શું હજુ ઇન્કમ ટેક્સ ઓડિટ તથા રિટર્નની મુદત વધી શકે છે???
ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા અરજદારોને તકલીફો અંગે નવી રજૂઆતો કરવા અને CBDT ને સહાનુભૂતિપૂર્વક વિચારવા આપવામાં આવ્યા નિર્દેશ:
તા. 16.01.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 13 જાન્યુઆરીના રોજ CBDT ને ઇન્કમ ટેક્સ ઓડિટ તથા રિટર્નની મુદત વધારવા બાબતે કોઈ પણ નિર્દેશ આપવા ઇન્કાર કરવામાં આવ્યો હતો. કરદાતાઓ માટે આ સાથે મુદત વધારવાની આશા છીનવાઇ ગઈ હોવાનું માનવમાં આવી રહ્યું હતું. પરંતુ 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા ફરી એક આદેશ આપવામાં આવ્યો છે જેના કારણે ઇન્કમ ટેક્સ ઓડિટ તથા રિટર્નની મુદત વધી શકવાની આશા ફરી બંધાઈ છે. આ આદેશમાં ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા અરજ્કર્તા દહેરાદૂન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોસાયટીને આદેશ આપતા જણાવ્યુ કે કરદાતાઓ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પડી રહેલી તકલીફો બાબતે ફરી એક નવી રજૂઆત CBDT ને કરવામાં આવે. આ સાથે કોર્ટે CBDT ને પણ નિર્દેશ આપતા જણાવ્યુ છે કે ઇન્કમ ટેક્સ ઓડિટ તથા રિટર્ન બાબતે જે નવી રજૂઆતો આવે તેના ઉપર સહાનુભૂતિ પૂર્વક- વિચાપૂર્વક વિચારી નિર્ણય કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના આદેશને પણ ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવ્યો છે અને છતાં આ પ્રકારે CBDT ને નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની નજર CBDT ઉપર રહેશે. વિવિધ હાઇકોર્ટ આ અંગે નિર્ણય લે તે પહેલા CBDT મુદતમાં વધારો કરે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.