સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 24.08.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ જનરલ ઇન્સ્યુરોન્સ એજન્ટ છે. તેઓનું સર્વિસનું ટર્નઓવર 20 લાખથી વધુ છે. શું તેઓ જી.એસ.ટી. લેવા જવાબદાર છે? જો જી.એસ.ટી. લેવા જવાબદાર ના હોય પણ જી.એસ.ટી. લઈ લીધો હોય તો જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઈન્સ્યોરન્સ કંપનીની આવે કે અમારા અસીલની? ધાર્મિન રામાણી, રાજકોટ
જવાબ: જી.એસ.ટી. કાયદાના નોટિફિકેશન સેંટરલ ટેક્સ (રેઇટ) 13/2017, તારીખ 28.06.2017 મુજબ ઈન્સ્યોરન્સ એજન્ટની સેવાનો સમાવેશ RCM હેઠળ કરવામાં આવ્યો છે. આમ, આ સેવા ઉપર ઈન્સ્યોરન્સ કંપની વેરો ભરવા જવાબદાર છે. આપના અસીલનું ટર્નઓવર 20 લાખ ઉપર થયું હોવા છતાં તેઓ જી.એસ.ટી. નોંધણી નંબર લેવા જવાબદાર નથી તેવો અમારો મત છે. જી.એસ.ટી. નંબર મેળવી લીધો હોય તો પણ તેઓએ આ રકમ GSTR 1 માં Payable under RCM માં ટીક કરી શકે અને આ વ્યવહારની જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઈન્સ્યોરન્સ કંપનીની આવે તેવો અમારો મત છે.
- અમારા અસીલ દ્વારા જે જગ્યા ઉપર જી.એસ.ટી. ની માંગણી કરવામાં આવી રહી છે તે રહેણાંકી મિલકત છે. આ મિલકત સંદર્ભે તમામ વિગતો પૂરી પાડી હોવા છતાં માત્ર રહેણાંકી મિલકત હોવાના કારણે આ નોંધણી દાખલો આપવામાં આવતો નથી. માત્ર આ કારણે જ અમારી નોંધણી અંગેની અરજી 3 થી 4 વાર નામંજૂર કરવામાં આવી છે. શું રહેણાંકી મિલકતમાં જી.એસ.ટી. નંબર ના મળે તે અધિકારીનું કારણ યોગ્ય છે? જગદીશભાઇ વ્યાસ, ડીસા
જવાબ: ના, રહેણાંકી મિલકત ઉપર જી.એસ.ટી. ના મળે તેવો કોઈ નિયમ છે નહીં. આ અરજીમાં જ્યારે “ક્વેરી” ઊભી કરવામાં આવે ત્યારે આપના ધંધાને લગતી તમામ વિગતો અંગે એક વિગતવાર નોંધ લખી વિગત અપલોડ કરો. શક્ય હોય તો આ અંગે સોગંદનામું કરો. આ પ્રકારે વિગતો આપવાથી જી.એસ.ટી. નંબર એલોટ થવાની શક્યતા છે. આ અંગે જો સેંટરલ ડિપાર્ટમેંટની નોટિસ હોય તો “સેંટરલ રજીસ્ટ્રેશન ઓફિસ નંબર” ઉપર ફોન કરી આ અંગે વિગતો આપી શકો છો. સ્ટેટ ડિપાર્ટમેંટ હોય તો રૂબરૂ મળી તમારી સમસ્યા અંગે વાકેફ કરી શકો છો.
- અમારા અસીલ પોતાની જ જમીન ઉપર મકાન-દુકાન બાંધકામ કરી વેચાણનો ધંધો કરે છે. તેઓ કંપલીશન સર્ટિફિકેટ મળ્યા પછી જ આ વેચાણ કરે છે. ક્યારેક કંપલીશન સર્ટિફિકેટ મળ્યા પછી લાંબા સમય સુધી મકાન-દુકાન વેચાણ થયા વગર પડી હોય છે. આવા સમયે મિલકત જાળવવા કોઈ ખર્ચ કરવો પડતો હોય છે. શું આ કારણે અમારી જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? કાપડિયા જીતેશ, જેતપુર
જવાબ: ના, કંપલીશન સર્ટિફિકેટ મળ્યા બાદ ભલે મિલકત જાળવણી પેટે ખર્ચ કરવામાં આવ્યો હોય, તો પણ જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- કરદાતા દ્વારા દ્વારા GSTR 9 ફાઇલ કરવામાં આવ્યું છે પણ GSTR 9C ફાઇલ કરવામાં આવ્યું હોય પરંતુ 9C ફાઇલ કરવામાં ના આવ્યું હોય તો શું જી.એસ.ટી. કાયદાની કલમ 125 ની જનરલ પેનલ્ટી લાગુ પડે? જીતેશ કાપડિયા, જેતપુર
જવાબ: હા, 9C ફાઇલ કરવામાં મોડુ થયું હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 125 હેઠળ જનરલ પેનલ્ટી લાગુ પડી શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલ ફરસાણ ઉત્પાદન કરી વેચાણ કરવાનો ધંધો કરે છે. તેઓનો ધંધો માત્ર કાઉન્ટર ઉપરથી માલ વેચાણ કરવાનો છે તેઓ ત્યાં બેસી ફરસાણ પીરસવાની સગવડ નથી. તેઓનું ટર્નઓવર 1.5 કરોડ થી ઓછું છે. શું તેઓ કંપોઝીશન સ્કીમ હેઠળ 1% નો લાભ લઈ શકે? શું તેઓ “સ્વીગી”, “ઝૉમેટો” વગેરે ઓનલાઈન કંપની દ્વારા ઓનલાઈન વેચાણ કંપોઝીશન માં હોય તો પણ કરી શકે? વિક્રમ જોશી, એડ્વોકેટ, રાજકોટ
જવાબ: હા, માત્ર ઉત્પાદન કરી માલ વેચાણનો ધંધો કરતાં હોય તો કુલ ટર્નઓવર ઉપર 1% જી.એસ.ટી. ભરી કંપોઝીશન નો લાભ લઈ શકે છે તેવો અમારો મત છે. આપના અસીલ કંપોઝીશન સ્કીમ હેઠળ હોય તો “સ્વીગી”, ઝૉમેટો” પર વેચાણ કરી શકે. આ ઓનલાઈન વ્યવહારો ઉપર ઇ કોમર્સ કંપની RCM લેખે વેરો ભરશે તેવો અમારો મત છે.
- અમારા અસીલ સામે અધિકારી દ્વારા 73(9) માં આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં બે પ્રકારની જવાબદારી ઊભી થઈ છે. આઉટપુટ બાજુ, 9000 અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર થતાં 150000. જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ડીસએલાવ થઈ છે તે સર્ક્યુલર 183/15/2022 મુજબ અપીલમાં ડ્રોપ થઈ શકે તેમ છે. શું એમ્નેસ્ટી સ્કીમ હેઠળ આઉટપુટ લાયાબીલીટી સામે લાભ લઈ ઈન્પુટ બાબતે અપીલ કરી શકાય? મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: કલમ 128A પસાર થઈ ગઇ છે પરંતુ નોટિફાય થઈ નથી. ઉપરાંત આ “એમ્નેસ્ટી” બાબતે વિગતવાર સર્ક્યુલર પણ આવે તેવી સંભાવના છે. અમારો મત છે કે આ બાબતે જી.એસ.ટી. ની કલમ નોટિફાય થાય અને સર્ક્યુલર આવે ત્યારેજ ચોક્કસ જવાબ આપી શકાય.
- અમારા અસીલ દ્વારા અપીલ 240 દિવસ મોડી કરવામાં આવી હતી. અપીલ અધિકારી દ્વારા અમારી ડીલે કોંડોનની વિગતો, રજૂ કરેલ એફિડેવિટ ધ્યાને લીધા સિવાય, સુનાવણીની તક આપ્યા સિવાય આ અપીલ નામંજૂર કરવામાં આવી છે. આ સામે અમારી પાસે ક્યાં વિકલ્પ રહેલા છે? મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: રૂબરૂ સુનાવણીની તક આપવામાં ના આવી હોય તો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું ના હોય તેમ ગણાય. આ બાબતે હાઇકોર્ટમાં રિટ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ રહે તેવો અમારો મત છે. આ અંગે ટેક્સ ટુડેનો એડવોકેટ ભાર્ગવ ગણાત્રા દ્વારા લખવામાં આવેલ ખાસ લેખ જોઈ જવા વિનંતી.
- અમારા અસીલનું ટર્નઓવર ગત વર્ષ કરતાં ઘણું ઓછું થયું હોય, અધિકારી દ્વારા અમારા અસીલની ધંધાની જગ્યાની મુલાકાત લઈ કારણ પુછવામાં આવ્યા હતા. શું જી.એસ.ટી. કાયદાની કોઈ જોગવાઈ આ સત્તા અધિકારીને આપે છે? કોલીપરા સુંદરીયા, પોન્નુર
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારીઓને ઘણી સત્તા આપવામાં આવેલ છે. હા આ સત્તા નો ઉપયોગ પૂરી રીતે વિધિ પૂર્ણ કરી કરવાનો થાય છે. આ પ્રકારે વિગતો લેવા મોટાભાગે અધિકારી યોગ્ય કાર્યવાહી કર્યા વગર જ કરતાં હોય છે. આપના અસીલ આ સત્તા અંગે લેખિતમાં આપવા માંગ કરી શકો છો.
- અમારા અસીલ “ડિટોનેટર બ્લાસ્ટિંગ” નો ધંધો કરે છે. આ બ્લાસ્ટિંગના ધંધા માટે ખાનમાં બ્લાસ્ટ કરવા મશીનરી તથા માલની હેરફેરમાં ટ્રેક્ટર ઉપયોગી રહે છે. શું તેઓ દ્વારા ટ્રેક્ટર ખરીદી કરવામાં આવે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?
જવાબ: હા, આપના ધંધા માટે ઉપયોગ થતાં ટ્રેક્ટરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ “મેન પાવર” પૂરી પાડવાની સેવા આપે છે. તેઓ ગુજરાતમાં રજિસ્ટર્ડ છે. તેઓ સેવા દીવના કરદાતાને આપે છે. શું તેઓએ દીવ નંબર લેવો ફરજિયાત બને કે તેઓ IGST નું બિલ બનાવી આ સેવા આપી શકે છે?
જવાબ: મેન પાવરની સેવાનું બિલ ગુજરાતના વેપારી દીવના વેપારીને IGST નું બિલ બનાવી આપી શકે છે અને દીવમાં જી.એસ.ટી. લેવાની ફરજિયાત જરૂર રહે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.