કરદાતાને હેરાન કરવા થયેલ કાર્યવાહી બદલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર કરદાતાને ચૂકવવાપાત્ર વળતરમાં વધારો કરતી સુપ્રીમ કોર્ટ
ઇ વે બિલની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય અધિકારી દ્વારા કરદાતાનો માલ જપ્ત કરી 16 દિવસથી વધુ સમય પોતાના સબંધીને ત્યાં રાખવામા આવેલ
તા. 24.01.2022: તેલંગાણા હાઇકોર્ટ દ્વારા ગત 02 જૂન 2021 ના રોજ ઇ વે બિલ અંગેના એક કેસમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વિરુદ્ધ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ આદેશમાં ડિપાર્ટમેંટ ઉપર કરદાતાને થયેલ હેરાનગતિ બદલ 10000/- નો ખર્ચ (દંડ) ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. તેલંગાણા હાઇકોર્ટના આ આદેશ સામે તેલંગાણા રાજ્ય જી.એસ.ટી. દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. આ કેસના તથ્યો મુજબ કરદાતા દ્વારા માલ વહન માટે ઇ વે બિલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ટ્રાફિક જામના કારણે માલ ખરીદનાર સુધી પહોચે ત્યાં સુધીમાં આ ઇ વે બિલની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. આ માલ ખરીદનારની જગ્યા એ ઉતારવામાં આવે તે પહેલા અધિકારી દ્વારા આ માલની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ઇ વે બિલની મુદત પૂર્ણ થઈ ગયેલ હોય તેમના દ્વારા કરચોરીને લગતી કાર્યવાહી કરી કરદાતા સામે 69000/- જેવો ટેક્સ તથા દંડ લાદવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કરચોરીની કાર્યવાહીની શરૂઆત કરી માલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને આ માલ તેના ટ્રક સાથે 16 દિવસ સુધી અધિકારીના સબંધીને ત્યાં રાખી દેવામાં આવ્યો હતો. આ આદેશ સામે કરદાતા તેલંગાણા હાઇકોર્ટમાં ગયા હતા. તેલંગાણા હાઇકોર્ટ દ્વારા કેસના તથ્યોની નોંધ લઈ ખૂબ વિગતવાર આદેશ કરી અધિકારીનો આદેશ રદ્દ કરવામાં આવ્યો હતો. અધિકારી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને કરદાતાને હેરાન કરવાના ઈરાદા સાથેની ગણી રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર 10000 નો દંડ સ્વરૂપનો ખર્ચ લાદવામાં આવ્યો હતો. આ આદેશને રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરી 2022 ના રોજ આ કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટની અપીલમાં કોઈ દમ નથી. કાયદાનો પ્રશ્ન ઉપસ્થિત થવાની બાબત તો એક બાજુ રહી, હકીકત અંગે પણ આ કેસમાં કોઈ તથ્ય નથી. તેલંગાણા હાઇકોર્ટદ્વારા પસાર કરવામાં આવેલ આદેશને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામા આવ્યો હતો. એટલું જ નહીં, તેલંગાણા હાઇકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ 10000 ના દંડ સ્વરૂપના ખર્ચમાં વધારો કરી 50000 નો દંડ સ્વરૂપનો ખર્ચ રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર લાદવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ રાજ તન્ના જણાવે છે કે “ઇ વે બિલ અંગેની નાની નાની ક્ષતિઓ બદલ કરચોરીને લગતી જી.એસ.ટી. કાયદા હેઠળની કલમ ઉગમવાની અમુક જી.એસ.ટી. અધિકારીઓની પદ્ધતિ સામે આ કેસ ચોક્કસ સીમાચિન્હ રૂપ સાબિત થઈ શકે છે. કરદાતાઓએ પણ નીડર બની આ પ્રકારે થતી હેરાનગતિ બદલ અવાજ ઉઠાવતા ડરવું ના જોઈએ. હાઇકોર્ટ કરદાતાને કરવામાં આવતી કનડગતને હમેશા આકરા શબ્દોમાં વખોડતી હોય છે.” સુપ્રીમકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ ઇ વે બિલ હેઠળના વિવિધ કેસો માટે ચોક્કસ ઉપયોગી બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.