શું છે Ocean Freight? જી.એસ.ટી. કેવી રીતે લાગુ પડે આ Ocean Freight ઉપર વાંચો….તજજ્ઞ અલ્કેશ જાનીનો આ વિશેષ લેખ
સમુદ્રી ભાડું (Ocean freight)
-By Alkesh Jani
માલનું આયાત અથવા નિકાસ મુખ્યત્વે બે માર્ગે થાય છે .પહેલું હવાઈ માર્ગ અને બીજું સમુદ્રી માર્ગ. હવાઈ માર્ગને જીએસટીમાં, નોટિફિકેશન નંબર 12/2017-CT (Rate) તારીખ 28.06.2017 ના સિરિયલ નંબર 19 થી, વેરા મુક્તિ આપવામાં આવી છે, માટે ચર્ચાનો મુખ્ય મુદ્દો સમુદ્રી માર્ગ અને તેના પર લાગતાં ભાડા પર રહેશે. સમુદ્રી ભાડું જેને અંગ્રેજીમાં Ocean Freight કહે છે.
- માલનું આયાત મુખ્યત્વે બે કરાર આધારિત હોય છે જેમાં;-
(i) FOB (Free On Board)
(ii) CIF (Cost, Insurance, Freight)
2.1 (I) FOB (Free On Board):- FOB , ફ્રી ઓન બોર્ડ જેમાં વિદેશી સપ્લાયર માલની ડિલિવરી તેના દેશના ચોક્કસ પોર્ટ એટલે કે બંદર પર પહોંચાડવાની જવાબદારી લે છે, ત્યારબાદ માલની જવાબદારી આયાતકારની રહે છે. આયાતકાર વિદેશી પોર્ટથી તે માલને તેને અનુકૂળ હોય એવા ભારતના પોર્ટ સુધી લાવવા માટે દેશી/વિદેશી શીપીંગ લાઈનની સેવા લેશે.
2.2 (II) CIF (Cost, Insurance, Freight):- CIF, કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેઈટ એટલે કે માલની કિંમત, વીમો અને ભાડાની જવાબદારી વિદેશી સપ્લાયર લે છે. અમુક કિસ્સામાં C&F એટલે કે માલની કિંમત અને ભાડાની જવાબદારી વિદેશી સપ્લાયર લે છે અને આયાતકાર ઇન્સ્યોરન્સની જવાબદારી લે છે.
- સમુદ્રી ભાડા પર જીએસટીની અસર:-
3.1 (I) FOB:- સમુદ્રી ભાડા એ ‘સેવાની આયાત’ છે કે કેમ તે નક્કી કરવા માટે આપણે તેની વ્યાખ્યા આઇ.જી.એસ.ટી. ની કલમ 2 ની પેટાકલમ (11) માં આપેલી છે તેને ધ્યાને લેવી જોઈએ અને તે નીચે મુજબ છે:-
‘સેવાની આયાત’ નો અર્થ સેવાનો પુરવઠો, જ્યાં
(i) સેવાનો પુરવઠાકાર ભારતની બહાર સ્થિત છે;
(ii) સેવાનો પુરવઠો પ્રાપ્ત કરનાર ભારતમાં સ્થિત છે; અને
(iii) સેવાના પુરવઠાનું સ્થળ ભારતમાં છે.
FOB ના કિસ્સામાં જ્યારે વિદેશી સપ્લાયર માલને નક્કી કરેલા તેના દેશના પોર્ટ પર પહોંચાડવાની જવાબદારી લે છે અને જ્યારે તે માલ પહોંચાડે છે ત્યારે તેવું માની લેવાય કે માલિકીહક તબદીલ એટલે કે ટ્રાન્સફર થયો છે અને લેનાર આયાતકાર હવે તે માલનો માલિક છે. આયાતકાર તે માલને તેના અનુકૂળ ભારતના પોર્ટ પર લાવવા માટે વિદેશી શીપીંગ લાઈનની સેવા લેશે. આ પ્રવૃત્તિ ચોક્કસપણે ઉપરની વ્યાખ્યામાં બંધ બેસતી હોવાથી તેને ‘સેવાની આયાત’ માનવામાં આવશે અને તેના પર લાગુ પડતા દરે વેરો પણ ભરવો પડશે.
3.2 આઇ.જી.એસ.ટી. ની કલમ 5ની પેટા કલમ (3) અને નોટિફિકેશન નંબર 10/2017-IGST(Rate) તારીખ 28.06.2017 ના Sl.No.10 મુજબ સેવાના પુરવઠા લેનાર પર, રિવર્સ ચાર્જ મુજબ, વેરાની જવાબદારી રહેશે.
3.3 ઉપરના કિસ્સામાં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, જો વિદેશી શીપીંગ લાઈનની સેવા લેવામાં આવે તો જ તે ‘સેવાની આયાત’ની વ્યાખ્યામાં આવે અને રિવર્સ ચાર્જ મુજબ વેરો ભરવાની જવાબદારી લેનારની થાય, પણ જો શીપીંગ લાઈન ભારતમાં સ્થિત છે અને આયાતકાર તેની સેવા લે છે તો ફોરવર્ડ ચાર્જ એટલે કે રાબેતા મુજબ શીપીંગ લાઈનની વેરો ઉઘરાવવાની અને ભરવાની જવાબદારી થાય છે.
- (II) CIF :- આ કિસ્સામાં વિદેશી સપ્લાયર ભારતમાં નક્કી કરેલા પોર્ટ સુધી પહોંચાડવાની જવાબદારી લે છે એટલે જ્યાં સુધી માલ ભારતના પોર્ટ સુધી પહોંચે નહિં ત્યાં સુધી માલિકી હક તબદીલ કે ટ્રાન્સફર થતો નથી. વિદેશી સપ્લાયર શીપીંગ લાઇનની સેવા લે છે માટે તે ઉપરની ‘સેવાની આયાત’ ની વ્યાખ્યામાં આવતું નથી જેથી, આયાતકાર પર વેરો ભરવાની પણ જવાબદારી આવતી નથી.
4.1 જો કે ઉપરના કિસ્સામાં મતભેદના કારણે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો તેમાં નામદાર ગુજરત હાઈકોર્ટે મોહિત મિનરલ્સ પ્રા. લિ. વિરુદ્ધ ભારત સંઘ SCA નંબર 726-2018-HC-Guj મા એવું ઠરાવ્યું કે આયાતકાર સમુદ્રી માલના પરિવહનની સેવા લેનાર ગણી શકાય નહીં અને વિદેશી સપ્લાયર જે ભારતની બહાર સ્થિત છે તેણે શીપીંગ લાઈનની સેવા લીધેલી ગણાય. તેથી આયાતકાર પાસે વેરાની માંગણી કરી શકાય નહિં, કારણ કે તે સેવા લેનારની વ્યાખ્યામાં આવતો નથી.
4.2 વધુમાં કોર્ટે ઠરાવ્યું કે નોટિફિકેશન નંબર 10/2017ના સિરિયલ નંબર 10 તે આઇ.જી.એસ.ટી.ની કલમ 5ની સત્તા બહારનું છે (ultra virus) અને આઇ.જી.એસ.ટી.ની કલમ 15 મુજબ આયાતકાર સેવાનું મૂલ્ય નક્કી કરી શકતો નથી, જેથી તે ગેરબંધારણીય છે અને આયાતકાર વેરો ભરવા માટે જવાબદાર નથી.
- ઉપરની ચર્ચાને ધ્યાન રાખતા આપણે નીચેના તારણ પર આવી શકીએ કે
# FOB ના કિસ્સામાં જો શીપીંગ લાઈન ભારતમાં સ્થિત છે, તો વેરો ભરવાની જવાબદારી શીપીંગ લાઈનની થશે; અને
# જો શીપીંગ લાઈન ભારતની બહાર સ્થિત છે, તો જ વેરો ભરવાની જવાબદારી, રિવર્સ ચાર્જ મુજબ, આયાતકારની રહેશે.
# CIF ના કિસ્સામાં શીપીંગ લાઈન ભારત સ્થિત છે તો વેરો ભરવાની જવાબદારી શીપીંગ લાઈનની રહેશે; અને
# જો શિપિંગ લાઈન ભારત બહાર સ્થિત છે તો, નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્ણય મુજબ, આયાતકારની વેરો ભરવાની જવાબદારી થશે નહીં.
ખાસ નોંધ:- દરેક કિસ્સામાં તથ્ય અને સંજોગો ને સમજવા જરૂરી હોય જેથી નિર્ણય લેતા પહેલા તમારા નજીકના નિષ્ણાતનું માર્ગદર્શન અવશ્ય લો.
લેખક જી.એસ.ટી. નિષ્ણાંત છે. જી.એસ.ટી. ઉપર અલગ અલગ વિષયો ઉપર તેમના ગુજરાતી બ્લોગ ખૂબ લોકપ્રિય છે. લેખકનો સંપર્ક કરવા અથવા આ લેખ અંગે કોઈ પ્રશ્ન-ટિપ્પણી કરવા આપ કોમેન્ટ બોક્ષનો ઉપયોગ કરી શકો છો અથવા janigst2017@gmail.com લેખકને ઇ મેઈલ પણ કરી શકો છો.