વેપારીઓની તરફેણમાં આવ્યો મહત્વનો ચુકાદો: પરંતુ શરતો લાગુ

Spread the love
Reading Time: 3 minutes

                    કલકત્તા હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ દ્વારા વેપારીઓની તરફેણમાં એક ખૂબ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે કે પાછલી તારીખથી વેચનાર વેપારીનો નોંધણી દાખલો રદ્દ કરવામાં આવ્યો છે તે કારણોસર ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરી શકાય નહીં.

કેસના તથ્યો:

                  આ કેસ અંગે વિગતો જાણીએ તો મે. ગાર્ગો  ટ્રેડર્સ તેઓ દ્વારા મે. ગ્લોબલ બિટુમેન પાસેથી જે ખરીદી કરવામાં આવેલ હતી. આ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા એ કારણસર ના મંજૂર કરવામાં આવી હતી કે મે. ગ્લોબલ બિટુમેન બોગસ વેપારી હોય તેનો જી.એસ.ટી. નોંધણી દાખલો પાછલી તારીખથી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. ખરીદનાર વેપારી દ્વારા નાણાકીય વર્ષ 2018 19 માં 11,31,513/- ની રકમની ખરીદી કરી હતી. આ ખરીદી માટે માલ વાહનના પુરાવા પણ ખરીદનાર વેપારી મે. ગાર્ગો ટ્રેડર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ખરીદનાર વેપારી દ્વારા વેચનાર વેપારીને બેન્ક દ્વારા ચુકવણી કર્યા હોવાના પુરાવા પણ અરજ્કર્તા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અરજ્કર્તા દ્વારા રિટ પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવામાં આવી છે તે આદેશ રદ્દ કરવામાં આવે.

જી.એસ.ટી. ડિપાર્ટમેંટની દલીલ:

                   જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી કે અરજ્કર્તા ખરીદનાર દ્વારા જે વેપારી પાસેથી ખરીદી કરવામાં આવી છે તે વેપારીને ત્યાં તપાસ કરતાં તે વેપારી બોગસ વેપારી છે તેવું પુરવાર થયું છે. આ વેચનાર વેપારી દ્વારા જે વેચાણની વાત છે તે માલ પણ બોગસ છે અને તેઓના દ્વારા બેન્ક ખાતા જે શરૂ કરાવવામાં આવ્યા હતા તે પણ ખોટા દસ્તાવેજ દ્વારા ખોળવવામાં આવ્યા હતા. વેચનાર વેપારીનો જી.એસ.ટી. નોંધણી દાખલો ખરીદનાર વેપારીના વ્યવહારોના સમય પહેલાથી રદ્દ કરવામાં આવ્યો છે. આમ, ખરીદનાર કરદાતાને આ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપી શકાય નહીં.

ખરીદનાર વેપારી તરફે રજૂઆત:

                  જી.એસ.ટી. ડિપાર્ટમેંટની આ દલીલ સામે ખરીદનાર વેપારી દ્વારા સોગંદનામું રજૂ કરી સાથો સાથ, ખરીદીના ઇંવોઇસ, ટ્રાન્સપોર્ટેશનની વિગતો, ઇ વે બિલની વિગતો, બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. અરજ્કર્તાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ તમામ વિગતો અધિકારીને રજૂ કરવામાં આવી હતી જેના ઉપર અધિકારી દ્વારા કોઈ ધ્યાને લેવામાં આવેલ નથી. ખરીદનાર વેપારીના વકીલ દ્વારા તેઓની તરફેણમાં LGW Industries Limited & Ors Vs Union Of India WPA 23512 of 2019 નો ચુકાદો રજૂ કરવામાં આવ્યો હતો.

કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો:

કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલ સાંભળી ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે જ્યારે ખરીદનાર દ્વારા વેચનાર વેપારી પાસેથી ખરીદી કરવામાં આવી હતી ત્યારે વેચનારનો જી.એસ.ટી. નંબર ચાલુ હતો અને પોર્ટલ ઉપર પણ ચાલુ દર્શાવતો હતો. ખરીદનાર દ્વારા માલ વહનના પુરાવા તથા વેચનારને બેન્ક દ્વારા કરવામાં આવેલ ચુકવણીની વિગતો પણ રજૂ કરવામાં આવેલ છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી એવી દલીલ પણ કરવામાં આવી નથી કે ખરીદનાર વેપારી અને વેચનાર વેપારી દ્વારા એક સંપ થઈ આ વ્યવહારો કરવામાં આવ્યા છે. માત્ર વેચનાર વેપારીનો નોંધણી નંબર રદ થઈ ગયાના કારણોસર ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરી શકાય નહીં. LGW Industries Limited & Ors Vs Union Of India WPA 23512 of 2019 નો ચુકાદો આ કેસને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. કલકત્તા હાઇકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા જી.એસ.ટી. ડિપાર્ટમેંટનો આદેશ રદ્દ કરી ઠરાવવામાં આવ્યું હતું કે કરદાતાની વિગતો ધ્યાને લઈ ફરી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ખરીદનારને પોતાની વિગતો રજૂ કરવાની તક આપી, કારણ સાથે વિગતવાર આદેશ પસાર કરવામાં આવે.

ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે પરંતુ શરતો લાગુ***

આ કેસમાં ભલે ખરીદનાર વેપારીની તરફે ચુકાદો આપવામાં આવેલ છે. પરંતુ વેપારીઓએ એ બાબત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે સામાન્ય રીતે આકારણીમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ આ પ્રકારના કેસોમાં ક્રેડિટ આપશે નહીં. અપીલ અધિકારી પણ કદાચ આ પ્રકારના કેસોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે રાહત આપશે નહીં. આ પ્રકારની ક્રેડિટ બાબતે તકરાર કરી હાઇકોર્ટ કે ટ્રિબ્યુનલ જવું પડે તેવી પરિસ્થિતી છે. આ ઉપરાંત એ બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે કે આ પ્રકારના કેસોમાં પોતાની તરફેણમાં ચુકાદો અપાવવામાં ખરીદનારને નીચેની બાબતો ખૂબ ઉપયોગી નીવડી છે:

  • તેઓની ખરીદી સમયે વેચનારનો જી.એસ.ટી. નંબર પોર્ટલ પર ચાલુ હતો તે અંગેના પુરાવા
  • તેઓની ખરીદી અંગે ટેક્સ ઇંવોઇસ તથા સાથો સાથ માલ વહનના પુરાવા જેવા કે ટ્રાન્સપોર્ટ રસીદ (એલઆર) તથા E Way bill પણ હતા.
  • તેઓની ખરીદી અંગે બેન્ક દ્વારા ચુકવણી થયા હોવાના પુરાવા પણ હતા
  • ખરીનારની વેચનાર સાથેની કોઈ સાંઠગાંઠ સાબિત થઈ નથી.

સામાન્ય રીતે એવું માનવમાં આવતું હોય છે કે ખરીદનાર વેપારી પાસે ટેક્સ ઇંવોઇસ હોય એટ્લે તેઓ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા હક્કદાર બની જતાં હોય છે. પણ આ બાબત ખોટી છે. ટેક્સ ઇંવોઇસ હોવું તો ફરજિયાત છે જ પણ સાથો સાથ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માટે હક્કદાર બનવા માલ વહન ના પુરાવા જેવા કે ટ્રાન્સપોર્ટમાં આવેલ માલ માટે LR તથા જો માલ 50000/- થી વધુનો માલ હોય તો E Way બિલ પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત માલની ચુકવણી બાબતે પુરાવા પણ અધિકારી માંગી શકે છે. વેપારીને પોતાની ખરીદી અંગેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ઉપરોક્ત ચુકાદો જરૂર ઉપયોગી થશે, શરત એટલી જ કે તેઓન દ્વારા આ કેસના અરજ્કર્તાની જેમ યોગ્ય પુરાવાઓ જાળવેલ હોય.      

  ( આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપાર ભૂમિ પૂર્તિમાં તા. 19/06/2023 ના રોજ પ્રકાશિત થયેલ છે . )

error: Content is protected !!