ઇન્કમ ટેક્સ હેઠળ નવી કે જૂની સ્કીમમાં જવા અંગે આ બાબતો જાણવી છે જરૂરી!!
By Bhavya Popat
તા. 22.05.2024
નવા દરો મુજબ વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારવા ફોર્મ 10IEA ભરવાનું રહેશે નહીં
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નાણાકીય વર્ષ 2020 21 થી નવા ઇન્કમ ટેક્સના દરો લાગુ કરવામાં આવ્યા હતા. આ દરો ઇન્કમ ટેકસ કાયદાની કલમ 115BAC હેઠળ લાગુ કરવામાં આવ્યા છે. બજેટ 2020 માં નાણાં મંત્રી નિર્મલા સિથારમણ દ્વારા કરદાતાને નવા દરો અને જૂના દરો વચ્ચે પસંદગી કરવાની છૂટ આપવામાં આવી. નવા દરો હેઠળ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો અને વિવિધ આવકો માટે આવકવેરાનો દર ઘટાડવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટાડા સાથે નવા દરોમાં કરદાતા પાસે કોઈ ડિડકશન-છૂટ લેવાના વિકલ્પો ના હતા. ઇન્કમ ટેક્સ હેઠળના જૂના દરોમાં ટેક્સ રેઇટ ઊંચો હતો પરંતુ કરદાતાને પોતાના દ્વારા કરવામાં આવેલ રોકાણ જેવા કે LIC, PPF, PF, હાઉસિંગ લોન હપ્તા, હાઉસિંગ લોન વ્યાજ વગેરેના ડિડકશન લેવાની છૂટ આપવામાં આવેલ હતી. કરદાતા પોતાની આવક અને પોતાના ઇન્કમ ટેક્સ હેઠળના માન્ય રોકાણ ગણી પોતે ઇન્કમ ટેક્સ હેઠળ ક્યાં દરો (નવા કે જૂના) પસંદ કરે છે તે નક્કી કરવાનું રહેતું હતું. 31.03.2023 સુધી કરદાતાઓ માટે જૂના દરોનો વિકલ્પ એ “ડિફોલ્ટ” વિકલ્પ હતો. કરદાતા નવા કે જૂના દરો અંગે કોઈ પસંદગી ના કરે તો જૂના દરો તેના માટેનો વિકલ્પ ગણી લેવામાં આવતો હતો.
01.04.2023 થી આવ્યો છે આ મહત્વનો બદલાવ!!!
01 એપ્રિલ 2023 થી એટ્લે કે ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2023 24 ના રિટર્ન ભરવા સમયે ઇન્કમ ટેક્સ હેઠળના નવા દરો બની જશે “ડિફોલ્ટ” વિકલ્પ. આમ, જે કરદાતા પોતે અરજી કરી જૂના દરોનો વિકલ્પ નહીં સ્વીકારે તેના માટે નવા દરો આપો આપ લાગુ થઈ જશે.
જૂના દરોનો વિકલ્પ સ્વીકારવા કરવી પડશે અરજી:
જે કોઈ કરદાતા પાસે ઇન્કમ ટેક્સ હેઠળ માન્ય રોકાણ વધુ છે અને આ કારણે જૂના દરો એમના માટે ફાયદાકારક થતાં હોય તેઓએ નાણાકીય વર્ષ 2023 24 નું રિટર્ન ભરવા સાથે નિયત સમયમાં એટ્લે કે રિટર્ન ભરવાની ડ્યુ ડેઇટ સુધીમાં વિકલ્પ પસંદ કરી લેવાનો રહે છે.
જૂના દર અંગેનો વિકલ્પ પસંદ કરવાની બિઝનેસની આવક ધરાવતા કરદાતાઑ માટે સમય મર્યાદા:
જે કરદાતાને બિઝનેસમાંથી આવક હોય તેઓ માટે પોતાના બિઝનેસને જો ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કે કોઈ અન્ય કાયદા હેઠળ ઓડિટની જોગવાઈ લાગુ પડતી હોય તો 31 ઑક્ટોબર સુધીમાં જૂના દરોએ વેરો ભરવા અંગેનો વિકલ્પ સ્વીકારવાનો રહેશે. પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે જૂના દરોએ ટેક્સ ભરવા અંગેનું ડેકલેરેશન 10IEA માં કરી આપવાનું થશે. એવી રીતે, ઓડિટ લાગુ ના પડતું હોય તેવા બિઝનેસની આવક ધરાવતા કરદાતાઓ માટે 31 જુલાઇ સુધીમાં જૂના દરો અંગેનો આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
જૂના દર અંગે વિકલ્પ પસંદ કરવાની બિઝનેસ સિવાયની આવક ધરાવતા કરદાતાઓ માટે સમયમર્યાદા
જે કરદાતાને બિઝનેસની આવક નથી તેઓ માટે 31 જુલાઇ સુધીમાં પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન માંજ આ વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. આવી આવક ધરાવતા કરદાતાઓએ જૂના દરોનો વિકલ્પ સ્વીકારવા કોઈ અલગ ફોર્મ ભરવાનું રહેશે નહીં પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન માંજ આ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
શું રિટર્ન ભરવાની ડ્યુ ડેઇટ પછી જૂના દરો માટેનો વિકલ્પ પસંદ કરી શકાશે નહીં?
ના, રિટર્ન ભરવાની ડ્યુ ડેઇટ કે જે સામાન્ય રીતે 31 જુલાઇ હોય છે (ઓડિટ લાગુ હોય તેવા બિઝનેસ આવક ધરાવતા માટે 31 ઓક્ટોબર) તેના પછી કરદાતા પોતે જૂના વેરાના દરોનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
શું દર વર્ષે આ વિકલ્પ પસંદ કરવા અરજી કરવાની રહેશે?
બિઝનેસની આવક ધરાવતા કરદાતાઓ માટે એક વખત આ જૂના દરો અંગે વિકલ્પ પસંદ કરવા ફોર્મ 10IEA માં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદના વર્ષોમાં કોઈ અરજી કરવાની નહીં રહે અને આ જૂના દરો ઓટોમેટિક લાગુ થઈ જશે. બિઝનેસની આવક ના હોય અને બિઝનેસ સિવાયની આવક ધરાવતા કરદાતા દર વર્ષે પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન જ્યારે નિયત તારીખ સુધીમાં (31 જુલાઇ સુધીમાં) ભરવામાં આવે તેમાં જૂના દરો અંગે વિકલ્પ પસંદ કરી શકશે. હા, જો કરદાતા 31 જુલાઇ સુધીમાં રિટર્ન ભરવાનું ચૂકી ગયા તો તેઓના માટે જૂના દરનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં.
બિઝનેસની આવક ધરાવતા કરદાતા માટે જૂના દરો પસંદ કર્યા બાત તેમાંથી બહાર નિકલવાનો કોઈ વિકલ્પ છે?
હા, બિઝનેસની આવક ધરાવતા કરદાતાએ જ્યારે એક વાર જૂના દરોનો વિકલ્પ પસંદ કરેલ છે ત્યારે તેઓ એક વાર જૂના દરમાંથી નવા દરમાં તબદીલ થઈ શકે છે. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે એક વાર જૂના દરનો વિકલ્પ પસંદ કર્યો હોય અને તેમાંથી નવા દરના વિકલ્પમાં તબદીલ થયા હોય ત્યારબાદ ક્યારેય ફરી જૂના દરનો વિકલ્પ કરદાતાને મળશે નહીં. હા આવા બિઝનેસની આવક ધરાવતા કરદાતાની જ્યારે બિઝનેસની આવક બંધ થઈ જાય તેવા સંજોગોમાં ફરી તેઓ બિઝનેસ સિવાયની આવક ધરાવતા કરદાતાની જેમ દર વર્ષે પોતાનો વિકલ્પ પસંદ કરી શકશે.
નવા દરો પસંદ કરવામાં પણ આ ડિડકશન મળશે!!
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 80CCD હેઠળ કોઈ પણ વ્યક્તિગ્ત કરદાતા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય પેન્શન સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો કલમ 80CCD ની શરતોને આધીન આ રોકાણ નવા દરો હેઠળ પણ કરદાતાને બાદ મળશે.
કરદાતા માટે ક્યાં દરો વધુ લાભકારી છે તે અંગે યોગ્ય અને સમયસર ચકાસણી છે જરૂરી:
કરદાતાને ક્યાં દરો જૂના કે નવા વધુ ફાયદાકારક છે તે અંગે પોતાના ટેક્સ પ્રોફેશનલ્સની મુલાકાત લઈ યોગ્ય રીતે અને સમયસર ગણતરી કરી ચકાસણી કરી લેવી ખૂબ જરૂરી છે. હા આ સાથે જ સમયસર પોતાનું રિટર્ન ભરવાનું અને જૂના દરોમાં જવું હોય તો આ વિકલ્પ સમયસર સ્વીકારમાં આવે તે જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 20.05.2024 ના રોજ પ્રકાશિત થયેલ છે)