વેપારીનું જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવું તેને ફાંસીની સજા આપવા બરાબર ગણી શકાય: મદ્રાસ હાઇકોર્ટ

2
Spread the love
Reading Time: 3 minutes

તા. 11.06.2024

જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી લાગુ થયો છે ત્યારથી ઘણી બાબતો માટે ચર્ચાસ્પદ રહ્યો છે. આ બાબતો પૈકી એક બાબત છે કાયદા હેઠળ કરવામાં આવેલ ચૂક બદલ વેપારીનો નોંધણી દાખલો રદ્દ કરવા અંગની જોગવાઈ. જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારી અમુક રિટર્ન ના ભરે ત્યારે અધિકારી વેપારીનો જી.એસ.ટી. નંબર રદ્દ કરી નાંખવાની સત્તા ધરાવે છે. આ સત્તાનો ઉપયોગ કરી ઘણા વેપારીઓના જી.એસ.ટી. નોંધણી દાખલા અધિકારી દ્વારા રદ્દ કરી નાંખવામાં આવતા હોય છે. જી.એસ.ટી. હેઠળ આવા રદ્દ કરી નાખવામાં આવેલ જી.એસ.ટી. નોંધણી દાખલાને નિયત સમયમાં યોગ્ય વિધિ કરી પુનઃ ચાલુ કરવી શકે છે. આ સમય રિવોકેશન માટે એક મહિનાથી મંડીને ત્રણ મહિના નો રહેતો હોય છે. અપીલ દ્વારા જી.એસ.ટી. પુનઃ સ્થાપિત કરવા રદ્દના આદેશ તારીખથી મહત્તમ ચાર મહિનામાં કરવાનો સમય રહેતો હોય છે. મોટાભાગના કેસોમાં આ સમયમર્યાદામાં જી.એસ.ટી. પુનઃ જીવિત કરવાની અરજી કરી યેનકેન પ્રકારે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન પુનઃજીવિત (રિસ્ટોર) કરાવી આપવામાં આવતા હોય છે. પરંતુ અમુક કેસોમાં સમયમર્યાદાને કારણે અથવા તો કોઈ અન્ય કારણે જી.એસ.ટી. નોંધણી દાખલો પુનઃજીવિત કરી આપવામાં આવતા હોતા નથી. આ પ્રકારના કેસોમાં જે વેપારીનો નોંધણી દાખલો રદ્દ થયો હોય તે વેપારી તો અસહ્ય યાતના ભોગવે જ છે પરંતુ સાથો સાથ તેની સાથે સલગ્ન ખરીદનાર વેપારી તથા વેચનાર વેપારી માટે પણ અનેક તકલીફો ભોગવવાનો વારો આવતો હોય છે.

મોટાભાગના કેસો બને છે સમયમર્યાદાનો શિકાર!!

જી.એસ.ટી. કાયદા હેઠળ વિવિધ કર્યો તથા વિધિ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આ સમયમર્યાદામાં કોઈ કામ ના કરવામાં આવે ત્યારે તેના ઘણા ગંભીર પરિણામ આવવાની શક્યતા રહેતી હોય છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જ્યારે નોંધણી દાખલો રદ્દ કરી નાંખવામાં આવે ત્યારે વેપારી આ રદ્દના આદેશ સામે રિવોકેશન અરજી કરી ફરી પોતાનો જી.એસ.ટી. નંબર ચાલુ કરવી શકે છે. આ રિવોકેશન અરજી સામાન્ય રીતે નોંધણી દાખલો રદ્દ થયાના આદેશ થવાના 30 દિવસમાં કરી શકાય છે. આ ઉપરાંત રદ્દના આદેશના 90 દિવસમાં “ડીલે કોંડોન” સાથે આ અરજી કરવાની તક રહેતી હોય છે. આ સમયમર્યાદા ચૂક્યા બાદ કરદાતા પાસે પછીના 30 દિવસમાં ડીલે કોંડોનેશન સાથે આદેશ સામે અપીલ કરવાની તક મળતી હોય છે. પરંતુ એક વાર આ તક પણ ગુમાવ્યા પછી, વેપારી ભગવાન ભરોસે પહોચી જાય છે. મોટાભાગે કાયદાની અજ્ઞાનતાના કારણે આ પ્રકારની ચૂક થતી હોય છે પરંતુ આ અજ્ઞાનતાના પરિણામ ખૂબ ગંભીર આવતા હોય છે.

મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો:

જોન્સ દીરાવિયમ વી. ડે. કમિશ્નર (જી.એસ.ટી. અપિલ્સ) ના કેસમાં વેપારીનો નોંધણી દાખલો રિટર્ન ના ભરવાના કારણે રદ્દ કરી નાંખવામાં આવ્યો હતો. તેઓ નિયત સમય મર્યાદામાં રિવોકેશન અરજી કરવાની ચૂકી ગયા હતા. આ આદેશ સામે સમયમર્યાદામાં અપીલ કરવાની પણ તેઓ ચૂકી ગયા હતા. તેઓ દ્વારા રદ્દ આદેશના 260 દિવસ બાદ આદેશ સામે અપીલ દાખલા કરવામાં આવેલ હતી. સમયમર્યાદાના કારણે વેપારી દ્વારા કરવામાં આવેલ અપીલ ડે. કમિશ્નર અપીલ દ્વારા સ્વીકારવામાં આવેલ ના હતી. આ આદેશ સામે વેપારીએ મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

કરદાતા વતી ઉપસ્થિત વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે કરદાતા આ આદેશની કાર્યવાહી બાબતે તદ્દન અજાણ હતા. અજાણતા થયેલ ભૂલ અંગે તેઓને ખૂબ મોટી સજા મળી રહી છે. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ પ્રકારના જ બોમ્બે હાઇકોર્ટના કેસનો તથા ઉત્તરાખંડ હાઇકોર્ટના કેસનો સંદર્ભ લેવામાં આવ્યો હતો જ્યાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદા હેઠળ વ્યક્તિગત વેપારીની ખાસ કરીને SME ના હક્કો બચાવવા ખૂબ જરૂરી છે. બન્ને હાઇકોર્ટ દ્વારા ઊંડાણપૂર્વક દલીલો સાંભળી ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. હેઠળ કોઈ વેપારીનો જી.એસ.ટી. નંબર ચાલુ ના કરવો વેપારીના બંધારણના અનુછેદ 19(1)(g) હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલ ધંધો કરવાના હક્ક પર તરાપ ગણી શકાય.

મદ્રાસ હાઇકોર્ટ દ્વારા પણ વેપારી તરફી તથા સરકાર તરફી દલીલ સાંભળી એવું ઠરાવવામાં આવ્યું હતું કે વેપારીને વેપાર કરવાના હક્કને રોકવાનો તથા તેના ગુજરાન ચલાવવાને અટકાવવાનો જી.એસ.ટી. કાયદાનો હેતુ હોય શકે નહીં. વહીવટી બાબતો અંગે નિર્ણય લેવા સમયે દરેક કેસના ગુણદોષ જોવા જરૂરી છે. હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા ભારતીય બંધારણ હેઠળ વ્યક્તિને આપવામાં આવેલ બંધારણીય હક્કો મળી રહે તે બાબત સુનિશ્ચિત કરવાની જવાબદારી કોર્ટની છે.

કોર્ટ દ્વારા વધુમાં નોંધવામાં આવ્યું હતું કે અપીલ અધિકારી ઉપર લાગુ કરવામાં આવેલ સમયમર્યાદાના કારણે ઘણી વાર કરદાતા અસહાય સ્થિતિમાં પહોચી જતાં હોય છે અને તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો હોતો નથી. આવી પરિસ્થિતીમાં વેપારી પોતાનો જિવન નિર્વાહ કરવામાં પણ અસમર્થ બની જાય છે. આ અસમર્થતા તે બંધારણના અનુછેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારની વિરુદ્ધ ગણી શકાય.

મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ પ્રકારની જોગવાઈને વેપારીઓ માટે ફાંસીની સજા સમાન ગણવામાં આવી હતી અને આ કેસ ફરી વિચારણા માટે અધિકારીને પરત મોકલવામાં આવ્યો હતો.

ઉપસંહાર:

જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારીએ પોતાના રિટર્ન ખૂબ નિયમિત ભરવા જોઈએ. કોઈ કારણોસર આમ ના થયું હોય અને આ કારણે જી.એસ.ટી. નંબર રદ્દ થઈ ગયો હોય તેવા કિસ્સામાં સમયમર્યાદામાં રિવોકેશન કે અપીલ કરી દેવી ખૂબ જરૂરી છે. પરંતુ સંજોગોવસાત આમ ના કરી શક્યા હોય, અને સમયમર્યાદાના કારણે પોતે અસહાય સ્થિતિમાં પહોચી ગયા હોય તેમના માટે મદ્રાસ હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાને ખૂબ ઉપયોગી બની શકે છે.

2 thoughts on “વેપારીનું જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવું તેને ફાંસીની સજા આપવા બરાબર ગણી શકાય: મદ્રાસ હાઇકોર્ટ

  1. This is not done to exccute law by its officer, but its doing becaz of the victim get suffered and offer much amount money as bribe to officer, court has only to pass only comment to show its highness but will newer try to full fill or solve permanently this kind of breach and missbeahaving mothodology by govt officer,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!