સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 11th October 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
- અમારા અસીલ પોતાનો ધંધો બંધ કરી રહ્યા છે. તેઓના ક્રેડિટ લેજરમાં 35000 જેવી બેલેન્સ રહે છે. તેઓની આ બેલેન્સ પોતાના ધંધાના સ્થળ ઉપરના ભાડા માટે ભરેલ જી.એસ.ટી. ના કારણે ઊભી છે. શું આ બેલેન્સનું રિફંડ મળી શકે? નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ જુનાગઢ
જવાબ: ના, આ જમા રકમનું રિફંડ મળી શકે નહીં અને નોંધણી દાખલો રદ કરવા સાથે આ રકમ જી.એસ.ટી. કાયદાની કલમ 29(5) હેઠળ રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.
- અમારા અસીલ એક્સપોર્ટર છે. તેઓ જે એક્સપોર્ટ કરે છે તેમાં વેચાણ CIF ધોરણે કરેલ છે. અધિકારી રિફંડ ચૂકવતા સમયે CIF ના સ્થાને FOB વેલ્યૂ લઈ રિફંડની ગણતરી કરી રહ્યા છે. શું અમારા અસીલને પોતાનું વેચાણ CIF ધોરણે કરેલ હોવા છતાં FOB પ્રમાણે જ રિફંડ મળે? સચિન ઠક્કર, એડવોકેટ, ડીસા
જવાબ: જી.એસ.ટી. ડિપાર્ટમેંટ એક સર્ક્યુલરના કારણે FOB વેલ્યૂને ધ્યાને લે છે પરંતુ જી.એસ.ટી. કાયદામાં આ અંગે કોઈ ખુલાસો નથી. CIF ધોરણે થયેલા એક્સપોર્ટમાં FOB વેલ્યૂ પ્રમાણે રિફંડ આપવાની પદ્ધતિ યોગ્ય ગણાય નહીં. આ સામે અપીલમાં જવું જોઈએ તેવો અમારો મત છે.
- અમે એક ઉત્પાદક છીએ. અમારે નાણાકીય વર્ષ 2020-21 માટેની એક B2B ક્રેડિટ નોટમાં સુધારો કરવાનો થાય છે. સપ્ટેમ્બર 2021 નું રિટર્ન આ સુધારો કરવાં માટે છેલ્લું રિટર્ન ગણાય. મુશ્કેલી એ છે કે સપ્ટેમ્બર 2021 નું રિટર્ન NIL છે. આ કારણે GSTR 3B માં આંકડા નેગેટિવ આવે છે. સિસ્ટમ આ સ્વીકારતું નથી. GSTR 1 માં તો આ અંગેની એન્ટ્રી લેવામાં આવેલ છે. આ અંગે કોઈ ઉપાય હોય તો જણાવશો? ચેતન સોમૈયા, વેપારી, ઉના
જવાબ: સામાન્ય રીતે આ પ્રકારના વ્યવહારમાં સર્ક્યુલર 26/2017 પ્રમાણે 2020-21 ની ક્રેડિટ નોટના જી.એસ.ટી. નું રિફંડ લેવાનું થાય. પરંતુ વ્યાવહારિક રીતે જ્યારે સપ્ટેમ્બરના રિટર્નમાં વેચાણ ના હોય કે હોય તો ક્રેડિટ નોટથી ઓછું વેચાણ હોય તો આ 2020-21 ની ક્રેડિટ નોટ સપ્ટેમ્બર 2021ના GSTR 1 માં યોગ્ય રીતે દર્શાવી GSTR 3B માં અધર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તરીકે દર્શાવી શકાય તેવો અમારો વ્યાવહારિક મત છે. જો આ રકમ મોટી હોય તો ભવિષ્યમાં આ અંગે આકારણીમાં પ્રશ્નો આવી શકે છે.
- અમારા અસીલ મીઠાની ખરીદી કરી તેના ઉપર પ્રોસેસ કરી પેકિંગમાં વેચાણ કરે છે. મીઠાનું વેચાણ અમો કરમુક્ત તરીકે કરીએ છીએ. આ મીઠા ઉપર પેકિંગ બેગ ઉપર જી.એસ.ટી. લાગતો હોય છે આ અંગેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જમા રહે છે. શું પેકિંગ કરેલ મીઠાના પેકેટ કરમુક્ત ગણાય? આ કરમુક્ત વેચાણ ઉપર જમા રહેલ ક્રેડિટનું રિફંડ મળી શકે? રાજેશ સુતાર, એડ્વોકેટ,ભુજ-કચ્છ,
જવાબ: જી.એસ.ટી. હેઠળ મીઠાનો સમાવેશ 2501 HSN માં થાય અને કરમુક્ત બને. કરમુક્ત ચીજ વસ્તુ ઉપર જી.એસ.ટી. ની ખરીદીઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. આ બાબતે જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) તથા નિયમ 42 જોઈ જવા વિનંતી.
- અમારા અસીલ કાપડનો જથ્થાબંધ વેપાર કરે છે. તેઓ દ્વારા જે વેચાણ કરવામાં આવે છે તે વેચાણ માટે ખરીદનાર દ્વારા ચુકવણી મોડી કરવામાં આવે તો વ્યાજ લાગતું હોય છે. આ વ્યાજ ઉપર જી.એસ.ટી. લાગુ પડે? જો જી.એસ.ટી. લાગુ પડે તો કેટલા ટકા જી.એસ.ટી. લાગુ પડે? નીકુલ સોલંકી, એકાઉન્ટન્ટ, અમદાવાદ
જવાબ: હા, આ પ્રકારે માલની ચુકવણી મોડી કરવામાં આવે તેના વ્યાજ ઉપર જી.એસ.ટી. લાગુ પડે. આ જી.એસ.ટી. નો દર જે તે માલ કે સેવાના દર જેટલો જી.એસ.ટી. નો દર વ્યાજ ઉપર લાગુ પડે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.