ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત ટુરીઝમના સહકારથી સુરત ખાતે પ્લેટીનમ હોલમાં ‘ટુરીઝમ કોન્કલેવ’યોજાઇ

Spread the love
Reading Time: 4 minutes
સુરત એ બિઝનેસ ટુરીઝમ માટે પ્રસ્થાપિત થઇ શકે છે, ટુરીઝમ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સને પણ સ્કીલ્ડ કરવા પડશે, પ્રોફેશનલી ટ્રેઇન્ડ મેનપાવર મળશે તો ટુરીઝમ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી શકશે, સુરતમાં ઘણું પોટેન્શીયલ છે : નિષ્ણાંતો
તા. 20.06.2023: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત ટુરીઝમના સહકારથી ગુરૂવાર, તા. ૧પ જૂન ર૦ર૩ ના રોજ બપોરે ૩:૩૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘ટુરીઝમ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટુરીઝમ તરફથી ખ્યાતિ નાયકે ગુજરાત સરકારની ટુરીઝમ પોલિસી, ગુજરાત ટુરીઝમમાં રોકાણની તકો, સિનેમેટિક ટુરીઝમ, એગ્રો ટુરીઝમ, મેડીકલ એન્ડ વેલનેસ ટુરીઝમ, ઇકો ટુરીઝમ, એડવેન્ચર ટુરીઝમ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ ટુરીઝમ, ગોલ્ફ ટુરીઝમ, સ્પોર્ટ્‌સ ટુરીઝમ અને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સીબલ ટુરીઝમ તથા પ્રમોશન, માર્કેટ રિસર્ચ તેમજ ‘ટુરિસ્ટ એટ્રેકશન એન્ડ અપકમીંગ ટુરીઝમ પ્રોજેકટ’વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ ઉપરાંત અનંતા હોટેલ એન્ડ રિસોર્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ ગગન કટયાલે ‘હોટેલ ઇન્ડસ્ટ્રી – કલ આજ ઔર કલ’ વિષે માહિતી આપી હતી. ટુરીઝમમાં પીએચડી કરનાર ડો. મધુ ગોપાલને ‘ટ્રાવેલ વ્યવસાયના સૈદ્ધાંતિક મુલ્યો અને જવાબદારી’ વિષે જાણકારી આપી હતી. સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલીયાએ ‘સ્ટાર રેટીંગ એન્ડ કલાસિફિકેશન ઓફ હોટેલ્સ’ વિષે માહિતી આપી હતી. સંજીવ કુમાર સંજુએ ‘વિયેતનામ – એક લોકપ્રિય ટુરીસ્ટ આકર્ષણ’ વિષે જાણકારી આપી હતી. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કુલ જીડીપીમાં ટ્રાવેલ અને ટુરીઝમનો હિસ્સો ૬.૮ % છે. ટુરીસ્ટને આકર્ષવાનો સંબંધ છે ત્યાં સુધીમાં ગુજરાત સમગ્ર દેશની અંદર ૯ માં નંબરે છે. ગુજરાતના કુલ જીડીપીમાં ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો હિસ્સો ૧૦.ર% છે. ગુજરાતે આવનારા દિવસોમાં સંભવિત વિકાસના ક્ષેત્ર તરીકે મેડિકલ ટુરીઝમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ખૂબ આનંદની વાત છે. એક દાવા મુજબ, સમગ્ર દેશમાં મેડીકલ ટુરીસ્ટની ટકાવારીમાં ર૦% નો વધારો નોંધાયો છે પણ ગુજરાતમાં મેડીકલ ટુરીસ્ટની સંખ્યામાં ૩૩% નો વધારો નોંધાયો છે, જે આપણા ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે.
ગુજરાત ટુરીઝમ તરફથી ખ્યાતિ નાયકે જણાવ્યું હતું કે, ગુજરાત એ હવે ટુરીઝમ ક્ષેત્રે પણ આગળ વધી રહયું છે અને સુરત એ આખા દેશની સુરત બદલે એવી તાકાત ધરાવે છે. દેશનું મેગા ટ્રાવેલ ફેર ગુજરાતમાં થાય અને ગુજરાતમાંય એ સુરતમાં થાય તો અતિ ઉત્તમ રહેશે. સુરત ટુરીઝમ ઇન્ફોર્મેશન બ્યુરો ટુર એન્ડ ટ્રાવેલ એસોસીએશન સાથે જોડાયેલું રહેશે અને તેઓના તરફથી સૂચનો આવકાર્ય રહેશે. આ ઉપરાંત તેઓની કોઇ રજૂઆત હશે તો તેના નિરાકરણ માટે પણ પ્રયાસ કરાશે. દેશ – વિદેશમાં ફરતા સુરતીઓ અને ગુજરાતીઓને તેમણે ગુજરાત રાજ્યના નાના નાના રિમોટ લોકેશનની પણ મજા માણવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન ચલાવ્યું હતું. ગુજરાત પણ હવે ટુરીઝમ હબ બનવા જઇ રહયું છે. ગુજરાતમાં કલ્ચર, હેરીટેજ અને મોડર્ન એમેનેટીઝ છે. અહીં દરેક પ્રાંતના લોકો વસે છે અને ગુજરાતના દરેક ખૂણામાં ટુરીઝમ માટે પોટેન્શીયલ છે. અઠવાડિયાની રજા માણવા માટે મોઢેરા ખાતે સુર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, સાપુતારા, બે જ્યોર્તિલીંગ, દ્વારકાધીશ, હેરીટેજ પ્લેસ અને સીમા દર્શન (નડા બેટ) છે. ગુજરાતમાં ટુરીઝમ બિઝનેસને ગ્રો કરવા માટે ઇકો સિસ્ટમ ડેવલપ કરવી પડશે. એના માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે ગુજરાતની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પણ આગળ આવવું પડશે.
સુરત એ બિઝનેસ ટુરીઝમ માટે પ્રસ્થાપિત થઇ શકે છે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સને પણ સ્કીલ્ડ કરવા પડશે. પ્રોફેશનલી ટ્રેઇન્ડ મેનપાવર મળશે તો ટુરીઝમ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી શકશે. સુરતમાં ઘણું પોટેન્શીયલ છે. હોટેલ એન્ડ હોસ્પિટાલિટી માટે ચેમ્બર દ્વારા પ્રોફેશનલી કોર્ષ શરૂ કરાશે તો ગુજરાત ટુરીઝમ પણ તેમાં સહાય કરશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે હેરીટેજ ટુરીઝમ પોલિસી ર૦ર૦–ર૦રપ, સિનેમેટીક ટુરીઝમ પોલિસી ર૦રર–ર૦ર૭ અને ટુરીઝમ પોલિસી ર૦ર૧–ર૦રપ વિષે જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેને હેરીટેજ ટુરીઝમ પોલિસી બહાર પાડી છે.
ગગન કટયાલે જણાવ્યું હતું કે, હોટેલ ઇન્ડસ્ટ્રી એ ખરેખર સપનું છે. પહેલા લોકો હોટેલમાં જતા ગભરાતા હતા પણ હવે એવું રહયું નથી. હવે હોટેલવાળા લોકો પાસે જતા થયા છે. લોકોએ પોતાના ઘરો પણ હોટેલને આપ્યા છે અને એ પ્રોફેશનલી મેનેજ થઇ રહયું છે. હવે હોમ સ્ટે પણ હોટેલ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગયું છે.
ડો. મધુ ગોપાલે જણાવ્યું હતું કે, ટુર ઓપરેટરો તેમજ હોટેલ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા લોકોને વાત કરવાની કળા શીખવી પડશે. પહેલા ટુરીસ્ટને સાંભળવા પડશે. એનાથી નોલેજ પણ મળશે અને તેઓનો અનુભવ પણ જાણી શકાશે. ટુરીસ્ટને ડેસ્ટીનેશન વિષે સમજણ આપવી પડશે અને પોતાની કંપનીનું એડવાન્ટેજ આપવું પડશે. તેમણે ટુર ઓપરેટરોને ગ્રાહકને સમય આપવાની અને તેઓની વ્યવસ્થિત રીતે સમજાવવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે કહયું હતું કે, એકસચેન્જ ઓફ કલ્ચર, માઇન્ડ અને ફૂડ એ ટુરીઝમનું જમા પાસું છે.
સનત રેલીયાએ જણાવ્યું હતું કે, હોટેલ માટે સ્ટાર કલાસિફિકેશન માટેના વિવિધ નિયમોનું પાલન કરવાનું હોય છે. માત્ર ઇન્ટીરિયર પર ખર્ચ કરવાથી સ્ટાર કલાસિફિકેશન મળતા નથી. કલાસિફિકેશન હોય તો સરકારની સબસિડી પણ મળે છે. પબ્લીક લાયબિલિટીનો ઇન્સ્યુરન્સ નહીં લીધો હોય તો સ્ટાર કલાસિફિકેશન મળતો નથી. સ્ટાર કલાસિફિકેશન માટે વેન્ટીલેટર વિન્ડો અને રેન વોટર હાર્વેસ્ટીંગ સહિતની ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. સુરત ટેક્ષ્ટાઇલ અને ડાયમંડનું સૌથી મોટું માર્કેટ છે ત્યારે મેરેજની ખરીદી માટે લોકો સુરતમાં આવે તે માટે પ્રયાસ કરી શકાય છે, આથી તેમણે ઇન બાઉન્ડ ટુરીઝમ માટે સુરતના ટુર ઓપરેટરોને પેકેજીસ બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
સંજય કુમાર સંજુએ વિયેતનામ ફરવા જનારા ટુરીસ્ટો તથા ટુર ઓપરેટરોને હલોન્ગ બે, દાનાન્ગ, બાના હિલ્સ, હો ઇયાન ટાઉન અને હોચી મીન્ટ સિટી વિષે ટુર ઓપરેટરોને માહિતી આપી હતી.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલા અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા કોન્કલેવમાં હાજર રહયા હતા. માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના એડવાઇઝર વિનેશ શાહે કોન્કલેવ વિષે જાણકારી આપી હતી. કમિટીના કો–ચેરમેન તપન જરીવાલા અને ચેમ્બરના સભ્ય ચાંદની દલાલે કોન્કલેવનું સંચાલન કર્યું હતું.
ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના સભ્ય ડો. વાસુદેવ વરમોરા, TAAPI ના જોઇન્ટ સેક્રેટરી જિગ્નેશ પટેલ, SATA ના પ્રમુખ મિનેશ નાયક અને SGTCA ના પ્રમુખ રાજીવ શાહે નિષ્ણાંત વકતાઓનો પરિચય આપ્યો હતો. TAAI ના સાઉથ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ માલ્કમ પંડોલે પેનલ ડિસ્કશન અને સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. નિષ્ણાંતોએ ટુર ઓપરેટરો તેમજ ટ્રાવેલ એજન્ટોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું. આ કોન્કલેવના આયોજનમાં સુરતના સ્થાનિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશન જેવા કે TAAPI, SATA, TAAI, SGTCA અને SHARA નો પણ સહકાર પ્રાપ્ત થયો હતો. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

4 thoughts on “ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત ટુરીઝમના સહકારથી સુરત ખાતે પ્લેટીનમ હોલમાં ‘ટુરીઝમ કોન્કલેવ’યોજાઇ

  1. V.V.Good. SIR.I would like to know about hotel and guest house please sir.thank you sir.

Comments are closed.

error: Content is protected !!
18108