જી.એસ.ટી. હેઠળ કોઈ કાર્યાવહી ચાલુ ના હોય ત્યારે કરદાતાની મિલ્કત ઉપર ટાંચ મૂકી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ
મહાવીર એન્ટરપ્રાઇસ વી. ગુજરાત રાજ્યના કેસમાં કરદાતાને અંતરીમ રાહત આપતી વડી અદાલત
તા. 23.08.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરદાતાના બેન્ક ખાતા ઉપર ટાંચ મૂકવાના પગલાં ને અયોગ્ય ઠેરવતા આ ટાંચ ઉઠાવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. કેસની વિગતો જોઈએ તો કરદાતા સમક્ષ જ્યારે તેમના બેન્ક ખાતામાં ટાંચ મૂકવામાં આવી ત્યારે કોઈ કાર્યવાહી ચાલુ ના હતી. જી.એસ.ટી. કાયદા હેઠળ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કરદાતાની મિલકતો ઉપર ટાંચ તો જ મૂકવામાં આવી શકે જો કરદાતા ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 62, 63, 64, 67, 73 કે 74 હેઠળ કોઈ કાર્યવાહી ચાલુ હોય. કરદાતા વતી ઉપસ્થિત વકીલ અવિનાશ પોદ્દાર દ્વારા અસરકારક રીતે દલીલ કરતાં જણાવાયું હતું કે અધિકારી દ્વારા કરદાતાના બેન્ક ખાતા ઉપર મૂકવામાં આવેલ ટાંચ એ કાયદા મુજબ યોગ્ય નથી. ગુજરાત હાઇકોર્ટના ટેક્સ બેન્ચના બેલા એમ. ત્રિવેદી તથા અશોકકુમાર સી. જોશીની ખડપીઠ દ્વારા અધિકારીને તેમના દ્વારા કરવામાં આવેલ બેન્ક ટાંચ સત્વરે ઉપાડી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. આ કેસની હવે પછીની સુનાવણી 02 સપ્ટેમ્બર 2021 ના રોજ કરવામાં આવશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે