હવે તો….જિ.એસ.ટી. આકરણી નું ભાવી એટલે કલમ ૧૬૮-એ ની ચાવી!

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

By Bhargav Ganatra, Advocate, Rajkot

★ શું છે કલમ ૧૬૮-એ ? :-

જિ.એસ.ટી. કાયદાની કલમ ૧૬૮-એ અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં સરકાર શ્રી ને કાયદા હેઠળ નકકી કરાયેલી સમયમયૉદા વધારવા માટે નો અધિકાર આપે છે. જો કે , આ માટે અહી “ફોસૅ મેજર” એટલે કે કુદરતી આપતી નું હોવું ખુબ જ જરુરી છે.વધુમાં , કલમ ૧૬૮-એ મુજબ “ફોસૅ મેજર” એટલે કે યુદ્ધ, રોગચાળો, પૂર, દુષ્કાળ, આગ, ચક્રવાત, ધરતીકંપ અથવા કુદરત દ્વારા અથવા અન્ય કોઈ આફત કે જે કાયદાના અમલીકરણ ને અસર કરતું હોય.

★શું છે કલમ ૭૩ અને કલમ ૪૪ ?:-

જિ.એસ.ટી. કાયદાની કલમ ૪૪ એ વાર્ષિક પત્રક ની ચચૉ કરે છે. આ મુજબ કોઈ પણ નાણાકીય વષૅ નું વાર્ષિક પત્રક એ તે વષૅ પુરા થયા પછી ના વષૅ ની ૩૧ ડિસેમ્બર પહેલા ભરવાનું થતું હોય છે. ઉદાહરણ તરીકે…નાણાકીય વષૅ ૨૦૨૨-૨૩ ના પત્રક ની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ થાય.

વધુમાં, જિ.એસ.ટી. કાયદાની કલમ ૭૩ એ બિન છેતરપીંડી કિસ્સાઓમાં આકરણી માટે અધિકાર આપતી કલમ છે. જો કે, આ માટે કલમ ૭૩(૯) અને ૭૩(૧૦) હેઠળ એ એક સમય મયૉદા નકકી કરાયેલી છે.

ઉદાહરણ તરીકે, નાણાકીય વષૅ ૨૦૨૨-૨૩ ના વાર્ષિક પત્રક ની છેલ્લી તારીખ એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ છે. તો નાણાકીય વષૅ ૨૦૨૨-૨૩ ના કલમ ૭૩ હેઠળ ની આકરણી માટે આ આકરણી નો આડૅર એ વાર્ષિક પત્રકની તારીખ થી ત્રણ વષૅ પહેલાં એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી પસાર કરી દીધેલો હોવો જોઈએ. તદુપરાંત, નાણાકીય વષૅ ૨૦૨૨-૨૩ ની કલમ ૭૩ હેઠળ ની નોટિસ એ કરદાતા ને કલમ ૭૩ હેઠળ ના ઓડૅરની તારીખ થી ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી આપી દીધેલ હોવી જોઈએ.

★શું છે કલમ ૧૬૮-એ હેઠળનો વિવાદ- વિખવાદ:-

સૌ પ્રથમ,જો ઉપર મુજબ નાણાકીય વષૅ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળની આકરણની ઓડૅર ની અંતિમ તારીખ જોઈએ તો તે અનુક્રમે ૦૫.૦૨.૨૩/૦૭.૦૨.૨૩ , ૩૧.૧૨.૨૩, ૩૧.૦૩.૨૪ હતી. અહીં એ નોંધવું ખુબ જરુરી છે કે નાણાકીય વષૅ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે જિ.એસ.ટી. કાયદો નવો હોવાથી આ વષૅ માટે ની વાર્ષિક પત્રક ની છેલ્લી તારીખો માટે રાહત અપાઈ હતી અને પરિણામે કલમ ૭૩ હેઠળ પણ આકરણી માટેનો સમય આપમેળે લંબાયેલો હતો.

પરંતુ, જિ.એસ.ટી. કાયદાની કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને તા. ૦૫ જુલાઈ ૨૦૨૨ ના રોજ નોટિફિકેશન નંબર.૧૩/૨૦૨૨ મારફતે નાણાકીય વષૅ ૨૦૧૭-૧૮ માટે કલમ ૭૩ હેઠળ ના આકરણી ના ઓડૅર ની છેલ્લી તારીખ ને એટલે કે ૦૫.૦૨.૨૩/ ૦૭.૦૨.૨૩ થી ૩૦.૦૯.૨૦૨૩ સુધી લંબાવવામાં આવી.

ત્યારબાદ, ફરી પાછી કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને તા. ૩૧ માચૅ ૨૦૨૩ ના રોજ નોટિફિકેશન નંબર ૦૯/૨૦૨૩ મારફતે આ તારીખો ને ફરી વધારવામાં આવી છે. જો આ નોટિફિકેશન મુજબ જોઈએ તો નાણાકીય વષૅ ૨૦૧૭-૧૮ , ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળના આકરણી ના ઓડૅર એ અનુક્રમે ૩૧.૧૨.૨૩ , ૩૧.૦૩.૨૪ તથા ૩૦.૦૬.૨૪ પહેલાં કરી શકાશે.

તો આવામાં અહીં વિવાદ- વિખવાદ એ છે કે જે કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને જે નોટિફિકેશન નંબર ૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવ્યું છે તેની કાનુની વૈધિકતા કેટલી ? કેમ કે , અહીં આપણે ઉપર જોયું તેમ કલમ ૧૬૮-એ નો ઉપયોગ “ફોસૅ મેજર” ની પરિસ્થિતિમાં જ કરી શકાય. તો અહીં એ નોંધવું ખુબ અગત્યનું બની રહે કે તા. ૩૧ માચૅ ૨૦૨૩ ના રોજ કોરોના નું પણ કોઈ અસ્તિત્વ હતું નહી કે આ કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને કલમ ૭૩ હેઠળના આકરણી ની તારીખોને પાછી ખેચી શકાય.

★હવે કરદાતાઓ નામદાર કોટૅના શરણે:-

હાલમાં , આ નોટિફિકેશન નંબર ૦૯/૨૦૨૩ ની કાનુની વૈધતાને મુખ્યત્વે નામદાર ગુજરાત હાઈકોટૅ તથા નામદાર અલ્હાબાદ હાઈકોટૅ સમક્ષ પડકારવામાં આવી છે. જો કે , આ માટે નો અંતિમ ચુકાદો હજું આવવાનો બાકી છે. પરંતુ , હાલ પુરતું , આ નોટિફિકેશન ની કાનુની વૈધતા ને પડકારનાર અરજકતૉ માટે નામદાર ગુજરાત હાઈકોટૅ તથા નામદાર અલ્હાબાદ હાઈકોટૅ એ ડીપાટૅમેન્ટ ને વચગાળાનો આદેશ આપીને કલમ ૭૩ હેઠળ નો ઓડૅર ના જારી કરવા માટે આદેશ કરેલો છે.

★શું છે અરજકતૉ તરફની મજબુત દલીલો :-

અહીં , આ માટે એક અરજકતૉ ના વકીલ શ્રી એ નામદાર ગુજરાત હાઈકોટૅ ની અંદર ધારદાર દલીલ કરતાં જણાવ્યું હતું કે કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને સૌ પ્રથમ નાણાકીય વષૅ ૨૦૧૭-૧૮ માટે સરકાર શ્રી એ તા.૦૫.૦૭.૨૦૨૨ ના રોજ નોટિફિકેશન નંબર ૧૩/૨૦૨૨ મારફતે કલમ ૭૩ હેઠળ ની આકરણી ની તારીખ ને લંબાવેલી છે. તો આવામાં ફરી, કલમ ૧૬૮-એ નો ઉપયોગ કરીને તા.૩૧.૦૩.૨૩ ના રોજ આ માટેનું તારીખ વધારતું નોટિફિકેશન કેવી રીતે બહાર પાડી શકાય ? અલબત, અહીં એ વસ્તુ ખુબ જ સપષ્ટ છે કે માચૅ ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન કોઈ જ કોરોના ની પરિસ્થિતિઓ સજૉયેલી ના હતી.

★શું છે સરકાર શ્રી તરફની દલીલો :-

અહીં , આ માટે સરકાર શ્રી ના વકીલે જણાવ્યું હતું કે ભુતકાળ ના સમય મા આવેલી કોરોનાની પરિસ્થિતિઓના નિમૉણ ને લીધે આ તારીખો લંબાવેલી છે. જો કે , અહીં એ નોંધવુ ખુબ જરુરી છે કે નોટિફિકેશન નંબર ૦૯/૨૦૨૩ એ કલમ ૧૬૮-એ ના કયા સંજોગો હેઠળ આ તારીખ વધારવાની સતા આપી રહ્યું છે તે બાબતે મૌન છે.

★તકલીફો અને અશ્કયતાઓ વચ્ચે છે ભેદ :-

આમ, આપણે ઉપર નોંધ કરી તેમ કે સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલી આ રાહત એ માત્ર અધિકારી નો આકરણીની પ્રક્રિયામાં પડતી તકલીફો ના આધાર ઉપર આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.પરંતુ, અહી અલબત એ નોંધ કરવી ખુબ જરુરી છે કે “ફોસૅ મેજર” નો ઉપયોગ એ એવી પરિસ્થિતિઓમાં જ થવો જોઈએ જયાં અશ્કયતાઓ રહેલી હોય.

★ સુપ્રિમ ચુકાદો બની શકે છે સુપ્રિમ બચાવ :-

આમ, અહીં જોયું તેમ સરકાર શ્રી માટે કલમ ૧૬૮-એ હેઠળ નો ઉપયોગ કરીને નોટિફિકેશન નં.૦૯/૨૦૨૩ ની કાનુની વૈધતાને બચાવવી એ ખુબ જ અધરુ બની ગયું છે. તો આવામાં , સરકાર શ્રી માટે વષૅ ૨૦૨૨ નો નામદાર સુપ્રિમ કોટૅનો આશિશ અગ્રવાલ ના કેસનો આયકરની કલમ ૧૪૮ ની નોટિસ માટેનો અપાયેલો ચુકાદો એ મજબુત આધાર રાખી શકે છે. આ ચુકાદા માં આયકરની કલમ ૧૪૮ હેઠળ ની નોટિસોની સમયમયૉદા વધારવામાં આવી હતી તેને પડકારવામાં આવી હતી. આવામાં , નામદાર સુપ્રિમ કોટૅ એ આ વાત સાથે પોતાની સહમતી દશૉવવી હતી. પરંતું , આકરણી નો ઉદેશ વ્યથૅ ના જાય એ માટે નોટિસ ની વૈધતા ને માન્ય ગણી હતી.

અહીં , નામદાર સુપ્રિમ કોટૅ એ નોંધ્યુ હતું કે , “The Revenue cannot be remediless and the object and purpose of reassessment proceeding cannot be frustrated”

★ એકસ્ટ્રા શોટૅ :-

હાલ તો…જિ.એસ.ટી. આકરણી નું ભાવી એટલે કલમ ૧૬૮-એ ની ચાવી એ કહેવું અતિશયોક્તિ નથી કારણ કે હજું તો નોટિફિકેશન નંબર ૦૯/૨૦૨૩ ની કાનુની વૈધતા ને પડકારવામાં આવી છે ત્યાં તો તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નવું નોટિફિકેશન. ૫૬/૨૦૨૩ બહાર પાડીને નાણાકીય વષૅ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે ની કલમ ૭૩ માટેની આકરણીની તારીખોને ફરી લંબાવી દેવામાં આવી છે.

(લેખક યુવાન ટેક્સ એડવોકેટ છે અને ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ઉપર રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરે છે)

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રસિદ્ધ થયેલ છે.)

error: Content is protected !!