GSTR 4 રિટર્ન ભરવાંની મુદતમાં શું કરવા નથી કરવામાં આવી રહ્યો વધારો??? શું આ વધારાથી સરકારને છે કોઈ નુકસાન???
કંપોઝીશન વેપારીઓએ ભરવાના થતાં વાર્ષિક GSTR 4 ની મુદત 30 એપ્રિલ છે. આ રિટર્ન મોડા ભરવામાં આવે તો વેપારીઓ ઉપર લાગે રોજની 100 રૂપિયાની લેઇટ ફી
તા. 27.04.2021: દેશભરમાં કોરોના સંકટ દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. 26 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલ કેન્દ્રિય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અંગે આજે મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહ વિભાગ સાથે તાકીદની બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોનાની ચેઇન તોડવાના ભાગ રૂપે કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલ છે તેના કરતાં ઘણા વધુ નિયંત્રનો મૂકવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે ઘણા ધંધાઑ 05 મે સુધી બંધ રહેશે. ઘણા એવા શહેરો છે જેમાં સ્વૈછીક લોકડાઉન અમલમાં છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિ કરફ્યુ પણ અમલમાં છે.
ઉલ્લેખનીય છે કે નાના વેપારીઓ કે જેઑ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હોય તેમણે વાર્ષિક રિટર્ન GSTR 4, 30 એપ્રિલ સુધીમાં ભરવાના થાય છે. હવે જ્યારે આ રિટર્ન ભરવાંની મુદતમાં માત્ર 3 દિવસ બાકી હોય ત્યારે ઘણા ઓછા રિટર્ન ભરાયા હોવાની માહિતી મળી રહી છે. કોરોના ના આ મુશ્કેલ સમયમાં જ્યારે મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો હોય ત્યારે આવા “પ્રોસિજરલ” હોય તેવું આ ફોર્મ ભરવાની મુદત પણ સમયસર વધારવામાં આવી નથી તે અંગે વેપારીઓ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં રોષ જોવા મળી રહ્યો છે. જી.એસ.ટી. કાયદાની કલમ 35 મુજબ કરદાતાઓએ પોતાના ધંધાકીય ચોપડા ધંધાના સ્થળે રાખવાના થતાં હોય છે. આ પ્રકારે આંશિક કે સ્વૈછીક લોકડાઉનના સમયમાં વેપારી પાસે આ GSTR 4 જેવા રિટર્ન ભરવાંનો આગ્રહ રાખવામા આવે તે કેટલા અંશે યોગ્ય ગણાય??
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો મુજબ જી.એસ.ટી. ઇમ્પ્લિમેનટેશન કમિટીની મળેલી બેઠક દરમ્યાન મુદત વધારા અંગેનો પ્રશ્ન ચર્ચાતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુદતો વધારવાની જરૂર નથી તેવા અભિપ્રાય આપ્યા હોવાના અહેવાલો છે. જ્યારે જમીની સ્તરે સ્થિતિ કઇંક જુદીજ હોય તેવા અહેવાલો છે. મોટા પ્રમાણમા વેપારીઓ, ટેક્સ પ્રોફેશનલ્સ અને એકાઉન્ટન્ટ કોરોનાની ઝપેટમાં હોવાના સમાચાર છે. આ પૈકી ઘણાના મૃત્યુ થયા હોવાના પણ સમાચાર છે. આ સમયે કેવી રીતે આશા રાખી શકાય કે વેપારીઓ આવી ગંભીર પરિસ્થિતીમાં વાર્ષિક રિટર્ન ભરે??? આ રિટર્ન ભરવાની મુદતમાં સમયસર વધારો કરી આપવામાં આવે તો શું સરકારી તિજોરીને કોઈ નુકસાન થાય??? આ પ્રશ્નો ટેક્સ પ્રોફેશનલ્સમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે.