નોટબંધીને મળી સુપ્રીમ કોર્ટની મહોર
382 પાનાંના ઐતિહાસિક ચુકાદામાં 4 સામે 1 જજના ચુકાદામાં મોદી સરકારના નોટબંધીના નિર્ણયને ગણાવ્યો યોગ્ય
તા. 10.01.2023
ગત સોમવારે તારીખ 02 જાન્યુઆરી 2023 ના રોજ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે ચાલી રહેલા કેસો બાબતે મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદામાં 5 પૈકી 4 જજો દ્વારા સરકાર તથા નોટબંધીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે જ્યારે એક જજ દ્વારા નોટબંધી વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો છે. આમ, બહુમતી જજોનો ચુકાદો ધ્યાને રહેતો હોવાથી નોટબંધીને સુપ્રીમ કોર્ટની મહોર લાગી ગઈ હોવાનું માની શકાય છે.
નોટબાંધી લાગુ કરવામાં આવતા વિવિધ હાઇકોર્ટમાં દાખલ થઈ હતી ઘણી રિટ પિટિશન:
2016 માં જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે વિવિધ હાઇકોર્ટમાં અનેક રિટ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. મોટા પ્રમાણમા ફાઇલ થયેલ પિટિશન બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા સજ્ઞાન લઈ નોટબંધીને લગતા તમામ કેસો ઉપર સુનાવણીને 16 ડિસેમ્બરના રોજ સ્ટે આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં નોટબંધીનો કેસ નિર્ણયાધીન હોય કોઈ પણ હાઇકોર્ટમાં આ નોટબંધી બાબતે કેસ ના ચલાવવા ફરમાન આપવામાં આવ્યું હતું.
નામી વકીલો રહ્યા આ કેસમાં ઉપસ્થિત
સુપ્રીમ કોર્ટની આ બંધારણીય ખંડપીઠ પાસે 22 ઓક્ટોબર 2022 ના રોજ આ કેસ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસની હેઠળ અનેક વાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સિનિયર વકીલ અને ભુતપૂર્વ નાણાંમંત્રી શ્રી પી. ચિદમ્બરમ દ્વારા નોટબંધી વિરુદ્ધ દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સિનિયર વકીલ શ્યામ દીવાન તથા પ્રશાંત ભુષણ જેવા જાણીતા વકીલો દ્વારા નોટબંધી વિરુદ્ધ દલીલો કરવામાં આવી હતી. સરકાર તરફથી નોટબંધીના નિર્ણયનો બચાવ કરવા આર. વેંકટારામાણી તથા RBI ના એડવોકેટ તરીકે સિનિયર વકીલશ્રી જયદીપ ગુપ્તા ઉપસ્થ્તિ થયા હતા.
નોટબંધીના નિર્ણયની પ્રમાણસરતા હતી આ કેસના કેન્દ્રમાં
નોટબંધી દ્વારા નાગરિકોના મૂળભૂત હક્કો ઉપર તરાપ મરવામાં આવી હોવાની દલીલ સરકાર સામેના પક્ષો દ્વારા કરવામાં આવી હતી. સરકારની મુખ્ય દલીલ હતી કે નાગરિકોના મૂળભૂત હક્કો ઉપર યોગ્ય રોક લગાવવાની સત્તા સરકાર પાસે રહેલી છે અને લોકોના હિતમાં સરકાર દ્વારા આવા નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. આ મુખ્ય મુદ્દા ઉપર આ કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવાનો હતો. કાયદાની ભાષામાં આ નિર્ણયને “ટેસ્ટ ઓફ પ્રપોરશનાલીટી” કહેવામા આવે છે. સરકારના નિર્ણયની પ્રમાણસરતા બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવાનો રહેતો હતો.
કેવી રીતે નોટબંધી થઈ સુપ્રીમ કોર્ટની પરીક્ષામાં પાસ?
નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે બાબતે કોર્ટ દ્વારા ચાર મહત્વના પરિબળો ધ્યાને લીધા હતા.
સૌ પ્રથમ પરિબળ કોર્ટ દ્વારા એ ધ્યાને લેવામાં આવ્યું હતું કે શું નોટબંધી કરવા પાછળ સરકારનો ઇરાદો યોગ્ય હતો. કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે નોટબંધી દ્વારા કાળાનાણાંનું પ્રમાણ રોકવા, આ નાણાં દ્વારા આતંકવાદી પ્રવૃતિ ઉપર અંકુશ લગાવવા તથા બજારમાં પ્રવર્તમાન નકલી ચલણ કાબૂમાં લેવાનો સરકારનો ઇરાદો હતો. આ તમામ હેતુને નાગરિકોના બહોળા હિતમાં જરૂરી માનવમાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આ પરિબળ ઉપર સરકારને પાસ કરવામાં આવી હતી.
બીજું મહત્વનુ પરિબળ એ ધ્યાને લેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા પોતાના હેતુ પૂર્ણ કરવા જે પગલું ભરવામાં આવ્યું તે હેતુ અને પગલાં વચ્ચે કેવું જોડાણ રહેલું છે. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ પરિબળ બાબતે પણ સરકારના આ નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણવામાં આવ્યો હતો.
ત્રીજું, સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે આ પ્રકારના હેતુઓ બર લાવવા અન્ય કોઈ વિકલ્પ સરકાર પાસે રહેલો નથી. આ કારણે પણ નોટબંધીના પગલાંને સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય માનવમાં આવ્યું હતું.
ચોથું પણ કાયદાકીય રીતે મહત્વનુ તારણ આપતા સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, 1935 ના કાયદાની કલમ 26(2) ની જોગવાઈ મુજબ સરકાર પાસે એક સાથે ગમે તેટલી સીરિઝની નોટોને ચલણમાંથી દૂર કરવા અધિકાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે આ જોગવાઈનો એવો સંકુચિત અર્થ ના કરી શકાય કે સરકાર માત્ર અમુક સીરિઝની નોટો નેજ ચલણ માંથી હટાવી શકે. આમ, સરકાર વિરુદ્ધની આ મહત્વની જોગવાઈ અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારના નિર્ણયને બહાલ રાખવામા આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચમાંના એક માત્ર જજનો વિરુદ્ધ અભિપ્રાય
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચની એક માત્ર મહિલા જજ દ્વારા પોતાના 4 સાથીઓ કરતાં વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો હતો. તેઓ દ્વારા પોતાના સાથીઓના ચુકાદાથી વિરુદ્ધ ચુકાદો આપતા જણાવ્યુ હતું કે સરકાર દ્વારા આ પ્રકારનું મોટું પગલું ભરવાના માત્ર યોગ્ય કારણ હોવું જ જરૂરી નથી, તે સફળ થાય છે કે નહીં તે પણ અલગ બાબત છે પરંતુ યોગ્ય હેતુને પરિપૂર્ણ કરવા જે પગલાં ભરવામાં આવ્યા તે કાયદાકીય રીતે યોગ્ય ગણી શકાય નહીં. તેઓ દ્વારા પોતાના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે RBI ગવર્નર દ્વારા, જ્યારે તેઓને આ બાબત ઉપર સલાહ લેવામાં આવી ત્યારે આ બાબત ઉપર પોતાનું મગજ વાપરવામાં આવ્યું ના હતું.
શું થાત જો નોટબંધીને અયોગ્ય ગણાવવામાં આવી હોત???
સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે નોટબંધીને યોગ્ય ગણાવવામાં આવી હોય ત્યારે આ પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે વાંચકોના મનમાં ઉદભવે. શું નોટબંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા અયોગ્ય ગણવામાં આવી હોત તો શું પરિસ્થિતીનું સર્જન થાય??? મિત્રો, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દેવો ખૂબ મુશ્કેલ છે. કદાચ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નોટબંધીની તરફેણમાં નિર્ણય આપતા સમયે આ બાબત પણ ધ્યાને લીધી હોય શકે છે. મારા અંગત મત પ્રમાણે જો નોટબંધીનો નિર્ણય અયોગ્ય ઠરાવવામાં આવે તો સરકાર આ નિર્ણય સામે સ્ટે લઈ સુપ્રીમ કોર્ટમાં જ રિવ્યુ પિટિશન ફાઇલ કરી શકી હોત. જો નોટબંધી અયોગ્ય બની જાય તો હજુ જેઓની પાસે જૂની ચલણી નોટો પડી હોય તેઓ કદાચ બેન્કમાં આ રકમ નાખી શક્યા હોત. નોટબંધીના કારણે ઇન્કમ ટેક્સ સહિત અન્ય કાયદાઑ હેઠળ વિવિધ કરદાતાઓ પર જે કેસો ચાલુ છે એ તમામનો છુટકારો થઈ શકે તેવું માનવમાં આવે છે. પરંતુ જો અને તો વિષે હવે વિચારવાનો સમય રહ્યો નથી. હાલ તો સુપ્રીમ કોર્ટ દ્વારા નોટબંધીના સરકારના નિર્ણયને મહોર મારી આપી છે.
By Bhavya Popat
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તારીખ 08 જાન્યુઆરી 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)