સુપ્રીમ કોર્ટનો ચુકાદો કરી શકે છે તમને અસર!!!

-By Bhavya Popat, Advocate
2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં ચૂકવવા આવેલ હોય તો કોર્ટ-સબ રજીસટ્રાર કરે ઇન્કમ ટેકસને જાણ: સુપ્રીમ કોર્ટ
તા. 28.04.2025: સુપ્રીમ કોર્ટ દ્વારા એક સિવિલ કેસની સુનાવણી કરતાં સમયે એક ખૂબ મહત્વનો ચુકાદો આપતા ઠરાવવામાં આવેલ છે કે કોઈ કેસમાં પક્ષકારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હોય કે તેઓ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે, તો તેવા કેસોની વિગતો જે તે કોર્ટ દ્વારા ક્ષેત્રાધિકાર ધરાવતા ઇન્કમ ટેક્સ ઓફિસને આપવી જરૂરી બનશે. કોર્ટ દ્વારા આ વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મોકલવામાં આવેલ હોય ત્યારે ડિપાર્ટમેંટ દ્વારા કાયદા અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કે જેઓ સ્થાવર મિલ્કતની નોંધણીની કામગીરી કરે છે તેમની પાસે દસ્તાવેજની નોંધણી કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવે અને આ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવેલ હોય ત્યારે સબ રજીસ્ટ્રાર દ્વારા પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને જાણ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ તાકીદ કરવામાં આવેલ છે કે કોઈ સર્વે અને સર્ચની કામગીરીમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે કોઈ એવી વિગત મળે જેમાં સ્થાવર મિલકત પેટે 2 લાખ કે તેથી વધુ રકમની ચુકવણી રોકડમાં કરવામાં આવેલ હોય અને સબ રજીસ્ટ્રાર દ્વારા આ વિગત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવામાં આવેલ ના હોય ત્યારે આ બાબતની જાણ રાજ્યના ચીફ સેક્રેટરીને કરવાની રહેશે જેઓ દ્વારા આ અધિકારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટની આ માર્ગદર્શિકાની જાણ તમામ કોર્ટ અને સબ રજીસ્ટ્રારને કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની જે. બી. પારડીવાલા તથા આર. મહાદેવનની ખંડપીઠના આ ચુકાદાની અસર ખૂબ દૂરોગામી રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ ચુકાદાથી વિવિધ કોર્ટ, સબ રજીસ્ટ્રાર ઓફિસ અને સામાન્ય લોકોની જવાબદારીમાં શું વધારો થઈ શકે છે તે આ લેખમાં સમજાવવા પ્રયાસ કરવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ કાયદાની આ અંગેની જોગવાઈ:
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269ST મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવહાર પેટે 2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં સ્વીકારી શકે નહીં. જો આ રકમ લોન, ડિપોઝિટ કે મિલ્કતના વેચાણ સંબંધે અવેજ પૈકી મળેલ હોય તો આ રોકડ રકમની મર્યાદા 2 લાખની જગ્યાએ 20 હજારથી રહેતી હોય છે. આ રોકડની મર્યાદાથી વધુ રકમ રોકડ માં સ્વીકારવામાં આવે તો સ્વીકારેલ રકમ જેટલી જ રકમનો દંડ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદામાં મિલ્કત ખરીદ વેચાણમાં લાગુ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269 SS માં આપવામાં આવેલ 20 હજારની મર્યાદા ધ્યાને લેવામાં આવેલ નથી.
જમીની સ્તરે પરિસ્થિતી:
ઇન્કમ ટેક્સને લગતી ઉપર જણાવેલ જોગવાઈનું જમીની સ્તરે ઉલ્લંઘન સતત થતું જોવા મળતું હોય છે. ઉપરોક્ત રોકડ અંગેની ઇન્કમ ટેક્સ કાયદાની મર્યાદા હોવા છતાં અનેક મિલ્કતોના ખરીદ વેચાણમાં, અનેક અન્ય વ્યવહારમાં રોકડની મર્યાદા ઉપરની રકમની લેવડ દેવડ થતી હોય છે. ક્યારેક જાણકારીના અભાવે તો ક્યારેક જાણકારી હોવા છતાં પણ આ પ્રકારના વ્યવહારો વ્યક્તિઑ દ્વારા કરવામાં આવતા હોય છે.
આ ચુકાદાની કોર્ટ અને તેની કાર્યવાહી ઉપર થશે અસર:
કોર્ટમાં એવા અનેક દાવા, ચેક રિટર્નના કેસો, અન્ય કેસો રજૂ થતાં જેમાં ઇન્કમ ટેક્સ કાયદાની રોકડ અંગેની આ મર્યાદાથી વધારે રકમની ચૂકવણી થઈ હોવાની વિગતો હોય છે. આમ, થતું હોવા છતાં કોર્ટ દ્વારા આ મુદ્દા બાબતે જોઈએ તેવી ગંભીરતા દાખવવામાં આવતી હોતી નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે તમામ કોર્ટ દ્વારા આ બાબતે ધ્યાન આપવું ચોક્કસ જરૂરી બની જશે. એટલું જ નહીં આ પ્રકારે કેસ દાખલ કરવામાં કે દલીલ રજૂ કરવામાં કોઈ વ્યક્તિના વકીલે પણ હવે સાવચેતી રાખવાની જરૂરી બની જશે.
આ ચુકાદાથી સબ રજીસ્ટ્રારની ઊભી થશે મોટી જવાબદારી:
કોર્ટની જેમ સબ રજીસ્ટ્રાર ઓફિસ કે જ્યાં સ્થાવર મિલ્કતના વેચાણ દસ્તાવેજની નોંધણી થતી હોય છે ત્યાં પણ અનેક વાર ઇન્કમ ટેક્સની આ જોગવાઈ નું ઉલ્લંઘન થતું જોવા મળતું હોય છે. અનેક દસ્તાવેજોની નોંધણી ઇન્કમ ટેક્સ કાયદાની રોકડ મર્યાદાનો ભંગ થતો હોવા છતાં થઈ જતી હોય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સબ રજીસ્ટ્રારની જવાબદારીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થઈ જશે. ઇન્કમ ટેક્સ કાયદાની આ જોગવાઈ સમજી સબ રજીસ્ટ્રાર દ્વારા 2 લાખકે તેથી વધુ રકમ નો અવેજ રોકડમાં ચૂકવવામાં આવ્યો હોય તો તે અંગેની જાણ સબ રજીસ્ટ્રાર દ્વારા પોતાના વિસ્તારનું ક્ષેત્રાધિકાર ધરાવતા ઇન્કમ ટેક્સ અધિકારીને મોકલવાનું રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા સબ રજીસ્ટ્રાર ઉપર આ જવાબદારી સવિશેષ નાંખવામાં આવેલ છે કારણકે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ પણે નિર્દેશ આપવામાં આવેલ છે કે કોઈ સર્વેમાં કે અન્ય તપાસમાં કોઈ વ્યક્તિને ત્યથી એવા દસ્તાવેજો મળે કે જેમાં ઇન્કમ ટેક્સની મર્યાદાથી વધુ રકમની રોકડમાં ચુકવણી કરવામાં આવેલ હોય અને નોંધણી કરનાર સબ રજીસ્ટરરે આ અંગે ઇન્કમ ટેક્સ અધિકારીને જાણ કરવામાં આવેલ નથી તેવા સંજોગોમાં તે સબ રજીસ્ટ્રાર અંગેની ફરિયાદ જે તે રાજ્યના સચિવને કરવાની રહેશે. સચિવે આ પ્રકારની માહિતી મળે ત્યારે સબ રજીસ્ટ્રાર ઉપર ખાતાકીય પગલાં લેવાના રહેશે તેવી સૂચના સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચૂકદાઓમાં આપવામાં આવેલ છે. આમ, સબ રજીસ્ટ્રાર દ્વારા કોઈ પણ મિલ્કતની અવેજ સંબધી વિગતો દરેક દસ્તાવેજમાં વાંચવું ફરજિયાત બની જશે. આ ઉપરાંત સ્થાવર મિલ્કતના દસ્તાવેજો બનાવનાર વકીલો માટે પણ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની રોકડ રકમની મર્યાદા બાબત ઉપર ધ્યાન આપવું જરૂરી બનશે.
સામાન્ય લોકો માટે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની અસર:
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદોથી સામાન્ય લોકોએ પણ પોતાના રોજ બરોજના વ્યવહારોમાં તથા મિલ્કત ખરીદ વેચાણ અંગેના વ્યવહારો કરવામાં ઇન્કમ ટેક્સ કાયદાની આ જોગવાઈ ધ્યાને લેવાની રહેશે. આ જોગવાઈ તો છેલ્લા ઘણા વર્ષોથી લાગુ છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે કોર્ટ, સબ રજીસ્ટ્રાર વગેરે દ્વારા આ ચૂક અંગે ઇન્કમ ટેક્સને સૂચના આપવી અનિવાર્ય બનશે. આમ, કોઈ પણ વ્યક્તિ આ મર્યાદા ઉપરના વ્યવહાર કરશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આ અંગેની જાણ થશે અને વ્યક્તિ ઉપર આ મર્યાદાના ભંગ બાબતે દંડકીયા કાર્યવાહી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા એક સામાન્ય કેસમાં આપવામાં આવેલ ચુકાદો અને ખાસ કરીને કોર્ટ અને સબ રજીસ્ટ્રાર માટે બહાર પાડવામાં આ સૂચનો રોકડ વ્યવહારો ઉપર અસમાન્ય અસર કરી શકે છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 28 એપ્રિલ 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે.)