સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 09th August 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ ફાસ્ટ ફૂડનો ધંધો ચલાવે છે. તેઓ દાબેલી, સેન્ડવિચ, પાણી પૂરી વગેરે બનાવી વેચાણ કરે છે. તેઓ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવે છે. તો તેઓએ પોતાના સપ્લાય ઉપર ક્યાં દરે વેરો ભરવાની જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: આપના અસીલ એ ફાસ્ટફૂડનો ધંધો કરતાં હોય કંપોઝીશન હેઠળ જી.એસ.ટી. કાયદાની કલમ 10(1)(b) હેઠળ 5% ના દરે જી.એસ.ટી. ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- અમારા અસીલ એક જાણીતી કંપનીની ફેંચાઈઝી ધરાવે છે. તેઓ તે કંપનીના બર્ગરને ઓવનમાં ગરમ કરી ગ્રાહકને સપ્લાય કરે છે. તેઓ કંપોઝીશન સિવાયના કરદાતા છે. આ વ્યવહાર ઉપર તેમણે કેટલા ટકાના દરે જી.એસ.ટી. ચૂકવવાનો રહે? શું તેમણે ITC મળી શકે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: તમારા અસીલએ જી.એસ.ટી. કાયદાના શિડ્યુલ II ના પેરેગ્રાફ 5 ના ક્લોઝ (b) માં પડે અને રેસ્ટોરન્ટ ગણાય. આ સપ્લાય ઉપર 5% ના દરે જી.એસ.ટી. લાગુ પડે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે.
- અમો સો મિલનો ધંધો કરીએ છીએ. તેઓજે લાકડાને વેરે ત્યારે તેમાં જે વેસ્ટ લાકડું તથા ભૂસું મળે તેનો ઉપયોગ બળતણમાં થતો હોય છે. શું આ બળતણના લાકડા તથા ભૂસું કે જે અમારા “બાય પ્રોડક્ટ” ગણાય તેના ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? એક વેપારી, આણંદ
જવાબ: લાકડાનો વેર તથા ભૂસું એ જી.એસ.ટી. હેઠળ HSN 4401 માં પડે અને “બાય પ્રોડક્ટ” હોવા છતાં તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે એવો અમારો મત છે.
- અમારા અસીલ તેમની પોતાની માલિકીની જમીન ઉપર કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ કરાવી તેનું વેચાણ કરવા માંગે છે. તેઓ દ્વારા મિલ્કતના અવેજના એડ્વાન્સ પેટે 10 લાખ જેવી રકમ લીધેલ છે. સમગ્ર બાંધકામ 20 લાખની અંદર પૂર્ણ થઈ જશે. શું અમારે આવા કિસ્સામાં જી.એસ.ટી. નંબર લેવો જરૂરી છે? આ એડ્વાન્સ લીધેલ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવશે? મોહિત જાદવ, રાજકોટ
જવાબ: જી.એસ.ટી. નોંધણી માટેની જવાબદારી સપ્લાય ઉપર નક્કી થાય. જો તેમના દ્વારા બાંધકામ કરેલ યુનિટનું વેચાણ કરવા સમયે વેચાણ કિમત નાણાકીય વર્ષમાં 20 લાખથી વધુ હોય તો જી.એસ.ટી. નોંધણી લેવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. 10 લાખની રકમ જે એડ્વાન્સ લેવામાં આવી છે તે યુનિટનું વેચાણ જો નોંધણી દાખલો લીધા પહેલા થઈ જાય તો આ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસિલે જોબવર્ક માટે મ્યુનિસિપલ સિટી લિમિટમાં જ માલ મોકલાવતા હોય છે. આ વેચાણની રકમ ક્યારેક 50 હજાર થી વધુ તો ક્યારેક ઓછી પણ હોય છે. શું આ બન્ને કિસ્સામાં એ વે બિલ બનાવવાની તેઓની જવાબદારી આવે? મોહિત જાદવ, રાજકોટ
જવાબ: જોબવર્ક કરવાં માટે જ્યારે માલ આંતર રાજ્ય મોકલવામાં આવે ત્યારે જી.એસ.ટી. નિયમોના નિયમ 138(1) ના પ્રથમ પ્રોવીઝૉ મુજબ કોઈ પણ લિમિટ વગર (50000 સુધી પણ) ઇ વે બિલ બનાવવા અંગેની જવાબદારી આવે. જ્યારે રાજ્યમાં જ કોઈ માલ જોબવર્ક માટે મોકલવામાં આવે ત્યારે 50000 થી ઉપરના માલ માટે ઇ વે બિલ બનાવવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. જો કે મ્યુનિસિપલ લિમિટ અંદર થતા જોબવર્ક માટેના માલ હેરફેર માટે ઇ વે બિલ જરૂરી બને નહીં.
- અમારા અસીલ ગુજરાત રાજ્યમાં જ રાજકોટમાં હેડ ઓફિસ તથા અમદાવાદ અને જામનગરમાં બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ હેડ ઓફિસ તથા બ્રાન્ચ તમામના વ્યવહારો એક જ જી.એસ.ટી. નંબર ઉપર થાય છે. અમુક સંજોગોમાં હેડ ઓફિસ-બ્રાન્ચ વચ્ચે માલની હેરફેર થતી હોય છે. અમુક કિસ્સાઑ માં માલનું મૂલ્ય 50 હજાર સુધીનું હોય છે જ્યારે અમુક વાર આ મૂલ્ય 50 હજાર કે તેથી વધુ પણ હોય છે. આ પ્રકારના બ્રાન્ચ ટ્રાન્સફર માટે ઇ વે બિલ બનાવવું પડે? સ્ટોક ટ્રાન્સફર સાથે “સ્ટોક ટ્રાન્સફર” બિલ “નીલ રેઇટ” નું આપેલું હોય છે. મોહિત જાદવ, રાજકોટ
જવાબ: 50 હજારથી વધુ મૂલ્યના માલની હેરફેર કરવામાં આવતી હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહે. આ સાથે તેઓએ જી.એસ.ટી. નિયમોના નિયમ 55 મુજબ ડિલિવરી ચલણ આપવાનું રહે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલનું નાણાકીય વર્ષ 2019-20 નું ટર્નઓવર 18 લાખ જેવુ હતું. તે વર્ષ માટે અમોએ ઇન્કમ ટેક્સની કલમ 44AD મુજબ આવક દર્શાવી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ હતું. હવે નાણાકીય વર્ષ 2020 21 માટે તેમનું ટર્નઓવર 92 લાખ જેવુ થઈ જાય છે અને અમો ઓડિટ કરાવવા જઇ રહ્યા છીએ. તો શું અમે ત્યારબાદના પાંચ વર્ષ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD નો લાભ નહીં લઈ શકીએ? રાજેશ સૂતાર, ટેક્સ કન્સલ્ટન્ટ, ભુજ
જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44ADની પેટા કલમ (5) મુજબ જે કરદાતા 44AD હેઠળ અગાઉના વર્ષની આવક દર્શાવે અને ત્યારબાદના કોઈ નાણાકીય વર્ષની આવક ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ દર્શાવવા હક્કદાર હોય અને આમ છતાં તે તે આ કલમ હેઠળ આવક ના દર્શાવેતો ત્યાર પછીના પાંચ વર્ષ તે કરદાતા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ લાભ લેવા અસમર્થ બની જશે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.