ચેક બાઉન્સના કેસોની સુનાવણી અંગે મહત્વની માર્ગદર્શિકા બહાર પડતી સુપ્રીમ કોર્ટ
ચેક રિટર્નના કેસોમાં નિર્ણય લેવામાં થતાં વિલંબ બાબતે આકરી ટીકા કરતી સુપ્રીમ કોર્ટ
તા. 26.04.2021: 1,70,000 ના એક ચેક બાઉન્સ કેસ 16 વર્ષથી પડતર હતો. આ કેસની ગંભીરતા સમજી માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર “સુઓ મોટો” રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાને કોર્ટ વતી વકીલ રહેવા વિનંતી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ 25 હાઇકોર્ટને આ અંગે પોતાના વિચારો રજૂ કરવાં જણાવવામાં આવ્યું હતું. આ પૈકી માત્ર 14 હાઇકોર્ટ દ્વારા પોતાના આ મુદા પરના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પણ સૂચનો આપવામાં આવ્યા હતા. અમુક રાજ્યોના DGP દ્વારા પણ આ કેસો બાબતે પોતાના સૂચનો આપ્યા હતા. 01.04.1989 થી અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન થતાં ચેકને દંડપાત્ર બનાવવામાં આવ્યા હતા. 06.02.2003 થી આ જોગવાઈઑ માં મહત્વનો ફેરફાર કરી આ કેસને સમારી કેસ તરીકે ચલાવવા સુધારો પસાર કરવામાં આવ્યો હતો અને આમ, ચેક બાઉન્સના કેસો શક્ય હોય ત્યાં સુધી 6 માહિનામાં પૂર્ણ કરવાના રહેતા હોય છે. સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલ વિગતો પરથી એવું ફલિત થાય છે કે દેશભરમાં પડતર કુલ 2.31 કરોડ કેસો પૈકી 35.16 લાખ કેસો માત્ર ચેક રિટર્ન અંગેના છે. જે પ્રમાણમાં ચેક રિટર્નના કેસો દાખલ કરવામાં આવે છે તેના પ્રમાણે આ કેસોનું નિવારણ ખૂબ ઓછા પાયે થતું હોય છે. આ અંગે ગહન ચર્ચાઓ કરી સુપ્રીમ કોર્ટ દ્વારા નીચે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
- દરેક હાઇકોર્ટ દ્વારા પોતાના તાબા હેઠળની કોર્ટને ચેક બાઉન્સના કેસો ને સમરી કેસોમાંથી સમન્સ કેસોમાં તબદીલ કરવા યોગ્ય કારણ નોંધવા અંગે સૂચનાઓ બહાર પાડવાની રહેશે.
- જ્યારે આરોપી કોર્ટના ક્ષેત્રાધિકાર બહાર રહેતો હોય ત્યારે, ફરિયાદ મળતા આરોપી સામે કેસ ચલાવવાનો યોગ્ય છે તે અંગે ખરાઈ કરવાની રહેશે.
- ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 202 હેઠળ સહેદો (વિટનેસ) ને રૂબરૂ બોલાવવો જરૂરી રહેશે નહીં. વર્ષ 2003 માં કરવામાં આવેલ નિગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 145 ના સુધારા મુજબ વિટનેસ એફિડેવિટ દ્વારા પોતાની જુબાની આપી શકે છે.જેનાથી કેસો ઝડપથી ચાલે.
- ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 219 મુજબ જ્યારે કોઈ વ્યક્તિ 1 થી વધુ ગુનાહ 12 મહિનાની અંદર કરે તે ગુનાહને એક કેસ ગણી ચલાવવા જોઈએ. આ 12 મહિનાના “રિસ્ટરીકશન” ના કારણે કેસોની સંખ્યા વધી જતી હોય છે. ચેક બાઉન્સના કિસ્સામાં આમાં ફેરફાર જરૂરી છે અને એકજ વ્યવહાર પૈકી આપવામાં આવેલ ચેકો ભલે 12 મહિનાથી વધુ સમયના હોય તો પણ એક કેસ તરીકે ચાલી શકે છે. આમ કરવાથી કેસોની સંખ્યા ઘટાડી શકશે.
- કોર્ટ દ્વારા એક કેસમાં જ્યારે સમન્સની બજવણી થઈ ગઈ હોય ત્યારે તેજ ફરિયાદી અને આરોપી ના સબંધમાં અન્ય કેસોમાં સમન્સની બજવણી થઈ ગયેલ છે તેમ માની લેવામાં આવે તેવી પદ્ધતિ લાગુ કરવાની રહે.
- ચેક બાઉન્સના કેસોમાં સમન્સની બજવણી વી. જેવા મુદ્દાઑમાં ફેરફાર કરવાંની પદ્ધતિમાં ફેરફાર અંગે અભ્યાસ કરવાં તથા આ પ્રકારના કેસોમાં વધુ કોર્ટની જરૂરિયાત અંગે વિચારવા બોમ્બે હાઇકોર્ટના નિવૃત જજ R C Chauhan ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે આ બાબતો માટે પોતાનું તારણ આપશે.
ચેક બાઉન્સના કેસો ખરેખર 6 મહિના સુધીમાં પૂરા કરવા જરૂરી હોય છે. પરંતુ સમગ્ર દેશમાં ભાગ્યજ કોઈ ચેક રિટર્નનો કેસ આ સમયમાં પૂર્ણ થયો હશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ અંતરીમ આદેશ ઉપરથી આ પ્રકારના કેસો ઝડપથી ચાલશે અને લોકોને યોગ્ય ન્યાય મળશે તેવી આશા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.