એમના પપ્પા સુરેશભાઇ દીવ બ્લૂ ફ્લેગ બીચની સંભાળ રાખનાર એક કંપનીમાં સુપરવાઈસરની સામાન્ય નોકરી કરે છે અને ઘણી ઓછી આવકમાં પોતાની ઘરગ્રહસથી ચલાવે છે. માતા રાજેશ્રીબેન ઘરે ભગવાનના વાઘા સીવવાની સાથે નાનું મોટું દરજી કામ કરીને થોડી આવક રળી લે છે. એક સમયે પોતાની દીકરીનો અભ્યાસ છોડાવી દેવાની પહેલ કરનાર પરિવારના વડીલની વાતથી નારાજ થઈ અને પોતાનું અલગ ઘર માંડનાર સુરેશભાઇ ખૂબ ઓછા પગારે ભાડાના ઘર અને પ્રાઈવેટ નોકરી (કે જેમાં એક દિવસની રજા મૂકો તો દિવસનો પગાર કાપી નાખે) એવા સંજોગોમાં પણ પોતાની પુત્રીના અભ્યાસ માટે ક્યારેય પણ પૈસા ખર્ચવાની કંજૂસી નથી કરી ! જ્યારે 21મી સદીમાં સરકારે “બેટી પઢાઓ બેટી બચાઓ” ની જાહેરાતો કરવી પડતી હોય ત્યારે સુરેશભાઇ આ વાતને પૂરું સમર્થન કરતાં હોય એમ દીકરીના ભણતર પેટે પોતાની જાતને વેંઢી નાખે છે. અતિ મોંઘવારી અને ઊંચા મકાન ભાડામાં કોઈપણ પ્રકારના આર્થિક સહયોગ વગર આ પરિવાર દિવસમાં એક ટંક ભોજન જમે છે, એમ છતાં પણ દીકરીનો અભ્યાસ છોડાવી દેવાનો વિચાર સુદ્ધાં તેઓએ નથી કર્યો. ભાવિશાબેન ના શબ્દોમાં કહું તો “સુરેશભાઇ પૂરો દિવસ તડકે રહીને પોતાની ચામડી બાળી દીધી છે છતાંપણ પરિક્ષાની તૈયારીના સમયે રાત્રે 3 વાગે પણ દીકરીને ચા બનાવીને પીવડાવે છે. પોતાની માતાએ આખી રાત ઉજાગરા કરીને તેમને જરૂરી વિષયોનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે”. ભાવિશાબેનને કવિતા રચવાનો ખૂબ શોખ હોય તેઓ કવિતા લેખનમાં “ભાવિસ્મિત” ના ઉપનામથી ઓળખવા માંગે છે.
પોતે મેળવેલ ગોલ્ડમેડલના સહી હકદાર તેમના માતા-પિતા છે એવું ભાવિશાબેન નું માનવું છે અને પોતાને નોકરી પ્રાપ્ત થતાં સર્વે પ્રથમ તેમના પિતાને નોકરી માંથી છૂટા કરીને તેમને ગમે એવો ધંધો શરૂ કરાવી આપવાનું સપનું છે. ભાવિશાબેન અને એમના માતા-પિતા સમાજ માટે એક સુંદર ઉદાહરણ છે કે જો આપણી પાસે લક્ષ્ય હોય તો કોઈપણ કિમતે આપણે ત્યાં સુધી પહોચી શકાય છે. ગમે તેટલી નબળી પરિસ્થિતી વચ્ચે ભણતરનો ભોગ આપીને બાળકો નોકરીએ જોંતરી દેવાને બદલે પેટે પાટા બાંધીને પણ તેમને ભણાવી શકાય છે.
આમાં બીજો બોધપાઠ બાળકો માટે છે પણ છે કેવાં કપરા સંજોગો વચ્ચે માતા-પિતા પોતાના બાળકોનો ઉછેર કરે છે તો દરેક સંતાનોએ પણ શ્રવણ બની માતા-પિતાનું ઋણ શક્ય રીતે પૂર્ણ કરવું જોઈએ.
- લેખક દીવ ખાતે એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને દીવના જાણીતા બુક ક્લબના સ્થાપક છે. તેઓનો સંપર્ક 9624797422 ઉપર કરી શકાય છે.