મુસાફિર હું યારો – દીવ હેરિટેજ વોક

Spread the love
Reading Time: 2 minutes

By Kaushal Parekh

એવું કહેવાય છે કે કોઈપણ દેશનો સાચો વિકાસ ત્યારેજ શક્ય થાય છે જ્યારે તેના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી તમામ ધરોહરો અને અમુલ્ય વારસાની યોગ્ય જાળવણી કરવામાં આવે. દીવ શહેર પણ આવોજ સમૃદ્ધ વારસો ધરાવે છે જે તેના ભવ્ય ભૂતકાળની વાત કરે છે. આપણા પૂર્વજોએ સદીઓથી આપણો સાંસ્કૃતિક અને સ્મારક વારસો સાચવ્યો છે અને આપણે પણ આ પરંપરા જાળવી રાખવી જોઈએ. દીવ શહેરનો ઇતિહાસ જોઈએ તો તેના ઉપર સદીઓથી હિન્દુ, મુસ્લિમ, પોર્ટુગીસ શાસકોનો કબ્જો રહ્યો હતો જેના લીધે અહીં વસતાં લોકોની જીવનશૈલી, સંસ્કૃતિ, મકાનો, ભાષા, પહેરવેશ અને રીતિ-રિવાજોમાં તેની વિશેષ ઝલક જોવા મળે છે અને આ જ વારસો અહીના લોકોની સાચી ઓળખ છે.

હાલ, દીવ સ્માર્ટ સિટી દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા અને તેઓને દીવના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની સચોટ માહિતીથી અવગત કરાવવાનાં પ્રયાસ રૂપે “દીવ હેરિટેજ વોક” નો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. દીવ પ્રશાસનનો આ પ્રયાસ ખૂબજ સરાહનીય છે અને મારૂ માનવું છે કે આવતાં વર્ષોમાં આ પ્રોજેકટ થકી દીવ પર્યટન ક્ષેત્રે એક મોટી ક્રાંતિ લાવી શકાય એમ છે.

આ હેરિટેજ વોક દિવના ઇતિહાસને નજદીકથી જાણવાનું સુંદર માધ્યમ છે. જે પ્રવાસીઓએ આ વોકનો અનુભવ લીધો છે તે દરેકે આ પ્રયાસને ખુબજ વખાણિયો છે. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓનું કહેવું હતું કે આ પહેલાં તેઓ અનેકવાર દીવની મુલાકાતે આવ્યા હતાં પરંતુ આ હેરિટેજ વોક દ્વારા હવે તેમનો દીવને જોવાનો નજરીયો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. દીવ આવતાં પ્રવાસીઓ માટે હાલ નીચે મુજબની 3 હેરિટેજ વોક ઉપલબ્ધ છે.

  • હવેલી ક્વાટર્સ હેરિટેજ વોક (2 કલાક): આ વોકમાં પ્રવાસીઓને દીવ શહેરના મુખ્ય દરવાજાથી (ઝાંપાગેટ) શહેરની સાંકળી ગલીઓમાં થઈને શહેરના હાર્દ સમા પંચવટી વિસ્તાર સુધી ચાલીને લઈ જવામાં આવે છે. આ હેરિટેજ વોક દ્વારા આ વિસ્તારમાં આવેલ નગર શેઠ હવેલી, શેઠ મગનલાલ જમનદાસ હવેલી, મહાલક્ષ્મી મંદિર તેમજ અન્ય ઇમારતોના બાંધકામમાં જોવા મળતી ઇન્ડો-પોર્ટુગીસ શૈલીનો પ્રભાવ, પૌરાણિક સોમનાથ મંદિર (જે જમીનથી 40ફૂટ નીચે આવેલ છે), વેપાર, રીતિ-રિવાજો, સંસ્કૃતિ જેવા અનેક વિષયોને લગતી આશ્ચર્યચકીત કરતી માહિતીઓ મળે છે. આજે પણ આ વિસ્તારમાં ઘણાં દુકાનદારો છેલ્લી 4 પેઢીથી પોતાનો પરંપરાગત હેંડીક્રાફ્ટનો વ્યવસાય ચલાવી રહ્યા છે.
  • દીવ ફોર્ટ હેરિટેજ વોક (1 કલાક): આ હેરિટેજ વોકમાં પ્રવાસીઓને દીવ કિલ્લાના ગેટથી લઇને લાઇટ હાઉસ સુધી ચાલીને અથવા ગોલ્ફ કાર્ટ દ્વારા લઈ જવામાં આવે છે. અહીં તેઓને દીવ કિલ્લાની રચના, બુર્જ, તોપખાના, પાણીકોઠા તેમજ દીવ કિલ્લાના ઇતિહાસ અને ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતીઓથી જાગૃત કરવામાં આવે છે. કેવી ચાલાકી વાપરીને પોર્ટુગીસ ગવર્નરે દીવ કિલ્લાનું નિર્માણ કર્યું તેમજ કિલ્લાની અંદરના ભાગમાં આવેલ ભૂમિગત સુરંગો વિશેની રસપ્રદ વાતો પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડે છે.
  • ફિરંગીવાડા હેરીટેજ વોક (1 કલાક): આ હેરિટેજ વોકમાં પ્રવાસીઓને ખોજા ઝફર મેમોરિયલ, રૂમી ખાન મેમોરિયલ, પોર્ટુગીસ રહેણાંક કોલોની વિસ્તાર, શહિદ સ્મારક, INS ખુખરી વોર શિપ, ગવર્નર પેલેસ, સેંટ પોલ ચર્ચ, સેંટ થોમસ ચર્ચની મુલાકાતની સાથે તેની સાથે જોડાયેલ ઐતિહાસિક ઘટનાઓથી વાકેફ કરવામાં આવે છે. પોર્ટુગીસ શાસન હેઠળ દીવ શહેર સન 1535થી લઈને સન 1961 સુધી એટ્લેકે અંદાજે 426 વર્ષ તેમના કબજામાં રહ્યું હતું. આ ત્રણેય વોક દ્વ્રારા પ્રવાસીઓને ઇતિહાસને લગતી ઘણી મહત્વની અને રસપ્રદ માહિતીઓ જાણવા મળે છે.

મારી દરેક વાંચકોને અપીલ છે કે જ્યારે પણ આપ એકલા કે પરિવાર સાથે જો કોઈ ઐતિહાસિક શહેરની મુલાકાતે જતાં હો અને ત્યાં હેરિટેજ વોક ઉપલબ્ધ હોય તો ખાસ આ સુવિધાનો અચૂક લાભ લ્યો જેથી સાચા ઇતિહાસને જાણી શકાય ઉપરાંત તે વિસ્તારના ઐતિહાસિક સ્મારકો, ઇમારતો અને સંસ્કૃતિના સંવર્ધન કરવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભાગીદાર બની શકાય. આપણાં આ નાનકડા યોગદાન થકી ભાવિ પેઢીને એક અમુલ્ય વારસાની ભેટ અવશ્ય આપી શકાય એમ છે.

જો આપ દીવ હેરિટેજ વોકનો લાભ લેવા માંગતા હોવ અને તેનું બુકિંગ કરાવા ઇચ્છતા હોય અથવાતો તેના વિશેની કોઈ માહિતી જોઈતી હોયતો તેની વેબસાઇટ https://makeithappen.co.in/diu-heritage-walk/ ઉપર તેની તમામ માહિતીઓ આપને મળી રહેશે.

  • લેખક દીવ ખાતે રહે છે અને પ્રવાસ શોખીન છે. તેઓ વ્યવસાયે એકૌંઉન્ટંત તરીકે પ્રેક્ટિસ કરે છે.)
error: Content is protected !!