વેપારીઓ માટે આવી ગઈ છે નવી મુસીબત. હવે GSTR 2A/2B માં નહીં દર્શાવે બિલ તો નહીં મળે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ
તા. 06.01.2022:
જી.એસ.ટી. લાગુ થયાને 4 વર્ષ ઉપરનો સમય થવા આવ્યો છે. “વન નેશન-વન ટેક્સ-વન માર્કેટ” ના સૂત્ર સાથે વેપારીઓને “સિમલેસ ઈન્પુટ ક્રેડિટ” મળી રહે તે હેતુથી જી.એસ.ટી. લાગુ કરવામાં આવેલ હતો. આજે જ્યારે 4 વર્ષ બાદ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નિયમો જોવામાં આવે તો “સિમ લેસ ક્રેડિટ” રોકવા ખૂબ મોટા પ્રમાણમા પ્રયાસો થયા હોય તેવું પ્રતીત થાય છે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રોકવા/અટકાવવા અંગેના નિયમોમાં હાલ એક ખૂબ મોટો નિયમ લાગુ થવા જઇ રહ્યો છે. જી.એસ.ટી. કાયદાની કલમ 16(2) માં ક્લોઝ (aa) ઉમેરવામાં આવેલ છે. આ નવી જોગવાઈ મુજબ વેપારીની ખરીદીની વિગતો જ્યાં સુધી તેઓના વેચનાર વેપારી દ્વારા ઓનલાઈન અપલોડ નહીં કરવામાં આવે તથા આ વિગતો ખરીદનાર વેપારીના જે તે મહિનાના GSTR 2A માં નહીં દર્શાવેલી હોય ત્યાં સુધી ખરીદનાર વેપારી જે તે બિલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં. આ નવી જોગવાઈ 01 જાન્યુઆરી 2021 થી લાગુ થવા જઇ રહી છે. આ જોગવાઈના અમલ અંગે CBIC દ્વારા તા. 21.12.2021 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જી.એસ.ટી. હેઠળ આ ફેરફાર તો નાણાકીય વર્ષ 2021 ના બજેટમાંજ કરી આપવામાં આવ્યો હતો પરંતુ આ જોગવાઈના અમલની તારીખ બહાર પાડવામાં આવી ના હતી. હવે 21 ડિસેમ્બર 2021 ના નોટિફિકેશન દ્વારા આ અન્યાયી જોગવાઈ લાગુ કરવાની તારીખ પણ બહાર પાડવામાં આવી ગઈ છે.
શું કરવા આ જોગવાઈને ગણવામાં આવી રહી છે “અન્યાયી”??
કોઈ વેપારી જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હોય, અન્ય વેપારી પાસેથી જી.એસ.ટી. ની ચુકવણી કરી ખરીદી કરે અને આ ખરીદી જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવાને પાત્ર હોય ત્યારે માત્ર વેચનાર વેપારી દ્વારા આ વેચાણ દર્શાવવામાં ના આવ્યું હોય તેવા કારણસર ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવશે. શું આ પ્રમાણે “બ્લોક” કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અન્યાયી ના ગણાય?? મને ખાત્રી છે કે આપ સૌ વાંચકોનો આ બાબતનો જવાબ આવશે “હા”!! આ જોગવાઈ ચોક્કસ અન્યાયી ગણાય. જી.એસ.ટી. હેઠળની આ જોગવાઈ પ્રખ્યાત ગુજરાતી કહેવત યાદ કરવી આપે… “પાડાના વાંકે પખાલીને ડામ”
શું કરવા લાગુ કરવામાં આવી છે આ પ્રકારની જોગવાઈ?
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી અવારનવાર જી.એસ.ટી ચોરીના સમાચારો વાંચવા જોવા સાંભળવા મળી રહ્યા છે. સતત જી.એસ.ટી. હેઠળ બોગસ બિલિંગ દ્વારા ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓએ લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ પ્રકારના જી.એસ.ટી. હેઠળ કરચોરીના દૂષણને ડામવા આ પ્રકારની કડક જોગવાઇઓ બનાવવામાં આવી રહી છે.
વેચનાર પોતાનું વેચાણ ના દર્શાવે તો ખરીદનાર પાસે છે કોઈ વિકલ્પ??
જી.એસ.ટી. લાગુ થયો ત્યારે રિટર્ન ભરવાની છે પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તે પદ્ધતિ હેઠળ જો વેચનાર કોઈ ઇંવોઇસ (બિલ) પોતાના GSTR-1 (વેચનનું રિટર્ન) માં ના દર્શાવે અને આ કારણે ખરીદનારના GSTR-2A માં આ ખરીદી ના દર્શાવતી હોય તો વેચનાર પાસે GSTR-2 ભરી વેચનારને જાણ કરવાનો વિકલ્પ હતો. જી.એસ.ટી હેઠળ રિટર્ન ભરવાની આ પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે. હાલ, GSTR 2 જેવી કોઈ પદ્ધતિ અમલમાં નથી જેના દ્વારા ખરીદનાર વેપારી વેચનાર વેપારીને તેઓએ ના દર્શાવેલ વેચાણ બાબતે સિસ્ટમ ઉપર જાણ કરી શકે. વેપાર જગતમાં એવું જોવા મળી રહ્યું છે કે ખરીદનાર વેપારી એક વાર પોતાની ખરીદી જી.એસ.ટી.આર. 2A માં દર્શાવવામાં આવે ત્યારબાદ જ વેચનારને ટેક્સની રકમ ચૂકવતા હોય છે. પરંતુ આવું દરેક વેપારી કે દરેક વ્યવહારમાં વ્યાવહારિક રીતે શક્ય હોતું નથી. ખાસ કરીને જ્યારે બે અજાણ્યા વેપારીઓ વચ્ચે જ્યારે ખરીદ વેચાણના વ્યવહારો થાય ત્યારે આ પ્રમાણે જી.એસ.ટી.ની રકમ બાકી રાખવા વેચનાર વેપારી તૈયાર થતાં હોય નહીં. હાલ, માત્ર ખરીદનાર પાસે વેચનારને ચૂકવવાના થતાં જી.એસ.ટી. બાકી રાખવા સિવાય કોઈ વિકલ્પ રહેલો નથી. આ બાબત ખરીદનાર માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ જોગવાઈનો અમલથી થશે કાયદાકીય યુદ્ધના મંડાણ!!
નિષ્ણાંતો માની રહ્યા છે કે આ જોગવાઈના અમલ સાથે દેશની વિવિધ હાઇકોર્ટસમાં મોટા પ્રમાણમા “રિટ પિટિશન” તથા “પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન” થવાની શક્યતાઑ રહેલી છે. ઉપર આ લેખમાં જણાવેલ છે તેમ આ જોગવાઈ નાણાકીય વર્ષ 2021 ના ફાઇનન્સ એક્ટમાં બહાલ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ કારણસર આ જોગવાઈનો અમલ શરૂ કરવાની તારીખ બહાર પાડવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હતો. ટેક્સ પ્રોફેશનલ્સ એવી આશા સેવી રહ્યા હતા કે આ જોગવાઈ ઉપર આવનારા બજેટમાં ફેર વિચારણા કરવામાં આવી શકે છે. પરંતુ હવે જ્યારે 01 જાન્યુઆરી 2022 થી આ જોગવાઈની અમલવારી શરૂ કરવા જાહેર કરવામાં આવી છે ત્યારે આ મુદ્દા ઉપર મોટા પ્રમાણમાં વેપારીઓએ હાઇકોર્ટના દ્વારા ખટખટાવવા પડશે તેવી શક્યતા ઊભી થઈ શકે છે.
GSTR 1 માં થતી ભૂલો બનશે ખરીદનાર માટે મુસીબત:
જી.એસ.ટી. કાયદા હેઠળ વેચનાર વેપારીએ પોતાના ટર્નઓવરની મર્યાદા ધ્યાને લઈ માસિક કે ત્રિમાસિક GSTR 1 ભરવાનું થતું હોય છે. આ ફોર્મ ભરવામાં થતી સામાન્ય “ક્લેરિકલ” ભૂલો ના કારણે ખરીદનારને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના પણ ઊભી થઈ શકે છે. એ બાબત જાણવી જરૂરી છે કે વેચનાર વેપારી, જે નાણાકીય વર્ષમાં વેચાણ થયું હોય તે વર્ષ પૂર્ણ થયા પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના GSTR 1 સુધી જ પોતાના વેચાણો અંગેની વિગતો પોર્ટલ ઉપર દર્શાવી શકે છે. વેચનાર દ્વારા ખરીદનારને કરવામાં આવેલ કોઈ “ક્લેરિકલ” ભૂલ જો આ સમય મર્યાદા સુધી વેચનાર વેપારીના ધ્યાને ના આવે તો આ સામાન્ય જણાતી “ક્લેરિકલ” ભૂલ ખરીદનાર માટે મોટી આર્થિક નુકસાનીનું કારણ બની જશે.
સમય સંજોગોના કારણે GSTR 1 ભરવામાં થયેલ મોડુ ખરીદનાર માટે ક્રેડિટ લેવામાં વિલંબરૂપ સાબિત થશે:
હાલ, જી.એસ.ટી. હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર ખરીદનાર પોતાના GSTR 2A માં દર્શાવવામાં આવેલ વેચાણથી 105% જેટલી ક્રેડિટ લઈ શકે છે. હવે 01 જાન્યુઆરીથી ખરીદનાર પાસે આ 105% જેટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનો વિકલ્પ પણ રહેશે નહીં. GSTR 2A/2B માં દર્શાવેલ હશે તેટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા જ ખરીદનાર હક્કદાર બનશે. સિમેન્ટ જેવા ખૂબ ઓછા નફા વાળા પરંતુ ખૂબ ઊંચા દરે જી.એસ.ટી.ને પાત્ર ધંધાનું ઉદાહરણ લઈએ તો જથ્થાબંધ વેચાણ કરનાર “વાગલે ટ્રેડર્સ” દ્વારા જો પોતાના 1 કરોડ જેવુ વેચાણ દર્શાવતુ વેચાણનું રિટર્ન (GSTR 1) ભરવામાં પોતાની પુત્રીના લગ્ન પ્રસંગના કારણે વિલંબ થાય તો તેમની પાસેથી ખરીદનાર વેપારીઓ ઉપર આ વિલંબના કારણે 28 લાખ જેવી મતબાર રકમ રોકાઈ જવાની સ્થિતિ ઊભી થઈ જશે. આમ, દીકરીના લગ્ન તો “વાગલે ટ્રેડર્સ” ને તા હતા પરંતુ આ લગ્ન નો બોજ તેમના વિવિધ ખરીદનાર ઉપર પડશે!! ધંધા સારા નરસા પ્રસંગોના કારણે, કોઈ વ્યાવહારિક મુશ્કેલીઓના કારણે GSTR 1 ભરવામાં થયેલ વિલંબ પણ ખરીદનાર માટે આર્થિક બોજા રૂપ સાબિત થશે અને ધંધાની “વર્કિંગ કેપિટલ” ઉપર આની વિપરીત અસર પડશે તે બાબત ચોક્કસ છે.
ભારતીય બંધારણના અનુછેદ 19(1)(g) નો ગણાય ભંગ?
કાયદાકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ આ જોગવાઈનો અમલ થવાથી ભારતીય બંધારણ હેઠળ દરેક નાગરિકને આપવામાં આવેલ ધંધો કરવાંના અધિકારનો ભંગ ગણાય. ભારતીય બંધારણના અનુછેદ 19(1)(g) હેઠળ ભારતના દરેક નાગરિકને ધંધો કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં એવું પતિપાદિત કર્યું છે કે વગર રોક-ટોકે ધંધા કરવાનો અધિકાર ભારતીય બંધારણ હેઠળ ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે અને આ અધિકારમાં સરકારને તરાપ મારવાની સત્તા માત્ર ખાસ સંજોગોમાં અને જાહેર હિત માટે જ આપવામાં આવી છે. આ જોગવાઈનો અમલ થશે ત્યારે ખરીદનારને પોતાની ભૂલ ના હોય તેવા સંજોગોમાં, પોતાની પાસે કોઈ પણ વિકલ્પ ના હોવા છતાં વેચનારની ભૂલોના કારણે નુકસાન સહન કરવાનો વારો આવશે તે બાબત ચોક્કસ છે.
કરચોરી ડામવી ચોક્કસ છે જરૂરી પણ આ કરચોરી ડામવામાં વેપાર જગતને ડામ આપવો છે અનુચિત
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ કિસ્સાઓ ઉપરાંત હજુ ઘણા વ્યવહારો એવા હશે જેમાં મોટા પ્રમાણમા કરચોરી આચરવામાં આવતી હશે. આ કરચોરી ડામવી ચોક્કસ જરૂરી છે તેમાં કોઈ બે મત નથી. પરંતુ આ કરચોરી ડામવા ઉઠાવવામાં આવતા પગલાં જોઈ એવું જણાઈ રહ્યું છે કે આ પગલાંથી વેપાર જગતને મોટો ડામ પડી રહ્યો છે. આ પગલાઓથી કરચોરીનું પ્રમાણ ઘટશે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ પ્રકારના પગલાંથી નિર્દોષ વેપારીઓને પણ મોટા અને ક્યારેક મરણતોલ ફટકા પડી શકવાની સંભાવના પણ નકારી શકાય નહીં. કોઈ વ્યક્તિને જ્યારે આંગળીમાં દુખાવો થતો હોય ત્યારે આંગળીનો ઈલાજ કરવો ચોક્કસ જરૂરી છે પરંતુ આ આંગળીનો દુખાવો દૂર કરવા હાથ કાપી નાંખવો એ ક્યારેય યોગ્ય ના ગણી શકાય!!