આજથી શરૂ થઈ રહી છે દેશભરમાં જી.એસ.ટી. બોગસ વેપારી ચકાસણી અભિયાન!!! આપના ધંધા અંગે આ બાબતો માટે રાખો ધ્યાન
જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા 16 મે થી શરૂ કરવામાં આવશે બોગસ વેપારીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન!!!
પ્રમાણિક વેપારીઓએ જી.એસ.ટી. હેઠળના વિશેષ અભિયાનમાં પોતાને સુરક્ષિત રાખવા જરૂરી છે અમુક સામાન્ય બાબતોનો ખ્યાલ
તા. 16.05.2023: આગામી તારીખ 16 મે થી બે મહિના માટે એટલેકે 16 જુલાઇ સુધી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા દેશભરમાં એક વિશિષ્ટ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. ઓફિસો વેપારીઓના સંકલન સાથે ધંધાના સ્થળની મુલાકાત લઈ બોગસ વેપારીઓ પર કાર્યવાહી હાથ ધરશે. જી.એસ.ટી. લાગુ થયા બાદ મોટા પ્રમાણમાં બોગસ વેપારીઓએ નોંધણી દાખલો મેળવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. હવે આવા વેપારીઓ વિરુદ્ધ જ્યારે દેશભરમાં એક સાથે કાર્યવાહી થવા જઇ રહી છે ત્યારે બોગસ વેપારીઓ ઉપરાંત પ્રમાણિક વેપારીઓ પણ આ તપાસનો ભોગ બનશે તે સ્વાભાવિક છે. આ પ્રકારની તપાસમાં પ્રમાણિક વેપારીઓએ અમુક તકેદારી રાખવી જરૂરી છે. આ તકેદારીના કારણે કરદાતાને કદાચ પોતાની ધંધાની જગ્યા ઉપર તપાસ કરવામાં આવે તો ઓછી તકલીફ પડે.
- પોતાના ધંધાના સ્થળ અને જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવેલ ધંધાના સ્થળ એક જ છે તે સુનિશ્ચિત કરો:
જી.એસ.ટી. નોંધણી મેળવનાર વેપારી ઘણીવાર નોંધણી મેળવ્યા પછી પોતાના ધંધાના સ્થળમાં સુધારો કરાવવામાં ગાફેલ રહેતા હોય છે. ઘણીવાર અજ્ઞાનતાના કારણે તેઓ ધંધા સ્થળમાં ફેરફારની જાણ કરવાનું જરૂરી માનતા નથી હોતા. પરંતુ આ વેપારીની નજરમાં નાની ગણાતી ચૂક ઘણીવાર વેપારીને ખૂબ મુશ્કેલીમાં મૂકી આપી શકે છે. માટે જો આપના જી.એસ.ટી. નોંધણી દાખલામાં સરનામું તમારી ખરેખર ધંધાની જગ્યાથી અલગ હોય તો આ અંગે સુધારા અરજી કરી આપવી જરૂરી છે.
- ધંધાના વધારાના સ્થળ, ગોડાઉનની જાણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટમાં કરવી છે જરૂરી:
ધંધાના સામાન્ય સ્થળ ઉપરાંત ઘણી વાર વેપારી પાસે ધંધાનું અન્ય સ્થળ તથા ગોડાઉન રહેતું હોય છે. આવા સંજોગોમાં કરદાતાએ ધંધાના વધારાના સ્થળની તથા ગોડાઉન ના સ્થળની જાણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરવાની રહે.
- ધંધાના સ્થળ ઉપર બોર્ડ લગાવવું છે ફરજિયાત:
જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ધરાવતા કરદાતાએ પોતાના ધંધાના સ્થળ ઉપર ધંધાનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. આ બોર્ડમાં ધંધાનું નામ, માલિકી ધોરણે ધંધો કરતાં વેપારી માટે માલિકનું નામ તથા પોતાનો જી.એસ.ટી. નોંધણી દાખલ નંબર લખવો પણ જરૂરી છે.
- કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે ધંધાના બોર્ડમાં “કંપોઝીશન” અંગે જાહેર કરવું છે જરૂરી:
ઉપર જણાવેલ છે તેમ દરેક વેપારીએ પોતાના ધંધાના સ્થળ ઉપર બોર્ડ લગાવવું ફરજિયાત છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે આ બોર્ડમાં “કંપોઝીશન ટેક્સેબલ પર્સન” એ લખવું પણ ફરજિયાત છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જ્યારે બોગસ વેપારીઓ વિરુદ્ધ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું હોય ત્યારે આ પ્રકારે કંપોઝીશન અંગેનું બોર્ડ ફરજિયાત હોવા ઉપરાંત ફાયદાકારક ગણી શકાય. આ ઉપરાંત કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓએ પોતાના ધંધાના સ્થળની અંદર “કંપોઝીશન ટેક્સેબલ પર્સન, નોટ એલિજીબલ ટુ કલેક્ટ ટેક્સ” એવું લખવું પણ જરૂરી છે. મારા મતે આ સરકારના આ અભિયાનમાં કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓને ઓછામાં ઓછી હેરાનગતિ કરવામાં આવશે. કંપોઝીશન કરદાતાને ત્યાં કોઈ તપાસ માટે અધિકારી આવે ત્યારે વેપારીએ પોતે કંપોઝીશનમાં છે તે બાબતની સ્પષ્ટ જાણ કરી આપવી જોઈએ તેવો મારો મત છે.
- પોતાના ધંધાના બેન્ક ખાતાની વિગતો અપડેટ કરાવવી છે જરૂરી:
જી.એસ.ટી. નોંધણી દાખલો ધરાવતા હોય તેવા કરદાતા એ પોતાના ધંધાના તમામ બેન્ક ખાતાની જાણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરવાની રહેતી હોય છે. ધનિવાર એવું ધ્યાને આવતું હોય છે કે કરદાતા દ્વારા ધંધાનું નવું એકાઉન્ટ ખોલાવી મોટા પ્રમાણમા વ્યવહારો કરવામાં આવતા હોય છે પરંતુ આ બેન્ક ખાતાની જાણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટમાં કરવામાં આવી હોતી નથી. જી.એસ.ટી. તપાસ હોય ત્યારે આ મુદ્દો પણ વેપારી વિરુદ્ધ જઇ શકે છે. દરેક વેપારીએ એ સુનિશ્ચિત કરવાનું રહે કે પોતાના ધંધાના તમામ બેન્ક એકાઉન્ટ જી.એસ.ટી. પોર્ટલ ઉપર નોંધાયેલ છે કે નહીં.
- ધંધાના સ્થળ ઉપર બિલબુક હોવી અનિવાર્ય:
જી.એસ.ટી. નોંધણી દાખલો ધરાવતા કરદાતાઓ માટે રૂ. 200 થી વધુ રકમનું વેચાણ બિલ ઉપર કરવું ફરજિયાત છે. આમ, જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ દરેક કરદાતાએ જી.એસ.ટી. નોંધણી નંબર દર્શાવતી બિલબુક ધંધાના સ્થળ ઉપર રાખવી ફરજિયાત છે. આ બિલબુકમાં જી.એસ.ટી. નોંધણી નંબર ઉપરાંત વેચાણની વિગત તથા જી.એસ.ટી. ની વિગતો દર્શાવવી ફરજિયાત છે. માલિકી ધોરણે ધંધો કરતાં કરદાતા માટે બિલબુકમાં માલિકનું નામ હોવું પણ ફરજિયાત છે.
- ખરીદ બિલ ફાઇલ તથા તેની સાથે માલ હેરફેરના પુરાવાઓ ધંધાના સ્થળ ઉપર રાખવા છે જરૂરી:
વેપારીઓ દ્વારા કરવામાં આવેલ ખરીદીના બિલો ધંધાના સ્થળ ઉપર રાખવા જરૂરી છે. મોટાભાગના વેપારીઓ એ બાબતે સચેત હોતા નથી કે માલ ખરીદી સાથે માલના બિલ ઉપરાંત તે માલ હેરફેરના પુરાવા જેવા કે લોરી રિસીપ્ત (LR), ટ્રક-ટ્રેક્ટર-રિક્ષાને ચૂકવવામાં આવેલ ભાડું વગેરેની વિગતો જાળવી રાખવી ખુબ જરૂરી છે. ક્યારેક પ્રમાણિક ખરીદી હોવા છતાં આ પ્રકારે માલ હેરફેરના પુરાવાના અભાવે કરદાતાએ પોતાની ખરીદી પ્રમાણિક છે તે સાબિત કરવું મુશ્કેલ થઈ જતું હોય છે.
- જી.એસ.ટી. રિટર્ન તથા ટેક્સ નિયમિત ભરવાનો આગ્રહ રાખો. જો કોઈ જૂના રિટર્ન બાકી હોય તો રિટર્ન જલ્દી ભરી આપો:
જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવતા વેપારીઓએ માસિક કે ત્રિમાસિક ધોરણે પોતાના ધંધાના રિટર્ન તથા ટેક્સ ભરવાના રહેતા હોય છે. આ રિટર્ન નિયમિત ભરવામાં આવ્યા હોય તો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કનડગત ઘટી જતી હોય છે. જો આ રિટર્ન ભરવામાં અનિયમિતતા હોય તો આ પ્રકારની ઝુંબેશમાં આવા અનિયમિત વેપારીએ ભોગવવાનું થતું હોય છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે આ અભિયાનમાં પણ અનિયમિત વેપારીઓ એ વધુ સહન કરવાનું થશે.
- બોગસ બિલો લેવાનું તથા આપવાનું ટાળો
વેપાર જગતમાં બોગસ બિલો આપવાનું તથા લેવાની પ્રથા મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે એક હકીકત છે. બોગસ બિલો એટ્લે એવા બિલ કે જેવા માલનું વેચાણ કરવામાં આવેલ ના હોય પરંતુ માત્ર અમુક ટકાવારી ચૂકવી વેચનાર પાસેથી માત્ર બિલ જ લેવામાં આવેલ હોય. આ પ્રકારના વ્યવહાર કરવાનું ટાળવામાં આવે તે ખૂબ જરૂરી છે. નાના આર્થિક લાભ મેળવવા કરવામાં આવેલ આવા વ્યવહારો મોટી આર્થિક જવાબદારી ઊભી કરી શકતા હોય છે. આમ, બોગસ બિલો લેવાનું તથા આપવાનું ટાળવામાં આવે તે વેપાર જગત માટે જરૂરી છે.
સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા બોગસ વેપારીઓ વિરુદ્ધ 16 મે 2023 થી 16 જુલાઇ 2023 સુધી ખાસ અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાનમાં બોગસ વેપારીઑને તો તકલીફ પડશે જે સામાન્ય તથા સ્વાભાવિક બાબત છે પરંતુ પ્રમાણિક વેપારીઓ આ અભિયાનનો ભોગ ના બને તે સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 15.05.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)