સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 04th June 2022
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓને “ક્લેરિકલ” ભૂલના કારણે GSTR 4 માં ટેબલ 6 માં રકમ NIL દર્શાવેલ હતી. આ કારણે તેઓના લૉગિનમાં નેગેટિવ લયાબિલિટી લેજર ઊભું થયું હતું. આ નેગેટિવ લયાબિલિટી તેઓએ DRC 03 દ્વારા સેટ ઓફ કરી હતી. હવે GSTN દ્વારા તેઓના ઉપર સુઓ મોટો ડેબિટ એન્ટ્રી કરી છે અને હાલ અમારા અસીલનું કેશ લેજર નેગેટિવ દર્શાવે છે. આ સ્થિતિમાં અમારે શું કરવું જોઈએ? શું ફરીવાર આ રકમ ભરી અને ત્યારબાદ રિફંડ લેવું જોઈએ? રમેશભાઈ કોટક, ટેક્સ એડવોકેટ, વેરાવળ
જવાબ: આ પ્રશ્ન બહુ મોટા પ્રમાણમા કરદાતાઓ માટે ઊભો છે. હાલ, આ અંગે માનનીય ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન થઈ રહી છે. આપની પાસે આ રિટ પિટિશનનો ભાગ બનવાનો વિકલ્પ છે અથવા આ રિટ પિટિશનના કેસમાં આવતા જજમેંટની રાહ જોવાનો વિકલ્પ છે. GSTN દ્વારા આપવામાં આવેલ એડવાઈઝરી પ્રમાણે તમે આ રકમ ભરી રિફંડ લેવાનો વિકલ્પ પસંદ કરી શકો છો પરંતુ આ વિકલ્પમાં રિફંડ કેવી રીતે આપવામાં આવશે તે અંગે ચોક્કસ દ્વિધા રહેલ છે.
- અમારા અસીલ માલિકી ધોરણે ચાંદીના ઘરેણાંનો ધંધો કરી રહ્યા છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓ આ ધંધો પોતાના પુત્રને સ્ટોક, મિલકત અને જવાબદારી સાથે ગિફ્ટ કરી આપવામાં માંગે છે. આ વ્યવહાર ઉપર તેઓની જી.એસ.ટી. ની જવાબદારી આવે? જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: ના, ધાંધની સંપૂર્ણ જવાબદારી સાથે ધંધાને તબદીલ કરવામાં આવે તેવા સંજોગોમાં તબદીલ કરનારની સ્ટોક ઉપર વેરો ભરવા જવાબદારી ના આવે તેવો અમારો મત છે. એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે આવા કિસ્સામાં પુત્ર જ્યારે જી.એસ.ટી. નંબર લે તે ટ્રાન્સફરી તરીકે લે.
- અમો જિનિંગના અને પ્રેસિંગના ધંધાર્થી છીએ. અમારા ધંધામાં અમારો માલ ખરીદનાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કરવામાં આવે છે. આ માલની હેરફેર પણ ખરીદનાર દ્વારા જ કરવામાં આવે છે. સામાન્ય રીતે ખરીદનાર અમને (વેચનારને) ઇ વે બિલ બનાવવા જણાવે છે. શું આ પ્રકારના વ્યવહારમાં ઇ વે બિલ બનાવવાની જવાબદારી વેચનારની આવે કે ખરીદનારની? રાજુભાઇ કાતરિયા, મારુતિ જિનિંગ, ઉના
જવાબ: જી.એસ.ટી. નિયમોના નિયમ 138(1) મુજબ જે વ્યક્તિ માલની હેરફેર કરવા જવાબદાર હોય તેઓ માટે ઇ વે બિલ બનાવવું જરૂરી છે. આમ, તમારા કિસ્સામાં જો ખરીદનાર માલની હેરફેર માટે જવાબદાર હોય તો ઇ વે બિલ બનાવવાની જવાબદારી તેઓની આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસિલે વર્ષ 2013 14 માં એક કોમ્પ્લેક્સ બનાવ્યો હતો. આ કોમ્પ્લેક્સમાં કુલ 8 દુકાનો બનાવી હતી જે પૈકી 1 દુકાનનું વેચાણ તેઓ દ્વારા 2021 22 માં કરવામાં આવ્યું હતું. આ દુકાન વેચાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે કે ધંધાની આવક ગણાય? હિત લીંબાણી, કચ્છ
જવાબ: આપના અસીલના કેસમાં તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં આ કોમ્પ્લેક્સને સ્થાવર મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું હોય તો આ દુકાના વેચાણ ઉપર કેપિટલ ગેઇન લાગુ પડે અને જો તેઓ દ્વારા એકાઉન્ટમાં સ્ટોક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તો આ દુકાનના વેચાણ ઉપર ધંધાકીય આવક ગણવામાં આવે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.