સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)13th September 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
- હું જવેલર્સ તરીખે જીએસટી માં નોંધાયેલ છું.મારુ ટર્નઓવર 40 લાખ થી નીચે છે. સાથો સાથ હું ગવર્મેન્ટ બેંક તથા પ્રાઇવેટ બેંક માં ગોલ્ડ વેલ્યુઅર નું કામ પણ કરું છું. મારે આ આવક પર જીએસટી લાગે? પ્રાઇવેટ અને સરકારી બેંક માં જીએસટી ની જોગવાઈ સરખીજ લાગુ પડે? લાગે તો કયા દરે જીએસટી લાગે? એક વેપારી, અમરેલી
જવાબ: તમે જી.એસ.ટી. હેઠળ સેવા પણ પૂરી પડતાં હોય નોંધણી બાબતે તમને 40 લાખ નહીં પરંતુ 20 લાખની મર્યાદા લાગુ પડે. ખાનગી અને સરકારી બંને બેન્કમાં વેલ્યૂએશન ફીની સેવા બાબતે સરખી જોગવાઈ જ લાગુ પડે તેવો અમારો મત છે. આ વેલ્યુએશનની આવક ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમો માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરીએ છે. અમુક મગફળીમાંથી અમો મગફળી ના Seed બનાવીએ છે અને એનું વેચાણ પણ કરીએ છે. તો આ મગફળી ના Seed ના વેચાણ પર GST લાગે? એક વેપારી, અમરેલી
જવાબ: હા, આ પ્રકારના મગફળી વેચાણ ઉપર 5% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમો હોલમાર્કિંગ સેન્ટર ગુજરાતમાં ચલાવી રહ્યા છે. અમારે ત્યાં મુંબઇથી કોઈ દાગીના હોલમાર્ક કરવા માં આવે તો અમારે તેમાં IGST લગાડવો કે CGST/SGST લગાડવો? માલ અમારે કુરિયરમાં આવે છે અને અમો પરત કુરિયર માં મોકલીએ છએ.
જવાબ: આ વ્યવહારમાં લોકેશન ઓફ સપ્લાયર અને પ્લેસ ઓફ સપ્લાય બે અલગ અલગ રાજ્યો માં છે. પ્રકારની સેવા ઉપર IGST લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ નગરપાલિકા છે. તેઓ લારી વાળાને ઊભા રહેવા માટે લારી ભાડાની આવક મેળવે છે. આ ભાડા ઉપર જી.એસ.ટી. લાગે? દેવેન્દ્ર દેત્રોજા, લીમડી
જવાબ: ના, અમારા મતે જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 7 હેઠળ 20 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા ધંધાકીય એકમ પાસેથી સ્થાવર મિલ્કત સિવાયના ભાડા ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં.
- બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી લેવામાં આવેલ સેવા કે જેના ઉપર RCM લાગુ પડતો ના હોય તેવી ઇનવર્ડ સપ્લાયને જી.એસ.ટી. રિટર્નમાં ક્યાં દર્શાવવાનું રહે?
જવાબ: બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી લેવામાં આવેલ સેવા કે જેના ઉપર RCM ભરવાની જવાબદારી આવતી ના હોય તેને GSTR 3B માં દર્શાવવાનું રહે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ ટેક્સ ફ્રી માલનું વેચાણ કરે છે. તેઓ સાથે કમિશન એજન્ટ તરીકેની સેવા પણ પૂરી પાડે છે. આ કિસ્સામાં તેઓની જી.એસ.ટી. નોંધણી અંગેની જવાબદારી 20 લાખના ટર્નઓવર ઉપર આવે કે 40 લાખના ટર્નઓવર ઉપર આવે? સતિષ જશવાણી, એડવોકેટ, વેરાવળ
જવાબ: તમારા અસીલ માલ સાથે સેવા પણ પૂરી પડતાં હોય જી.એસ.ટી. હેઠળ નોંધણી મેળવવાની જવાબદારી માટે 20 લાખની મર્યાદા ધ્યાને લેવાની રહે તેવો અમારો મત છે.
- જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા કરદાતા માત્ર ઇન્કમ ટેક્સ રિટર્નમાં કમિશન આવક દર્શાવે અને જી.એસ.ટી. રિટર્નમાં દર્શાવે તો ચાલે? શું આકારણી તબક્કે આ બાબતે પ્રશ્નો આવી શકે? શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર
જવાબ: ના, જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ધરાવતા હોય તેવા કરદાતાએ જી.એસ.ટી. રિટર્નમાં આ કમિશન આવક દર્શાવવી ફરજિયાત રહે. જો આ પ્રમાણે આવક દર્શાવી ના હોય તો ચોક્કસ આકારણી તબક્કે પ્રશ્નો ઊભા થઈ શકે છે.
ઇન્કમ ટેક્સ
- કોઈ કરદાતા ખેતીની જમીન ધરાવતો ના હોય તો ખેતીની આવક દર્શાવી શકે? એ વ્યક્તિને ઇન્કમ ટેક્સ હેઠળ કરમુક્તિનો લાભ મળે? શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપૂર
જવાબ: ના, ઇન્કમ ટેક્સ હેઠળ ખેતીની આવકની કરમુક્તિ માટે ખેતીની જમીન હોવી જરૂરી છે. આમ, ખેતીની જમીન ધરાવતા ના હોય તો ઇન્કમ ટેક્સ હેઠળ કરમુક્તિનો લાભ મળે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.