રિવોકેશન અરજી કરવા મળી તક પરંતુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું શું???
જી.એસ.ટી. કાયદા હેઠળ નિયત સમયમાં મેળવી લેવી પડે છે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ!! હવે ભરવામાં આવતા જી.એસ.ટી. રિટર્નની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર ઉઠી શકે છે પ્રશ્નો!!!
તા 11.04.2023: જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી. નોંધણી નંબર રદ્દ થઈ ગયા હોય તેવા કરદાતાઓ માટે નોટિફિકેશન 3/20223, તા. 31.03.2023 બહાર પાડી ખાસ રાહત આપવામાં આવી છે. 31.12.2022 સુધીમાં જેમના જી.એસ.ટી. નંબર રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયા હોય તેવા કરદાતાઓ પોતાના નોંધણી દાખલા પુનઃજીવિત કરવા રિવોકેશનની અરજી કરી શકશે. આ અરજી 30 જૂન સુધીમાં કરદાતા દ્વારા પોતાના જી.એસ.ટી. નંબર રદ્દ થયો છે ત્યાં સુધીના રિટર્ન ઓનલાઈન ભરી ઓનલાઈન અરજી કરવાની રહે છે. કરદાતાને આપવામાં આવેલ આ રાહત ખરેખર આવકારદાયક છે.
આ આવકારદાયક રાહત સાથે જ સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે આ સગવડનો લાભ મેળવતા કરદાતાઓ શું પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં? જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની સમય મર્યાદા લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ પ્રમાણે કોઈ પણ કરદાતા પોતાને મળવાપાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, જે તે નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછીના વર્ષના 30 નવેમ્બર સુધી જ GSTR 3B રિટર્ન દ્વારા માંગી શકે છે. આ બાબત ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. એક વેપારી કે જેઓનો નોંધણી દાખલો સતત છ માસના રિટર્ન ના ભરવાના કારણે 30 સપ્ટેમ્બર 2020 ના રોજ રદ થઈ ગયો છે. સામાન્ય રીતે આ વેપારી દ્વારા નોંધણી રદ્દનો આદેશ તેને મળે તેના 30 દિવસમાં રિવોકેશન અરજી ફાઇલ કરી પોતાનો નોંધણી દાખલો પુનઃજીવિત કરાવવાનો રહેતો હોય છે. પરંતુ તેઓ આ સમય મર્યાદા ચૂકી ગયા હતા. હવે હાલ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન 3/2023 મુજબ તેઓ દ્વારા પોતાનો જૂનો રદ્દ થયેલ નોંધણી દાખલો ફરી પુનઃજીવિત કરવાની તક આપવામાં આવેલ છે. પરંતુ તેઓ દ્વારા આ દાખલો પુનઃજીવિત કરવામાં આવે છતાં પણ તેઓ હવે જ્યારે પોતાના નાણાકીય વર્ષ 2020 21, 2021 22 ના બાકી રિટર્ન ભરશે ત્યારે જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 16(4) માં સૂચવવામાં આવેલ સમયમર્યાદાને કારણે તેઓને પોતાની ખરીદી અને મેળવેલ સેવાઓની ચૂકવેલ ટેક્સની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં.
આમ, એક તરફ કરદાતાને રાહત આપવા કરવામાં આવેલ જોગવાઈ પણ ખરેખર કરદાતાને રાહતના સ્થાને ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે છે તેવો ભય નિષ્ણાંતો સેવી રહ્યા છે. જી.એસ.ટી. કાયદાની કલમ 16(4)ની આ જોગવાઈના કારણે કરદાતાઑને મોટી મુશ્કેલી પડશે તે ચોક્કસ છે. જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) માં સુધારો કરવા “રીમુવાલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર” બહાર પાડવામાં આવે અને આ પ્રમાણે જૂનો નોંધણી નંબર નિયમિત કરાવતા કરદાતાને પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવે તેવી માંગ વેપારી આલમમાં ઉઠવા પામી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે