કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જૂનું પોર્ટલ અથવા નવું પોર્ટલ વાપરવા ના આપી શકાય વિકલ્પ???

Spread the love
Reading Time: 2 minutes

જૂનું પોર્ટલ કરદાતાને વિકલ્પ સ્વરૂપે આપવામાં આવે તેવી ઉઠી રહી છે પ્રબળ માંગ

તા. 15.07.2021: ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ તારીખ 07 જૂનના રોજ કરદાતાઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. આ પોર્ટલ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ પોર્ટલ ઉપર કામગીરી સામાન્ય રીતે થઈ ના શકાતી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલએ વાપરવામાં ખૂબ સહેલું હશે, આ પોર્ટલ ઉપર ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ ઝડપથી પ્રોસેસ થશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ પોર્ટલનો ઉપયોગ કરદાતા દ્વારા શરૂ કરવામાં આવ્યો ત્યારે તેઓનો અનુભવ કઇંક અલગ જ રહ્યો છે. રિટર્ન ભરવામાં માત્ર ટેક્સ પ્રોફેશનલ્સ કે કરદાતા જ આ નવા પોર્ટલ ઉપર મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવું નથી.  ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના વિવિધ સૉફ્ટવેર પૂરા પાડતી કંપનીઑને પણ આ નવી સિસ્ટમ મુજબ રિટર્ન માટે પોતાના સૉફ્ટવેર અપડેટ કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ જ કારણે અત્યાર સુધીમાં મોટા ભાગની આ પ્રકારની સૉફ્ટવેર કંપની આ નવા પોર્ટલ ઉપર રિટર્ન ભરવાની સેવા પોતાના અસીલોને ઉપલબ્ધ કરવી શકી નથી. નવા પોર્ટલ ઉપર જી.એસ.ટી. ની માફક “જેસન” ફાઇલ દ્વારા રિટર્ન ભરવાના થશે. આ સિસ્ટમ હજુ સામાન્ય બને તેમાં ઘણો સમય લાગી શકે છે. આવા સમયે કરદાતાઓમાં તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે કે નાણાકીય વર્ષ 2021-22 દરમ્યાન ઇન્કમ ટેક્સનું જૂનું પોર્ટલ વાપરવાનો વિકલ્પ કરદાતાને આપવામાં આવે. આ એક વર્ષ દરમ્યાન નવા પોર્ટલ ઉપર “યુઝ ટુ” થવાનો સમય આપવામાં આવશે તો જૂના પોર્ટલથી નવા પોર્ટલ ઉપર તબદીલ થવું સહેલું બનશે. આ અંગે વાત કરતાં ઇન્કમ ટેક્સ રિટર્ન અંગે સૉફ્ટવેર બનાવટી કંપની સાથે “લીગલ હેડ” તરીકે કાર્યરત અને જેતપુરના જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “આ પ્રકારે બે વેબસાઇટ ઉપર કામ થઈ તો શકે પરંતુ બન્ને સાઇટના ડેટા સાથે “મર્જ” રાખવા થોડા મુશ્કેલ છે. હા, પણ આ અંગે યોગ્ય વિકલ્પ એ આપી શકાય કે જૂના અને નવા પોર્ટલ બન્ને એક સાથે ચાલુ રાખી શકાય અને જ્યારે આ નાણાકીય વર્ષ પૂરું થાય ઠરે 1 અઠવાડીયા જેવા સમય માટે જૂનું તથા નવું એમ બન્ને પોર્ટલ પર ઓનલાઈન કામગીરી બંધ કરી તમામ ડેટા માઈગ્રેટ કરી આપવામાં આવે. ત્યાં સુધી નવા પોર્ટલની જે ખામીઓ છે તે દૂર કરવા પ્રયાસ કરવામાં આવે.”  આ અંગે વધુમાં વાત કરતાં CA એસોસીએશન અમદાવાદના પ્રમુખ CA મોનીષ શાહ જણાવે છે કે “એક પ્રોફેશનલ્સ તરીકે હાલ અમારા મિત્રો ખૂબ મુશ્કેલ સમયમાં થી પસાર થઈ રહ્યા છે. અમારા પ્રોફેશનલ્સ ચોક્કસ આ પ્રકારે સતત થતાં ફેરફારોથી ટેવાયેલા છે પરંતુ આ નવા પોર્ટલ ઉપર હાલ સ્થિતિ સામાન્ય બનવાના કોઈ અણસાર નજીકમાં જણાતાં નથી. ટેક્સ પેયર્સ તથા ટેક્સ પ્રોફેશનલ્સ વતી મારી ખાસ સરકારને માંગ છે કે પ્રથમ વર્ષ માટે તો જૂના પોર્ટલનો વિકલ્પ કરદાતાઓને આપવામાં આવે તે ખૂબ જરૂરી છે”.

બન્ને પોર્ટલ સાથે ચલાવવાના કારણે ટેકનિકલ પ્રશ્નો આવે તે સમજી શકાય છે. કોઈ પણ નવી પદ્ધતિને સામાન્ય બને તેમાં થોડો સમય લાગે તે પણ સમજી શકાય એવી બાબત છે પરંતુ સામાન્ય રીતે ખૂબ સારી રીતે કામ કરતાં ઇન્કમ ટેક્સના જૂના પોર્ટલમાં શું કરવા આટલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા તે સમજવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ખેર કારણ જે પણ હોય જ્યાં સુધી નવા પોર્ટલને સંપૂર્ણ રીતે “યુઝર ફ્રેંડલી” ના બનાવવામાં આવે ત્યાં સુધી જૂના પોર્ટલને વૈકલ્પિક રીતે વાપરવાની છૂટ આપવામાં આવે તો સરકારને પણ વિતીય નુકસાન ઘટી શકે છે અને કરદાતાઑ તથા ખાસ કરી ટેક્સ પ્રોફેશનલ્સ માટે રાહતકારક રહેશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108